BAN vs IND: મેહદી હસન મિરાજની શાનદાર ઈનિંગ, રોમાંચક મેચમાં બાંગ્લાદેશનો 1 વિકેટે વિજય

બાંગ્લાદેશે ત્રણ મેચની વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતને 1 વિકેટે પરાજય આપ્યો છે. લો-સ્કોરિંગ મેચમાં રોમાંચક વિજય સાથે બાંગ્લાદેશે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

BAN vs IND: મેહદી હસન મિરાજની શાનદાર ઈનિંગ, રોમાંચક મેચમાં બાંગ્લાદેશનો 1 વિકેટે વિજય

ઢાકાઃ મેહદી હસન મિરાજ (અણનમ 38 રન) અને મુસ્તફીઝુર રહમાન (10*) અંતિમ વિકેટ માટે કરેલી 51 રનની અણનમ વિકેટની ભાગીદારીની મદદથી બાંગ્લાદેશે ઢાકામાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 1 વિકેટે પરાજય આપી રોમાંચક જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બાંગ્લાદેશે એક સમયે 136 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મેહદી હસન મિરાજે દમદાર બેટિંગ કરી ભારત પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. બાંગ્લાદેશે 46 ઓવમાં 9 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને 23 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. શિખર ધવન માત્ર 7 રન બનાવી મેહદી હસન મિરાઝનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા 31 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 27 રન બનાવી શાકિબની ઓવરમાં બોલ્ડ થયો હતો. શાકિબે વિરાટ કોહલી (9) ને આઉટ કરી ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 49 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

કેએલ રાહુલની અડધી સદી
ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે આજે પાંચમાં ક્રમે બેટિંગ કરતા 70 બોલમાં 4 સિક્સ અને 5 ફોર સાથે 73 રન બનાવ્યા હતા. રાહુલની ઈનિંગની મદદથી ભારતીય ટીમ 180નો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આ સિાવાય શ્રેયસ અય્યરે 24 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગટન સુંદર 19 રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદ 0, શાર્દુલ ઠાકુર 2, દીપક ચાહર 0 અને સિરાજ 9 રન બનાવી આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબે પાંચ અને ઈબાદોત હુસૈને ચાર વિકેટ લીધી હતી. 

મેહસી હસન મિરાજે બાંગ્લાદેશને અપાવી શાનદાર જીત
બાંગ્લાદેશની ટીમે એક સમયે 136 રનના સ્કોરે 9મી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ જીતી જશે. પરંતુ મેહદી હસન મિરાજે 39 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 38 રન બનાવી બાંગ્લાદેશને શાનદાર જીત અપાવી હતી. મેહદીએ મુસ્તફીઝુર રહમાન સાથે અંતિમ વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. મુસ્તફીઝુર 11 બોલમાં 10 રન બનાવી અણનમ રહ્યો હતો. 

બાંગ્લાદેશની શરૂઆત ખરાબ
ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે પ્રથમ બોલ પર વિકેટ ગુમાવી હતી. દીપક ચાહરે નજમુલ હુસૈન શાન્તોને શૂન્ય રને આઉટ કર્યો હતો. ત્યારબાદ અનામુલ હક 14 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. બાંગ્લાદેશનો સ્કોર 74 રન હતો ત્યારે કેપ્ટન લિટન દાસ આઉટ થયો હતો. લિટને 63 બોલમાં 41 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસન 29 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો.

મુશ્ફીકુર રહીમે 14 18 રનનું યોગદાન આપ્યું હતું. રહીમ 45 બોલનો સામનો કરી સિરાજનો શિકાર બન્યો હતો. મહમૂદુલ્લાહ 14 રન બનાવી શારુલની ઓવરમાં આઉટ થયો હતો. અફીફ હુસૈન (6) ને કુલદીપ સેને સિરાજના હાથે કેચઆઉટ કરાવી પોતાના વનડે કરિયરની પ્રથમ વિકેટ લીધી હતી.  હસન મોહમુદ 0 રને સિરાજનો શિકાર બન્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news