IND vs AUS: બોલિંગ પાસું મજબૂત, બેટિંગમાં સુધારાની જરૂર- વિરાટ કોહલી
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતાં પહેલા આયોજિત પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ખુલ્લા દિલે કરી વાત
Trending Photos
મુંબઈઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલાં આયોજિત પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, તેમની ટીમનું બોલિંગ પાસું તો મજબૂત છે, પરંતુ બેટિંગના ક્ષેત્રે સુધારો કરવાની જરૂર છે. ભારતીય ટીમ માત્ર એક ટેસ્ટ નહીં, પરંતુ સંપૂર્ણ શ્રેણી જીતવા માટે પ્રતિબદ્ધ છે.
વિરાટે જણાવ્યું કે, 'વ્યક્તિગત રીતે મને લાગે છે કે અમે થોડી ઘણી પ્રગતિ કરી લીધી છે, તેમ છતાં હજુ ઘણો સુધારો કરવાની જરૂર છે. આ બાબતને અમે એક ટીમ તરીકે પણ સમજી છે. અમે જાણ્યું છે કે હવે અમારે આગળ શું કરવાનું છે. ખેલાડીઓએ જવાબદારી લેવાની છે અને વ્યક્તિગત રીતે પણ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે.'
વિરાટે વધુમાં વાત કરતા કહ્યું કે, 'ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમે રમત તો સારી રમી હતી, પરંતુ ગંભીર ભૂલો પણ કરી હતી. આ ભૂલોને કારણે જ પરાજયનો સામનો કરવો પડ્યો છે. હવે અમે એ ભૂલોમાંથી બોધપાઠ લીધો છે. ટીમની સાથે-સાથે મારે પણ વ્યક્તિગત સ્તરે કામ કરવાની જરૂર છે અને હું કરીશ. અમે સમગ્ર ટીમ પાસે અપેક્ષા રાખીએ છીએ કે તે સારું પ્રદર્શન કરશે. ટેસ્ટમાં વધુ કામ કરવાની જરૂર છે.'
મુંબઈ ખાતેની પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ગુરૂવારે જણાવ્યું કે, વન ડે ટીમમાં હવે કોઈ છેડછાડ કે ફેરફાર કરવામાં આવશે નહીં, કેમ કે દક્ષિણ આફ્રિકા સામે 5 જૂનના રોજ વર્લ્ડ કપ પહેલાં ભારતે હવે માત્ર 13 મેચ રમવાની છે.
શાસ્ત્રીએ સંકેત આપ્યો કે હવે તેઓ એ 15 ખેલાડીઓ સાથે જ રમશે જેમના વર્લ્ડ કપ માટે બ્રિટન જવાની સંભાવના છે.
હવે ટીમમાં ફેરફાર નહીં થાય
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલાં આયોજિત પત્રકાર પરિષદમાં રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે, 'અમે એ 15 ખેલાડીઓને જ વધુ રમાડવાનો પ્રયાસ કરીશું જે આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપમાં રમવા જવાના છે. હવે ટીમમાં કોઈ ફેરફાર કરાશે નહીં. પ્રયોગને સમય સમાપ્ત થઈ ગયો છે.'
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં રમશે 13 વન ડે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં મળીને કુલ 13 વન ડે મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ 3 વન ડે રમવાની છે. અહીંથી ન્યૂઝિલેન્ડના પ્રવાસમાં 5 મેચની વન ડે શ્રેણી છે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 5 વન ડે મેચની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવવાની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે