IND vs AUS: ઈન્દોરમાં ભારતીય બેટરોનું વાવાઝોડું, ગિલ-અય્યરની સદી, 50 ઓવરમાં ફટકાર્યા 399 રન

IND vs AUS: વિશ્વકપ પહેલા ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઈન્દોરમાં બીજી વનડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 399 રન ફટકારી દીધા છે. ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0થી આગળ છે. 

IND vs AUS: ઈન્દોરમાં ભારતીય બેટરોનું વાવાઝોડું, ગિલ-અય્યરની સદી, 50 ઓવરમાં ફટકાર્યા 399 રન

ઈન્દોરઃ શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની સદી બાદ સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન કેએલ રાહુલની આક્રમક અડધી સદીની મદદથી ભારતે ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન ફટકારી દીધા છે અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 400 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી ગિલ અને અય્યરે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. 

ગિલ અને અય્યર વચ્ચે 200 રનની ભાગીદારી
ભારતે 16 રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે કાંગારૂ બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. બંનેએ આક્રમક શરૂઆત કરતા પ્રથમ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 80 રન પર પહોંચાડી દીધો હતો. પાવરપ્લે બાદ પણ બંને બેટરોએ બાઉન્ડ્રી ફટકારવાનું જારી રાખ્યું હતું. ત્યારબાદ અય્યર અને ગિલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

ઈજા બાદ વાપસી કરી રહેલો અય્યર આજે શાનદાર લયમાં જોવા મળ્યો હતો. અય્યરે પોતાના વનડે કરિયરની ત્રીજી સદી ફટકારતા 105 રન બનાવ્યા હતા. અય્યરે 90 બોલમાં 11 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 105 રન બનાવ્યા હતા. અય્યર અને ગિલે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલે પોતાના વનડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. ગિલ 97 બોલમાં 6 ફોર અને ચાર સિક્સ સાથે 104 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતે 243 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઈશાન કિશન અને કેએલ રાહુલે આક્રમક બેટિંગ કરવાનું જારી રાખ્યું હતું. ઈશાન કિશન 18 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુલ 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 52 રન બનાવી આઉટ થયો હતો. 

અંતિમ ઓવરોમાં સૂર્યાની ફટકાબાજી
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 37 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો. સૂર્યાએ ગ્રીનની ઓવરમાં સતત ચાર બોલમાં ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે જાડેજા 9 બોલમાં 13 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. 

ઓસ્ટ્રેલિયન બોલર ધોવાયા
ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને સૌથી વધુ રન આપ્યા હતા. ગ્રીને 10 ઓવરમાં 103 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 67 રન આપી એક વિકેટ મળી હતી. જોશ હેઝલવુડને પણ 1 વિકેટ મળી હતી. તેણે 10 ઓવરમાં 62 રન આપ્યા હતા. સ્પેન્સર જોનસને 8 ઓવરમાં 61 રન અને મેથ્યૂ શોર્ટે બે ઓવરમાં 15 રન આપ્યા હતા. સીન એબોટને પણ એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news