women t20i world cup: ઈંગ્લેન્ડને હરાવી પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ભારતીય ટીમ


ભારતીય મહિલા ટીમ આ પહેલા ક્યારેય ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી નથી પરંતુ આ વખતે ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ટીમ ટાઇટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. 
 

women t20i world cup: ઈંગ્લેન્ડને હરાવી પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ભારતીય ટીમ

સિડનીઃ ગ્રુપ સ્ટેજમાં અજેય રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારે અહીં ઈંગ્લેન્ડની મજબૂત ટીમ વિરુદ્ધ સેમિફાઇનલમાં જીત મેળવી પ્રથમવાર આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં જગ્યા બનાવવાના ઈરાદાથી ઉતરશે. ભારત વર્તમાન ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ ટીમ છે. ભારત છેલ્લી છ ટૂર્નામેન્ટમાં ક્યારેય ફાઇનલમાં પહોંચ્યું નથી પરંતુ આ વખતે શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ પ્રબળ દાવેદારોમાં સામેલ છે. 

ભારતે પોતાના અભિયાનની શરૂઆત ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર જીતની સાથે કરી અને પછી બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને પણ હરાવીને ગ્રુપ-એમાં ચાર મેચોમાં આઠ પોઈન્ટ સાથે ટોપ પર રહ્યું હતું. ભારતીય મહિલા ખેલાડી સારા ફોર્મમાં છે પરંતુ રેકોર્ડ ઈંગ્લેન્ડના પક્ષમાં છે જેણે મહિલા ટી20 વિશ્વકપમાં બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલા પાંચ મુકાબલામાં જીત મેળવી છે. 

વેસ્ટઈન્ડિઝમાં પાછલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પણ ઈંગ્લેન્ડે ભારતને આઠ વિકેટથી હરાવ્યું હતું. જ્યારે તે પહેલા 2009, 2012, 2014 અને 2016માં પણ ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજમાં આ ટીમ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાલની ટીમમાં સામેલ સાત ખેલાડી 2018માં સેમિફાઇનલ મેચમાં રમી હતી અને હવે તે ઈંગ્લેન્ડનો હિસાબ ચુકતો કરવા આતુર છે. 

ભારતે વિશ્વકપ પહેલા ત્રિકોણીય સિરીઝમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, જેથી ટીમનો આત્મ વિશ્વાસ વધ્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતની ટોપ સ્કોરર શેફાલી વર્માએ ચાર મેચોમાં 161 રન બનાવ્યા છે. શેફાલી ટૂર્નામેન્ટમાં સૌથી સફળ બેટ્સમેનોમાં ઈંગ્લેન્ડની નતાલી સિવર (202) અને હીથર નાઇટ (193) બાદ ત્રીજા સ્થાન પર છે. જેમિમા રોડ્રિગ્સ પણ સારી લયમાં છે પરંતુ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહી છે. 

મિડલ ઓર્ડરમાં પણ વેદા કૃષ્ણામર્તિ, શિખા પાંડે અને રાધા યાદવે જરૂર પડવા પર ઉપયોગી યોગદાન આપ્યું છે. ટીમની બે સૌથી અનુભવી ખેલાડી કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના પરંતુ અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી અને સેમિફાઇલમાં ફોર્મમાં વાપસી કરવા ઈચ્છશે. 

બોલરોમાં લેગ સ્પિનર પૂનમ યાદવ ચાર મેચોમાં 9 વિકેટની સાથે સર્વશ્રેષ્ઠ બોલર છે. શિખા (ચાર મેચોમાં 7 વિકેટ)થી તેને સારો સહયોગ મળ્યો છે. ઈંગ્લેન્ડે ગ્રુપ બીમાં ત્રણ જીત અને એક હારથી બીજા સ્થાન પર રહેતા સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. 

ઈંગ્લેન્ડની નતાલીએ ત્રણ અડધી સદીની મદદથી 67.33ની એવરેજથી 202 રન બનાવ્યા અને ભારતીય બોલરોએ તેનો રોકવાની રીત શોધવી પડશે. બોલિંગ વિભાગમાં પણ ઈંગ્લેન્ડની પાસે સ્પિનર સોફી એકલેસ્ટોન (8 વિકેટ) અને ફાસ્ટ બોલર આન્યા શ્રુબસોલ (7 વિકેટ) જેવી બોલર છે જે હાલની ટૂર્નામેન્ટમાં સૌથી સફળ બોલરોની યાદીમાં ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે. 

ટીમ આ પ્રકારે છે
ભારત- હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ યાદવ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરૂંધતિ રેડ્ડી, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, રિચા ઘોષ અને પૂજા વસ્ત્રાકર. 

ઈંગ્લેન્ડઃ હીથર નાઇટ (કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, કૈથરીન બ્રન્ટ, કેટ ક્રાસ, ફ્રેયા ડેવિસ, સોફી એકલેસ્ટોન, જાર્જિયા એલ્વિસ, સારા ગ્લેન, એમી જોન્સ, નતાલી સિવર, આન્યા શ્રુબસોલ, મૈડી વિલિયર્સ, ફ્રેન વિલ્સન, લારેન વિનફીલ્ડ અને ડેની વાયટ. સમયઃ મેચ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news