આ પાક બોલરનો દાવો- મેં સમાપ્ત કર્યું ગૌતમ ગંભીરનું કરિયર

પાકિસ્તાનના એક ક્રિકેટરનો દાવો છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનું વનડે કરિયર સમાપ્ત કરવામાં તેનો હાથ હતો. 
 

આ પાક બોલરનો દાવો- મેં સમાપ્ત કર્યું ગૌતમ ગંભીરનું કરિયર

કરાચીઃ પાકિસ્તાની ટીમથી બહાર ચાલી રહેલા ડાબા હાથના ફાસ્ટ બોલર મોહમ્મદ ઇરફાને કહ્યું કે, 2012ની દ્વિપક્ષીય સિરીઝ દરમિયાન ગૌતમ ગંભીર તેનો સામનો કરવાને લઈને અસહજ રહેતો હતો. મોહમ્મદ ઇરફાને આ ઘટનાને યાદ કરતા કહ્યું કે, ત્યારબાદથી ભારતીય ઓપનિંગ બેટ્સમેનનું સીમિત ઓવર ફોર્મેટમાં કરિયર વધુ દિવસ સુધી ચાલ્યું નથી. 

નિર્ધારિત ઓવરોની આ સિરીઝ (ટી20 અને વનડે) દરમિયાન 7 ફુટ 1 ઇંચ લાંબા કદના ઇરફાને ગંભીરને ચાર વખત આઉટ કર્યો હતો. ભારતીય બેટ્સમેન ગંભીર ત્યારબાદ ભારત તરફથી માત્ર એક સિરીઝ (ઈંગ્લેન્ડ વિરુદ્ધ) જ રમી શક્યો હતો. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 

ઇરફાને એક ચેનલને કહ્યું, 'જ્યારે હું ભારત વિરુદ્ધ રમ્યો તો તે મને સહજ થઈને રમી શક્યો નહતો. ભારતમાં 2012ની સિરીઝમાં તેમાંથી કેટલાકે મને જણાવ્યું કે, મારા લાંબા કદને કારણે મારા બોલનું યોગ્ય રીતે અનુમાન લગાવી શકતા નથી અને બોલની ઝડપને માપી શકતા નથી.'

ઇરફાને દાવો કર્યો કે, આ સિરીઝમાં ખરાબ પ્રદર્શનને કારણે ગંભીરનું કરિયર પૂરુ થઈ ગયું હતું. તેણે કહ્યું, 'તે (ગંભીર) મારો સામનો કરવાનું પસંદ કરતો નહતો. મને હંમેશા લાગતું હતું કે, તે મારી સાથે આંખ મેળવવાથી બચે છે. મને યાદ છે કે મેં 2012ની નિર્ધારિત ઓવરોની સિરીઝમાં તેને 4 વખત આઉટ કર્યો અને તે મારી સામે અસહજ રહેતો હતો.'

ગંભીરે પોતાની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન વિરુદ્ધ તે સિરીઝમાં અમદાવાદમાં રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news