IPL 2022: ઉમરાન મલિકના શાનદાર સ્પેલ પર ભારે પડ્યા તેવતિયા-રાશિદ, ગુજરાતનો 5 વિકેટે વિજય
અંતિમ ઓવરોમાં રાશિદ ખાન અને રાહુલ તેવતિયાની દમદાર બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે સનરાઇઝર્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
મુંબઈઃ રાશિદ ખાન (11 બોલમાં 31 રન, 4 સિક્સ) અને રાહુલ તેવતિયા (21 બોલમાં 40 રન, 2 સિક્સ, 4 ફોર) ની અંતિમ ઓવરોમાં અવિશ્વસનીય બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ-2022ની 40મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને રોમાંચક મેચમાં 5 વિકેટે પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. ગુજરાત ટાઈટન્સે 8 મેચમાં સાતમી જીત મેળવી છે. તો સતત પાંચ મેચ જીત્યા બાદ હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
રાહુલ અને રાશિદે અપાવી જીત
196 રનના સ્કોરનો પીછો કરતા ગુજરાતે સારી શરૂઆત કરી હતી. ગિલ અને સાહાએ પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. આ દરમિયાન ખતરનાક થઈ રહેલી ભાગીદારીને ઉમરાન મલિકે તોડી હતી. તેણે ગિલને 22 રને બોલ્ડ કર્યો હતો. તેના આઉટ થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ખાસ કરી શક્યો નહીં અને 10 રન બનાવી આઉટ થયો હતો.
બે વિકેટ પડ્યા બાદ સાહાએ એક છેડો સંભાળ્યો. આ દરમિયાન તેણે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચોથી વિકેટ માટે સાહા અને મિલરે 37 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને મલિકે તોડી હતી. તેણે સાહાને 68 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. ત્રણ વિકેટ પડ્યા બાદ રાહુલ તેવતિયા અને મિલરે ઈનિંગ સંભાળી હતી. પરંતુ મિલર ખાસ કરી શક્યો નહીં અને 17 રને ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ અભિનવને પણ મલિકે બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ રાશિદ ખાન અને રાહુલે મળીને ટીમને જીત અપાવી હતી. રાહુલે માત્ર 21 બોલમાં 40 રન બનાવ્યા, જ્યારે રાશિદ ખાને 11 બોલમાં 4 સિક્સ સાથે 31 રનની તોફાની ઈનિંગ રમી હતી. બંને બેટરોના જાદૂથી ગુજરાતે ફરી રોમાંચક જીત મેળવી છે. હૈદરાબાદ માટે મલિકે 24 રન આપી 5 વિકેટ ઝડપી હતી.
અભિષેક અને મારક્રમની દમદાર બેટિંગ
અભિષેક શર્મા (65) અને એડન માર્કરમ (56) ની દમદાર ઈનિંગની મદદથી આઈપીએલ 2022ના 40માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાતને 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ બે સિવાય હૈદરાબાદનો અન્ય બેટર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. ગુજરાત તરફથી શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે