જાણો કોણ છે પ્રસિદ્ધ કૃષ્ણા, જે વન-ડે સિરીઝમાં બનશે અંગ્રેજોનો કાળ

કર્ણાટકના આ ઝડપી બોલરે વિજય હજારે ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

જાણો કોણ છે પ્રસિદ્ધ કૃષ્ણા, જે વન-ડે સિરીઝમાં બનશે અંગ્રેજોનો કાળ

નવી દિલ્લી: ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે. તેમાં આ વખતે બે નવા ચહેરાઓએ તેમાં જગ્યા મેળવી છે. જોકે આ બંનેમાં સૂર્યકુમાર યાદવની પસંદગી લગભગ નક્કી હતી. પરંતુ એક નામે બધા ભારતીય ક્રિકેટ પ્રશંસકાને ચોંકાવી દીધા છે. અને તે નામ છે પ્રસિદ્ધ કૃષ્ણા. કર્ણાટકના આ ઝડપી બોલરને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે. એવામાં બધાના મનમાં સવાલ એ છે કે આખરે કોણ છે આ ઝડપી બોલર. જેને ઈંગ્લેન્ડ સામે દિગ્ગજોથી ભરપૂર ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. અને તે કેવી રીતે આવનારી વન-ડે સિરીઝમાં અંગ્રેજોનો કાળ બનશે. આ સવાલનો જવાબ પણ તમને અહીંયા મળશે.

વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું:
પ્રસિદ્ધ કૃષ્ણાએ 50 લિસ્ટ એ મેચ પણ રમી નથી. પરંતુ હાલમાં રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં તેણે પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેણે 48 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં 5.17ની ઈકોનોમી રેટથી 81 વિકેટ ઝડપી છે. તે સિવાય 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 34 અને 40 ટી-20 મેચમાં 33 વિકેટ છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ વિજય હજારે ટ્રોફીમાં 14 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ A સામે ખતરનાક બોલિંગ કરી:
25 વર્ષના આ બોલરનું નામ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેણે વર્ષ 2015માં બાંગ્લાદેશ A સામે ભારત પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ત્યારે તેણે કર્ણાટક માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કરતાં બાંગ્લાદેશ A સામે 49 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે પોતાના પહેલા જ બોલ પર રોની તાલુકદારને આઉટ કર્યો. અને તેના પછી અનામુલ હક, સૌમ્ય સરકાર અને નાસિર હુસૈનની વિકેટ પોતાના પહેલા જ સ્પેલમાં લીધી. કર્ણાટકે આ મેચ 4 વિકેટથી જીતી લીધી હતી.

પ્રસિદ્ધ કૃષ્ણાની લિસ્ટ A મેચમાં પ્રદર્શન:
તેણે લિસ્ટ Aમાં ડેબ્યુ 2016-17માં વિજય હજારે ટ્રોફીમાં 25 ફેબ્રુઆરી 2017માં કર્યુ હતું. તેના પછી ટી-20 ડેબ્યુ 2017-18ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 21 જાન્યુઆરી 2018માં પર્દાપણ કર્યુ. 2018-19ની વિજય હજારે ટ્રોફીમાં તે કર્ણાટક માટે સૌથી વધારે 13 વિકેટ લેનારો બોલર હતો. તે પણ 7 મેચમાં. ઓગસ્ટ 2018માં તેને ઈન્ડિયા A ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો. ત્યારબાદ ડિસેમ્બર 2018માં તેને ACC ઈમર્જિગ ટીમ એશિયા કપની ભારતીય ટીમમાં જગ્યા મળી.

આઈપીએલમાં કેવું છે પ્રદર્શન:
જમણા હાથનો ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટરાઈડર્સ ટીમનો ભાગ છે. આ લીગમાં તેણે અત્યાર સુધી 24 મેચ રમી છે.  જેમાં 18 વિકેટ તેના નામે છે. જેમાં 2018માં 7 મેચમાં 10 વિકેટ, જ્યારે 2019માં 11 મેચમાં 4 વિકેટ છે. 2020માં દુબઈમાં રમાયેલી 13મી સિઝનમાં તેણે 6 મેચ રમી હતી. જેમાં તેના ખાતામાં 4 વિકેટ આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news