એલિસ્ટર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કરી સંન્યાસની જાહેરાત, ભારત વિરુદ્ધ રમશે અંતિમ ટેસ્ટ

કુકે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 12254 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 160 ટેસ્ટ મેચ રમી છે.
 

 એલિસ્ટર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કરી સંન્યાસની જાહેરાત, ભારત વિરુદ્ધ રમશે અંતિમ ટેસ્ટ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાનો નિર્ણય કર્યો છે. તે ભારત વિરુદ્ધ ઓવલમાં રમાનારી અંતિમ ટેસ્ટ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. 

કુકે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 12254 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 160 ટેસ્ટ મેચ રમી છે. ઓવલ ટેસ્ટ તેના કેરિયરની 161મી ટેસ્ટ મેચ હશે. કુક આ સમયે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમમાં તેના સ્થાનને લઈને પણ સવાલ ઉઠી રહ્યાં છે. ભારત વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. તે એસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટમાં રમશે. 

કુકે એક નિવેદનમાં કહ્યું, છેલ્લા ઘણા મહિનાથી વિચાર કર્યા બાદ મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થવાનો નિર્ણય લીધો છે. ભારત વિરુદ્ધ ઓવલ ટેસ્ટ મારા કેરિયરનો અંતિમ ટેસ્ટ મેચ હશે. 

તેણે કહ્યું, પરંતુ આ એક દુખભર્યો દિવસ છે પરંતુ હું મારા ચહેરા પર ખુશીની સાથે તે વાત કહી શકું છું કારણ કે હું જાણું છું કે મેં ઘણું બધું આપ્યું છે પરંતુ હવે મારી પાસે આપવા માટે કશું બાકી નથી. તેણે આગલ કહ્યું, મેં જે મેળવ્યું તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું. આટલા વર્ષો સુધી ઈંગ્લેન્ડ ટીમના દિગ્ગજો સાથે રમીને હું ગર્વ અનુભવી રહ્યો છું. ઈંગ્લેન્ડના સૌથી સફળ બેટ્સમેને કહ્યું કે, ટીમના કેટલાક સાથીઓની સાથે ભવિષ્યમાં ડ્રેસિંગ રૂમ ન શેર કરવાનો વિચાર મારા માટે ખૂબ પડકારજનક છે. પરંતુ હું જાણું છું આ યોગ્ય સમય છે. 

33 વર્ષીય કુકે એસિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેવડી સદી પણ ફટકારી હતી. આ પહેલા વિન્ડીઝ વિરુદ્ધ એજબેસ્ટનમાં પણ કુકે ડબલ સદી ફટકારી હતી. પરંતુ ત્યારબાદ તે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. 2017થી લઈને અત્યાર સુધી તેણે માત્ર ત્રણ અર્ધસદી અને બે બેવડી સદી ફટકારી છે. ભારત વિરુદ્ધ સાત ઈનિંગમાં તે માત્ર બે વખત 20થી વધુ રન બનાવી શક્યો છે. 

કુકે પોતાના કેરિયરની શરૂઆત 2006માં ભારત વિરુદ્ધ નાગપુરમાં કરી હતી. તે આ મેચમાં સદી ફટકારી હતી. તે સંયોગ છે કે તે પોતાના કેરિયરનો અંતિમ ટેસ્ટ મેચ પણ ભારત વિરુદ્ધ રમશે. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બેટ્સમેનોની યાદીમાં તે હાલમાં છઠ્ઠા સ્થાને છે. તેની આગળ સચિન [15,921], રિકી પોન્ટિંગ [13,378],, જેક કાલિસ [13,289], રાહુલ દ્રવિડ  [13,288] અને કુમાર સાંગાકારા છે. કુકના નામે 32 ટેસ્ટ સદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news