IPL 2022: કુલદીપની 4 વિકેટની મદદથી દિલ્હીનો 4 વિકેટે વિજય, કોલકત્તાને મળી સતત પાંચમી હાર

DC vs KKR: વાનખેડેમાં રમાયેલી આઈપીએલ-2022ની 41મી મેચમાં બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટે જીત મેળવી છે. 
 

IPL 2022: કુલદીપની 4 વિકેટની મદદથી દિલ્હીનો 4 વિકેટે વિજય, કોલકત્તાને મળી સતત પાંચમી હાર

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના 41માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 4 વિકેટે પરાજય આપી સિઝનમાં ચોથી જીત મેળવી છે. આ જીત દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી છે. જ્યારે કોલકત્તાએ સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19  ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

કોલકત્તાના ટોપ ઓર્ડરનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ફિન્ચ બીજી ઓવરમાં 3 રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વેંકટેશ અય્યર (6) ને અક્ષર પટેલે આઉટ કરી દિલ્હીને બીજી સફળતા અપાવી હતી. ઈંદ્રજીત 6 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. 

35 રનના સ્કોર પર કોલકત્તાએ સુનીલ નારાયણ (0) ના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ પાંચમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. અય્યર 37 બોલમાં 42 રન બનાવી આઉટ થયો હતો. નીતિશ રાણાએ આ સિઝનમાં પોતાની બીજી અડધી સદી ફટકારતા 57 રન બનાવ્યા હતા નીતિશ રાણાએ 34 બોલમાં ત્રણ ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. આંદ્રે રસેલ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. રિંકૂ સિંહે 23 રનનું યોગદાન આપ્યું હતું. 

દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 3 ઓવરમાં 14 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય મુસ્તફિઝુર રહમાને 18 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને ચેતન સાકરિયાને એક-એક સફળતા મળી હતી. 

પૃથ્વી શો પ્રથમ બોલ પર આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીને પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો હતો. પૃથ્વી શો શૂન્ય રને ઉમેશનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મિચેલ માર્શ 13 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા. 

ડેવિડ વોર્નર 26 બોલમાં 8 ચોગ્ગા સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. લલિત યાદવે 22 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રિષભ પંત 2 રન બનાવી ઉમેશની ઓવરમાં આઉટ થયો હતો. અંતમાં રોવમૈન પોવેલે 16 બોલમાં ત્રણ સિક્સ સાથે અણનમ 33 રન બનાવી દિલ્હીને જીત અપાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news