INDvsAUS: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત 215/2, પૂજારા 68, કોહલી 47 રને રમતમાં
ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટમાં શાનદાર પ્રારંભ કર્યો છે. પ્રથમ દિવસના અંતે બે વિકેટ ગુમાવી 215 રન બનાવી લીધા છે.
Trending Photos
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ (બોક્સિંગ ડે) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસના અંતે 2 વિકેટના નુકસાન પર 215 રન બનાવી લીધા છે. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા 68 અને વિરાટ કોહલી 47 રન બનાવી મેદાનમાં હતા. આ પહેલા મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 40 રન જોડ્યા હતા. હનુમા વિહારી 8 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મયંક અગ્રવાલે પર્દાપણ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. તે 76 રન બનાવી આઉટ થયો હતો.
પ્રથમ દિવસની રમત પૂર્ણ
પ્રથમ દિવસે ભારતે મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો છે. દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવી 215 રન બનાવી લીધા છે. કોહલી અને પૂજારા રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી.
ભારતના 200 રન પૂરા
123 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પૂજારા સાથે મળીને ટીમનો સ્કોર 200 રનને પાર કરાવ્યો હતો. બંન્નેએ શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરનો સાનો કર્યો હતો.
ચેતેશ્વર પૂજારાએ ફટકારી અડધી સદી
ભારતીય ટીમની દિવાલ ગણાતા પૂજારાએ ધૈર્ય સાથે બેટિંગ કરી હતી. મયંક સાથે ભાગીદારી બાદ તેણે વિરાટ સાથે મળીને ભારતના સ્કોરને આગળ વધાર્યો હતો. આ દરમિયાન પૂજારાએ 152 બોલમાં 4 ચોગ્ગાની મદદથી ટેસ્ટ કરિયરની 21મી અડધી સદી પૂરી કરી હતી.
ભારતનો સ્કોર 150ને પાર
મયંક અગ્રવાલની વિકેટ પડ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. તેણે અને પૂજારાએ મળીને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. કોહલીએ 63મી ઓવરમાં બાઉન્ડ્રી ફટકારીને ટીમના 150 રન પૂરા કર્યા હતા.
ટી સમયે ભારતનો સ્કોર 123/2
બીજા સત્રમાં પણ ભારતે એક વિકેટ ગુમાવી હતી. આ સફળતા પેટ કમિન્સને મળી હતી. તેણે શાનદાર બેટિંગ કરી રહેલા મયંક અગ્રવાલને 76 રનના વ્યક્તિગત સ્કોર ટિમ પેનના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.
મયંક અગ્રવાલ આઉટ
પર્દાપણ મેચમાં શાનાદર ઈનિંગ રમી રહેલ મયંક અગ્રવાલ (76) રન બનાવી આઉટ થયો હતો. તેણે પૂજારા સાથે બીજી વિકેટ માટે 83 રન જોડ્યા હતા. મયંકને પેટ કમિન્સે આઉટ કર્યો હતો.
ભારતના 100 રન પૂરા
ભારતીય ટીમે ઈનિંગની 44મી ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. મયંક અગ્રવાલ અને પૂજારાએ શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો હતો.
મયંક અગ્રવાલની અડધી સદી
બોક્સિંંગ ડે ટેસ્ટમાં પર્દાપણ કરી રહેલા 27 વર્ષીય મયંક અગ્રવાલે 95 બોલમાં કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન 6 બાઉન્ડ્રી ફટકારી છે.
લંચ સમયે ભારત 57/1
ભારત તરફથી મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્ને બેટ્સમેન સારી લયમાં જણાતા હતા. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 40 રન જોડ્યા હતા. ઈનિંગની 18મી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર ભારતે હનુમા વિહારીને વિકેટ ગુમાવી હતી. તે સ્લિપમાં ઉસ્માન ખ્વાજાના હાથે કેચઆઉટ થયો હતો. તેણે 8 રન બનાવ્યા હતા. ત્યારબાદ પૂજારા અને મયંક અગ્રવાલે બાજી સંભાળી હતી.
હનુમા વિહારી આઉટ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વિકેટ ઝડપવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઈનિંગની 19મી ઓવરમાં પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયાને પ્રથમ સફળતા અપાવી હતી. હનુમા વિહારી (8) રન બનાવી સ્લિપમાં ખ્વાજાના હાથે આઉટ થયો હતો.
ભારતે જીત્યો ટોસ
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિરીઝમાં બંન્ને ટીમો 1-1ની બરોબરી પર છે. જો ભારત આ ટેસ્ટ જીતે તો તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં 40 વર્ષ બાદ 2-1ની લીડ મેળવવામાં સફળ રહેશે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા ઈલેવનઃ એરોન ફિંચ, માર્કર હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ પેન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે