જન્મદિવસ વિશેષઃ આજે પણ ક્રિકેટના 'ડોન' છે આ બેટ્સમેન, ચોંકાવનારા છે રેકોર્ડ

27 ઓગસ્ટે ક્રિકેટના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો જન્મદિવસ છે, તેમના ઘણા રેકોર્ડ આજે પણ અવિશ્વસનીય છે. 
 

 જન્મદિવસ વિશેષઃ આજે પણ ક્રિકેટના 'ડોન' છે આ બેટ્સમેન, ચોંકાવનારા છે રેકોર્ડ

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાનતમ બેટ્સમેનોમાં જેમની ગણના થાય છે તેવા ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનનો આજે 110મો જન્મદિવસ છે. બ્રેડમેનનો જન્મ 27 ઓગસ્ટ 1908ના કૂટામુણ્ડરા, ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો. ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ બેટ્સમેને પોતાની ટીમને ક્રિકેટમાં ટોંચ પર પહોંચાડી અને ઘણા એવા રેકોર્ડ પોતાના નામે કર્યા જે આજે પણ તૂટે તેમ નથી અને તે તોડવા સપના સમાન લાગે છે. 

કેરિયરમાં 12 બેવડી સદીનો રેકોર્ડ, 1930માં હેડિંગ્લેમાં એક જ દિવસમાં 309 રન બનાવવાનો રેકોર્ડ જે ટેસ્ટ ક્રિકેટમાં એક જ દિવસમાં કોઇપણ બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. કોઇપણ એક દેશ વિરુદ્ધ પાંચ હજારથી વધુ રન બનાવવાનો રેકોર્ડ (ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5028 રન), કે પછી સર્વાધિક ટેસ્ટ એવરેજ 99.94નો રેકોર્ડ. તેવા ઘણા રેકોર્ડ છે જે બ્રેડમેનના નામે તો છે પરંતુ તેને તોડવા આજે પણ અશક્ય લાગે છે. સર્વાધિક એવરેજ વિશે તો જાણીને ત્યાં સુધી કહી શકાય કે આ રેકોર્ડને તોડવા માટે ડોન બ્રેડમેનને ફરીથી આવવું પડે. 

99.94ના રેકોર્ડને કરવામાં આવે છે સૌથી વધુ યાદ
બ્રેડમેને પોતાના ટેસ્ટ કેરિયરમાં કુલ 52 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 99.94ની બેટિંગ એવરેજથી કુલ 6996 રન બનાવ્યા હતા. જેમાં 29 સદી અને 13 અર્ધસદી સામેલ છે. બ્રેડમેને પોતાના ટેસ્ટ કાર્યકાળમાં એક ઈનિંગમાં સૌથી વધુ 334 રનની ઈનિંગ રમી હતી. 

સિક્કા, પોસ્ટ ટિકિટ અને સંગ્રહાલય પણ તેમના નામ પર
ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન જોન હોવર્ડે તેમને મહાનતમ જીવીત ઓસ્ટ્રેલિયન કહ્યા હતા. બ્રેડમેનના ચિત્રની સાથે ડાક ટિકિટ પણ જારી કરી હતી, સિક્કા પણ બનાવવામાં આવ્યા. તેમના જીવિત રહેતા તેમના નામે એક સંગ્રાહાલય પણ બનાવવામાં આવ્યું હતું. 27 ઓગસ્ટ 2008માં તેમની જન્મ શતાબ્દી પર ઓસ્ટ્રેલિયામાં $5 મૂલ્યની ગોલ્ડ મુદ્રા પણ બહાર પાડવામાં આવી હતી. 19 નવેમ્બર, 2009માં ડોન બ્રેડમેનને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

સર ડોન બ્રેડમેનના આ ખાસ રેકોર્ડ
- પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધુ બેટિંગ એવરેજનો રેકોર્ડ બ્રેડમેનના નામે છે. તેમણે 1931-32માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 201.50ની એવરેજથી રન બનાવ્યા હતા. 

- ટેસ્ટ ક્રિકેટ સિવાય બ્રેડમેનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ 95.15ની એવરેજ હતી. 

- બ્રેડમેનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે, તેમણે 12 બેવડી સદી ફટકારી હતી. 

- એક એસિઝ શ્રેણીમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ ડોનના નામે છે. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક શ્રેણીમાં 3 બેવડી સદી ફટકારી હતી. 

- એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બ્રેડમેનના નામે છે, તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક શ્રેણીમાં 975 રન બનાવ્યા હતા. 

- બ્રેડમેને સાત અલગ-અલગ શ્રેણીઓમાં 500થી વધુ રન બનાવ્યા હતા, જે એક રેકોર્ડ છે. ડોન સિવાય વિન્ડીઝના બ્રાયન લારા એકમાત્ર બીજા બેટ્સમેન છે જેમણે આ સિદ્ધિ મેળવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news