AUS vs BAN Highlights: મિચેલ માર્શની તોફાની સદી, ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
AUS vs BAN Highlights: મિચેલ માર્શની તોફાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી દીધું છે. વિશ્વકપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ સતત સાતમી જીત છે. બેટિંગમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે પણ અડધી સદી ફટકારી હતી.
Trending Photos
પુણેઃ ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2023ના પોતાના અંતિમ ગ્રુપ મુકાબલામાં બાંગ્લાદેશને 8 વિકેટે પરાજય આપ્યો છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર તૌહિદ હ્રદય (74 રન) ની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે 8 વિકેટે 306 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શની તોફાની સદીની મદદથી બાંગ્લાદેશને હરાવી 45મી ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે ટૂર્નામેન્ટમાં આ સતત સાતમી જીત છે. તો બાંગ્લાદેશની કુલ સાતમી હાર છે. વિશ્વકપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમવાર 300થી વધુનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે. પરંતુ આ જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને રહી છે. સેમીફાઈનલમાં તેની ટક્કર હવે સાઉથ આફ્રિકા સામે થશે.
મિચેલ માર્શનો કમાલ
ઓસ્ટ્રેલિયા માટે મિચેલ માર્શે તોફાની સદી ફટકારી હતી. ત્રીજા સ્થાને આવેલા માર્શે 87 બોલમાં સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ તેણે આક્રમકતાથી શોટ્સ ફટકારવાનું યથાવત રાખ્યું હતું. તેના બેટથી 132 બોલમાં 177 રનની તોફાની ઈનિંગ નિકળી. આ ઈનિંગમાં 17 ચોગ્ગા અને 9 સિક્સ સામેલ છે. ઓસ્ટ્રેલિયા માટે પાછલા મુકાબલામાં મેક્સવેલે ઐતિહાસિક ઈનિંગ રમી હતી. પરંતુ માર્શ પર ન તો મેક્સવેલ જેવો દબાલ હતો ન તે ઈજાગ્રસ્ત હતો.
ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ડેવિડ વોર્નરે સારી શરૂઆત અપાવી હતી. પરંતુ ટ્રેવિસ હેડ 10 રન બનાવી આઉટ થઈ ગયો હતો. વોર્નર 53 રન બનાવી આઉટ થયો હતો. 132ના સ્કોર પર વોર્નર આઉટ થયા બાદ માર્શે સ્મિથ સાથે મળીને ટીમને જીત અપાવી હતી. સ્મિથ 63 રન બનાવી અણનમ રહ્યો હતો.
સેટ થઈ આઉટ થયા બાંગ્લાદેશી બેટર
હ્રદયે 74 રનની ઈનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ 22 વર્ષીય હ્રદય સિવાય કોઈપણ બાંગ્લાદેશી બેટર પોતાની શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરી શક્યો નહીં. એડમ ઝમ્પાએ આ મેચમાં પણ બે વિકેટ ઝડપી હતી અને તે આ વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ સિવાય સીન એબોટે પણ બે સફળતા મેળવી હતી.
બાંગ્લાદેશ માટે ઓપનિંગ બેટર લિટન દાસ (36 રન) અને તંઝિદ હસન (36 રન) એ સારી શરૂઆત અપાવી, જેનાથી ટીમે વિના વિકેટે 76 રન બનાવી લીધા હતા. ત્યારબાદ રહીમે 21, મેહદી હસન મિરાઝે 29 અને મહમૂદુલ્લાહે 32 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોયનિસને પણ એક વિકેટ મળી હતી. આ સિવાય બાંગ્લાદેશના ત્રણ બેટરો રનઆઉટ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે