અંબાજીની અખંડ ધૂનમાં માત્ર પુરુષોને પ્રવેશ, 83 વર્ષથી કદી અટકી નથી આ પરંપરા

Ambaji Temple :  અંબાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રીએ કરતી અખંડ ધૂનમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી, આ પૂજામાં માત્ર પુરુષો જ ભાગ શકે છે, પુરુષો રાઉન્ડ ધ ક્લોક આ અખંડધૂનની અવિરત પણે ચાલુ રાખે છે
 

અંબાજીની અખંડ ધૂનમાં માત્ર પુરુષોને પ્રવેશ, 83 વર્ષથી કદી અટકી નથી આ પરંપરા

Chaitra Navratri 2024 : વર્ષમાં ચાર નવરાત્રી આવતી હોય છે. તેમાં આસોની શારદીય અને ચૈત્રની વસંતીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. જેમ આસોની નવરાત્રીમાં નવ દિવસ ગરબાની ધૂમ જોવા મળતી હોય છે. તેજ રીતે ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિષરમાં નવે નવ દિવસ સતત 24 કલાક માં અંબેની અખંડ ધૂન કરાય છે. ચાચર ચોકમાં આ અંબાની અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે. આ અખંડ ધૂનનું અનેરું મહત્વ છે. 

મૂળ મહેસાણા જિલ્લાના ખેડુત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની સ્થાપના ભારત દેશની આઝાદી પૂર્વે 1941 માં કરવામાં આવી હતી. જ્યારે પ્રજા ઉપર આવી પડેલી આપદાને દૂર કરવા શરુ કરાયેલી અખંડ ધૂન મહેસાણા જિલ્લાના 150 ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા 83 વર્ષ પહેલા શરૂ કરાઈ હતી. આ પરંપરાને હજી પણ જાળવી રાખવામાં આવી છે. આ અખંડ ધૂનમાં બે ટીમ બનાવી બે-બે કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે. રાઉન્ડ ધ ક્લોક આ અખંડધૂનની અવિરત પણે ચાલુ રાખે છે. 

આ વિશે મહેસાણાના પલિયાળ જિલ્લાના અખંડ ધૂન મંડળના સંચાલક ભીખાભાઈ પટેલ કહે છે કે, આ અખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે. પુરુષો દ્વારા કરતી આ અખંડ ધૂનમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી. જો મહિલાઓને અખંડ ધૂન કરવી હોય તો તેઓ બહારની બાજુ અલગ બેસીને કરી શકે છે.

ચૈત્રી નવરાત્રીના નવ દિવસ આ ધૂન મંડળના સંચાલકો તેમજ મંડળમાં આવતા લોકો તેલથી બનાવેલું ભોજન જમતા નથી. માત્ર ઘીના ઉપયોગથી બનાવેલી રસોઈ જ બનાવીને જમે છે. મંડળની મહિલાઓ કહે છે કે, અમને આ અખંડ ધૂન દરમિયાન પ્રવેશ ન અપાતા હોવાનું કોઈ જ રંજ નથી. અમે બહાર અલગ બેસીને માતાજી ની ધૂન કરતા હોઈએ છીએ.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યાએ જણાવ્યું કે, અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીએ આવતા આવતા હજ્જારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ચૈત્રી નવરાત્રીએ અંબાજીએ આવતા ભાવિક ભક્તોએ આ બાબતની ખાસ નોંધ લેવી. 

  • સવારે આરતીઃ- 07.00 થી 07.30
  • ઘટ સ્થાપન સવારે - 9.15 થી 9.45
  • સવારે દર્શનઃ- 07.30 થી 11.30
  • બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
  • સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30
  • જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે
  • ચૈત્ર સુદ આઠમ તારીખ 16 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે 
  • ચૈત્રી પુનમ તારીખ 23 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે

વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રીનું મહત્વ હોય છે. વસંતીય ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. લોકો પણ માતાજીનાં દર્શને ખાસ પધારી આરતીનો લ્હાવો લેતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news