ગુજરાતમાં અહી પડ્યા હતા બહુચર માતાના પગલા, ચમત્કારોથી ભરેલું છે માતાજીનું આ સ્થાનક

Bahucharaji Temple Mehsana : ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ માતા બહુચરાજીના મંદિરનો ભવ્ય પ્રાગટ્યોત્સવ શરૂ થયો છે... ત્યારે ભક્તો માટે આ સ્થાનકનું મહત્વ શું છે તે જાણી લઈએ

ગુજરાતમાં અહી પડ્યા હતા બહુચર માતાના પગલા, ચમત્કારોથી ભરેલું છે માતાજીનું આ સ્થાનક

Gujarat Temples તેજસ દવે/મહેસાણા : ગુજરાતના પવિત્ર તીર્થસ્થાનો પૈકી એક મહત્વનું તીર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તીર્થસ્થાન સતત અને અવિરત રીતે મા બહુચરના જય જયકારથી ગુંજતુ રહે છે. ચૈત્ર માસની પૂનમે અહી માતાજીના પગલા થયા હતા. દર વર્ષે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટયોત્સવ ઉજવાય છે. આ વર્ષે પણ બહુચર માતાના ભક્તો માટે 4 થી 6 એપ્રિલ દરમિયાન એમ સળંગ ત્રણ દિવસ ચૈત્રી પૂનમનો મેળો ભરાયો છે. 

પ્રાગટ્ય દિવસની ઉજવણી
ચૈત્રી પૂનમના રાત્રે મા બહુચરની શાહી સવારી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કરશે. આ સમયે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. માતાજીની સવારીમાં પોલીસ જવાનો, ઘોડેસવાર તેમજ બેન્ડવાજા સામેલ થશે. ચૈત્ર સુદ પૂર્ણિમાનો ભવ્ય લોકમેળામાં બહુચર માતાજીની ભવ્ય સવારી બે કિમી દૂર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા માતાજીના સ્થાનકે જશે . જ્યાં ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવશે. ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવશે.

કાળક્રમે માતાજીને પુનઃ પ્રગટ થવાની ઈચ્છા થઈ
માતા બહુચરના ઐતિહાસિક મહત્વ વિશે જોઈએ તો, સુધાસિંધુમાં મણિદ્વિપ પરના ચિંતામણિ ભુવનમાં બિરાજતા માતા જગદંબા અસુરોનો વિનાશ કરી ત્યાંથી નીકળી ધર્મારણ્યમાં ચુંવાલ પ્રદેશ (આજનો બહુચરાજી આસપાસનો વિસ્તાર)માં આવીને વસ્યા. અહીં તેઓ બાળારૂપ ધારણ કરી દંઢાસુર નામના રાક્ષસને હણી ઋષિ-મુનિઓને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા. તે પછી સિધ્ધહસ્ત મુનિ કપિલ ભગવાનના હસ્તે બહુચર માતાજીના ગોખની સ્થાપના થઈ. વરખડીવાળા સ્થાનની પ્રસિધ્ધિ પછી જગદંબાને ગુપ્ત રહેવાની ઈચ્છા થઈ. ધીરે ધીરે આ સ્થાન વિસારે પડી ગયું. કાળક્રમે માતાજીને પુનઃ પ્રગટ થવાની ઈચ્છા થઈ. તદાનુસાર કાલરીના સોલંકી કુંવર તેજપાલને નારીમાંથી નર એટલે કે પુરુષાતન આપી પરચો પૂર્યો હતો. આ શુભ દિવસ ચૈત્રી પૂનમ હોવાની માન્યતા છે ત્યારથી દર ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટયોત્સવ ઉજવાય છે

સતીના અવયવો અહી પડ્યા હતા 
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના નાયબ વહીવટદાર અમરતભાઈ રાવળધાર્મિક મહત્વ વિશે કહે છે કે, બહુચરાજી માતાજીનું સ્થાનક ભારતભરના તમામ શક્તિપીઠોમાંનું એક છે. જ્યાં દક્ષ કન્યા મા ભગવતી સતીના હાથના અવયવો પડેલા છે. જેથી આ સ્થળ એક સિધ્ધિ શક્તિપીઠ કહેવાય છે. આ યાત્રાધામમાં માતાજીના સંકુલમાં મુખ્યત્વે ત્રણ મંદિરો આધ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર આવેલ છે. જેમાં સ્ફટિક નિર્મિત સુવર્ણ જડીત બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે. સૃષ્ટિની દશ મહાશક્તિઓમાં બાલાત્રિપુરા સુંદરી બહુચરમાં સ્વયં સિદ્ધ શક્તિ છે.

શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતારાઈ હતી 
હિન્દુ ધર્મના સોળ સંસ્કારમાંના એક એવા બાબરી સંસ્કારની વિધિ બાળકોના મુંડન દ્વારા મંદિરની પાસે આવેલા પવિત્ર માનસરોવર કુંડના કિનારે કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતારવામાં આવેલ હતી. ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાં બહુચરાજી બાલાનો, યુવતીનો અને કાલિકામાં પ્રૌઢા જનનીનો ભાવ છે. 

ભક્તો માટે બસો દોડાવાશે 
બહુચરાજી ખાતે યોજાઇ રહેલ ચૈત્રી ઉત્સવમાં ખાસ કરીને 700 કરતાં વધુ પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 3 દિવસ ચૈત્રી ઉત્સવમાં 15 લાખથી વધુ ભક્તો માં બહુચરાજીનાં દર્શનાર્થે પધારશે. એસટી વિભાગ દ્વારા પણ આ ઉત્સવ માટે 828 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને આરોગ્ય વિભાગ દ્વારા 14 ટીમો અલગ અલગ લોકેશન પર સ્ટેન્ડ બાય રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news