Photos : જ્યાં સુધી આકરા તાપમાં પરસેવો ન પાડે, ત્યાં સુધી આ ગામની મહિલાઓને પાણી મળતુ નથી

ઉનાળાની શરૂઆત સાથે જ ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રથમ જો કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે માત્રને માત્ર પાણી. ઉનાળાની સાથે જ પાણીના સ્તર ઊંડા જતાં રહેતા હોય છે. જેથી પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે આવો જોઈએ પંચમહાલ જિલ્લામાં પાણીની શું છે સ્થિતિ. 

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ઉનાળાની શરૂઆત સાથે જ ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રથમ જો કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તે છે માત્રને માત્ર પાણી. ઉનાળાની સાથે જ પાણીના સ્તર ઊંડા જતાં રહેતા હોય છે. જેથી પાણીની સમસ્યા ઉભી થાય છે. ત્યારે આવો જોઈએ પંચમહાલ જિલ્લામાં પાણીની શું છે સ્થિતિ. 

1/3
image

પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તંગી દેખાઈ રહી છે. જિલ્લાના ઘોઘંબાના ધનેશ્વર ગામની મહિલાઓ અને બાળકો પાણીના બેડાં અને ખાલી વાસણો સાથે પાણીની રાહ જોતા દેખાય છે. પાણી માટે ગામ લોકોએ લગાવેલી લાઈન પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, પાણીને લઈને ગામની સ્થિતિ કેવી હશે. ગામની મહિલાઓ એટલી મજબૂર બની છે કે, પાણી માટે બાળકોને પણ પાણીની લાઈનમાં રાખે છે. બાળકોના હાથમાં પાણીના બેડા જોઈએ તો મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે, શુ આ છે ગુજરાતના બાળકોનું ભવિષ્ય.   

2/3
image

ધનેશ્વર ગામમાં છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. તેમાં પણ ઉનાળો કાઢવો એટલે તેમને બે મહિના નર્કમાં કાઢવા જેવુ લાગે છે. ગામની મહિલાઓનો આખો દિવસ પાણીની પળોજણમાં જ નીકળી જાય છે. પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે પંચાયત દ્વારા નર્મદાની પાણીની યોજના અંતર્ગત આખા ગામમાં પાણીના નળ બેસાડી દેવામાં આવ્યા છે, સાથે જ સંપ પણ બનાવી દેવામાં આવ્યો છે. પણ માત્ર કાગળ પર દેખાતી યોજનાના આ સંપમાં આજ દિન સુધી એક ટીપું પણ પાણી આવ્યુ નથી તેવુ ગામના અગ્રણી અરવિંદસિંહ પરમારે જણાવ્યું હતું.    

3/3
image

આમ ધનેશ્વર ગામમાં ઘરે ઘરે નળ બેસાડ્યા હોવા છતા, પણ લોકોને પાણી માટે બીજે વલખા મારવા પડે છે. ગામની મહિલાઓ જ્યાં સુધી પરસેવો ન પાડે, ત્યાં સુધી તેમને પાણી મળતુ નથી. અનેક રજૂઆતો છતા પણ નિંભર તંત્રના કાને કંઈ જ અથડાતુ નથી.