લોકસભા હોય કે વિધાનસભા, ચૂંટણી આવતા જ ચર્ચામાં આવે છે ગીરના જંગલમાં રહેતા આ મહંત
હેમલ ભટ્ટ/ગીર :જેમ ગુજરાતનાં ગીરનાં સિંહો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મધ્ય ગીર જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઇ જાણીતા બન્યા છે. ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે, જ્યાં 100 ટકા મતદાન થાય છે. એટલું જ નહિ એક બૂથમાં એક જ મતદાતા કરે છે મતદાન. જે મતદાન બાદ કોને મત આપ્યો તે રહસ્ય પરથી આપમેળે પડદો ઉંચકાઈ જાય છે. થોડું અચરજ પમાડે તેવી વાત છે, પણ છે રસપ્રદ. દેશના એક અનોખા મતદાન મથક કેન્દ્ર અને તેનાં એકમાત્ર મતદાતા વિશે જાણીએ.
ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાથી 40 કિમી દુર અને જામવાળા ચેકપોસ્ટથી 25 કિમી દૂર મધ્યગીરમાં બાણગંગા આશ્રમ આવેલું છે. આમ તો ગીરમાં આવેલા આ બાણેજ મહાદેવ મંદિરની જગ્યાએ અર્જુને પાંચ હજાર વર્ષ પહેલા તીર મારી તરસ છીપાવવા ગંગાજીને વહેતા કર્યા હતા, તેથી તેને બાણગંગા તરીકે ઓળખાય છે. પરંતુ આ મંદિર તેના મહંતનાં કારણે દેશદુનિયામાં જાણીતું બન્યું છે. જી હાં મંદિરનાં મહંત ભરતદાસ બાપુ એક એવા મતદાતા છે, જેના માટે ચૂંટણી પંચ આખે આખું મતદાન મથક ઉભું કરે છે. જામવાળા અને ધારીની મધ્ય ગીરમાં આમ તો કોઈ વ્યક્તિને વસવાટ કરવાની વનવિભાગ પરમિશન આપતું નથી, પરંતુ બાણેજનાં મહંત ભરતદાસ બાપુ 2002થી અહીનું નાગરિત્વ ધરાવે છે. જેના કારણે છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મતદાન માટે અહી માત્ર એક મત માટે ખાસ બૂથનું આયોજન ચુંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એમ.પ્રજાપતિ જણાવે છે કે, બાણેજ ખાતે એક જ મતદાતા માટે ચૂંટણી પંચની 1 પ્રિસાઇડીંગ ઓફિસર સહીત કુલ 6 કર્મચારીની ટીમ આગલી રાતે જ બાણેજ ગીર ખાતે પહોંચી જાય છે. કર્મચારીઓ 48 કલાક ખડેપગે રહે છે. ખાસ કરીને મધ્ય ગીર જંગલમાં આ મતદાન મથક હોવાથી સંદેશા વ્યવહાર માટે વન વિભાગના વાયરલેસ સેટથી ચૂંટણીપંચ આ મતદાન મથકના સંપર્કમાં રહે છે. આ એક મતદાન મથક પાછળ અંદાજે દસેક હજારનો ખર્ચ થાય છે.
સામાન્ય રીતે દેશ અને દુનિયામાં એક બૂથ પર 25, 50, 100, 200 કે થી વધારે મતદાતા ધરાવતા વિસ્તારમાં મતદાન મથક ઉભું કરાતું હોય છે. પરંતુ લોકશાહીનાં સૈાથી મોટા દેશ ગણાતા ભારત દેશમાં એક મત માટે ચૂંટણી પંચ ગાઢ જંગલમાં આખે આખું મતદાન મથક ઉભું કરે છે. ત્યારે બાણેજ બૂથનાં એક માત્ર મતદાતા તરીકે ઓળખીતા બનેલા મહંત લોકોને સંદેશો આપી રહ્યા છે કે, મતદાન સર્વોચ્ચ દાન છે અને તે કરવું એ આપનો અધિકાર અને ફરજ છે. જેથી દરેક લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ. દેશ કેવી સરકાર હોવી જોઇએ તે અંગે પણ મહંત ભરતદાસ બાપુએ જી ૨૪ કલાક ની ટીમ સાથે ની વાત માં જણાવેલ...
બાણેજ ગીરમાં એક માત્ર મત ધરાવતા મહંત ભરતદાસ બાપુ છેલ્લી ચાર ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આપણો દેશ લોકશાહીનો દેશ છે અને લોકશાહીના મહાપર્વમાં એક મત પણ કિંમતી છે. જેના કારણે ચૂંટણી પંચ હજારો રૂપિયા ખર્ચ કરી તેમજ 6 કર્મચારીની ટીમ તૌનાત કરી એક મત માટે આખેઆખું પોલિંગ બૂથ ઉભું કરે છે.
નવાઈની વાત એ છે કે, એક મત હોવાના કારણે અહી 100 ટકા મતદાન થાય છે. પરંતુ એક જ મત હોવાના કારણે મહંતનું મતદાન ગુપ્ત રહેતું નથી. મત ગણતરી સમયે બાણેજનું બૂથ ખુલતા જ મહંતે વોટ કોને આપ્યો તે ગુપ્તતા આખરે ખુલ્લી પડી જાય છે. મત ગણતરી સમયે કઇ પાર્ટી અને કોણ ઉમેદવાર ચૂંટાય છે, તે જાણવા લોકો અને નેતાઓ જેટલા આતુર હોય છે, એટલા જ બાણેજ બૂથનાં એકમાત્ર મતદાતાનો મત કોને મળ્યો તે જાણવા સ્થાનિક નેતાઓ મીટ માંડીને બેસે છે.
Trending Photos