દેશના એકમાત્ર ગુજરાતના આ મંદિરમાં અપાય છે ભક્તોને મરચાના અથાણાંનો પ્રસાદ, જાણો વર્ષોથી ચાલી આવતી પરંપરા વિશે?
નચિકેત મહેતા/ ખેડા: ભારતનું પહેલું મંદિર જ્યાં મરચાંનાં અથાણાંનો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર બીજે ક્યાંય નહીં, પણ વડતાલ સ્વામિનારાયણ છે. જેમાં દોઢ લાખ કિલો લીંબુ-મરચાનું અથાણું તૈયાર કરાયું છે. ફાગણી પુનમથી મરચાના અથાણાનું ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી આવતી પરંપરા મુજબ લીબુ-મરચાંના અથાણાને પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવે છે. શિયાળાની સીઝનમાં પાકા કાગદી લીંબુ અને મરચાંને આપવામાં આવે છે. ચાલુ વર્ષે 1.47 લાખ કિલો લીંબુ મરચાંનુ અથાણું તૈયાર કરાયું છે. જે બે માસ પછી મરચાના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને અપાશે.
ભારત દેશના મંદિરોમાં લાડુ, પેડા, મૈસુર, મગસ, મોહનથાળ સહિત વગેરે મીઠાઈના પ્રસાદ આપવામાં આવતો હોય છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજેય હિરભક્તોને આથેલાં મરચાનો પ્રસાદ આપવામાં આવે છે. વડતાલના આથેલા મરચાંનો અનોખો મહિમા પણ છે.
મંદિરમાં આવતા ભકતો મંદિરમાં દાન આપે છે અને અથાણાનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે. પહેલાના જમાનામાં લોકો દૂર-દૂરથી મંદિરમાં પગપાળા દર્શનાર્થે આવતા હતા. તે સાથે જમવા માટે ભાથું પણ લઈને આવતા હતા. એ સમયે મંદિર પરિસરમાં બેસીને જમતા હતા, ત્યારે મંદિર તરફથી મરચાં અને છાશ આપવામાં આવતી હતી.
ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. 50-60 વર્ષ પહેલા વડતાલના સંત કૃષ્ણજીવનદાસજી સ્વામીએ વર્ષો સુધી મરચાંના અથાણા બનાવવાની સેવા કરતા હતા. જેથી તેઓ સંપ્રદાયમાં અથાણાવાળા સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા.
આ વડતાલ મંદિરમાં શિયાળાની સીઝનમાં ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, સુરત અનેક સ્થળોએથી લાંબા-લીલા મરચાં લાવવામાં આવે છે. આ મરચાંને પાણીથી ધોયા બાદ 200 થી વધુ ભાઈ-બહેનો ઉપરાંત સ્વયંસેવકો ધ્વારા મરચાંને કાણાં પાડવામાં આવે છે.
લીંબુ-મીઠું-હળદરમાં ભેળવવામાં આવે છે અને અથાણા માટે તૈયાર કરેલ લાકડાની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે. જેને બે માસ સુધી અથાવામાં આવે છે. ચાલુ વર્ષે 90 હજાર કિલો મરચાં, 30 હજાર કિલો લીંબુ, 24 હજાર કિલો મીઠું અને 03 હજાર હળદરનો ઉપયોગ કરીને કુલ 1 લાખ 47 હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે.
Trending Photos