INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામે સૌથી સફળ પાંચ ભારતીય બેટ્સમેનો

6 ડિસેમ્બરથી એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય  ટીમ છેલ્લા 71 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ત્યારે આ વખતે વિરાટની આગેવાનીમાં  ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. તો ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી રમાયેલી  શ્રેણીમાં સચિન તેંડુલકર સૌથી વધુ સફળ બેટ્સમેન રહ્યો છે. 
 

ટેસ્ટ ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની શ્રેણીનું ખૂબ મહત્વ રહેલું છે. જ્યારે પણ બંન્ને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ  થવાની હોય ત્યારે ક્યો બેટ્સમેન સારૂ પ્રદર્શન કરશે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે... તો આપણે  નજર કરીએ ઓસ્ટ્રેલિયા સામે ભારતના પાંચ સૌથી સફળ બેટ્સમેનો પર..... 
 

સચિન તેંડુલકર

1/5
image

માસ્ટર બ્લાસ્ટરના નામથી જાણીતા અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન ફટકારનાર ભારતીય ક્રિકેટર છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે રમેલી 39 ટેસ્ટ મેચમાં 55ની એવરેજથી 3630 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 241 છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 11 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તે ચાર વખત શૂન્યમાં પણ આઉટ થયો છે. ભારતીય ટીમ જ્યારે 2003/04માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે સચિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેથી ભારતીય ટીમ આ સિરીઝ ડ્રો કરાવવામાં સફળ રહી હતી. (ફોટો સાભાર: PTI)

વીવીએસ લક્ષ્મણ

2/5
image

ભારતીય ટીમની જ્યારે ઓસ્ટ્રેલિયા સામે મેચ હોય ત્યારે તે સમયના દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ તરફ તમામનું ધ્યાન રહેતું હતું. તે હંમેશા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારૂ પ્રદર્શન કરવા માટે જાણીતો હતો. 2001માં કોલકત્તા ટેસ્ટમાં તેણે 281 રનની મેરેથોન ઈનિંગ રમીને ઈતિહાસ રચી દીધો હતો. તેની આ ઈનિંગને હજુ પણ યાદ કરવામાં આવે છે. 

ઓસ્ટ્રેલિયા સામે લક્ષ્મણે 29 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે આશરે 50ની એવરેજથી 2434 રન બનાવ્યા હતા. તેણે 6 સદી અને 12 અડધી સદી ફટકારી હતી. તેણો પોતાના ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ સ્કોર 281 રન પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકાર્યા હતા.  (ફોટો સાભાર: PTI)

રાહુલ દ્રવિડ

3/5
image

ધ વોલના નામથી જાણીતા અને ભારતીય ટીમના મહત્વના ટોપ ઓર્ડર ખેલાડી રાહુલ દ્રવિડનો પણ ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ ખૂબ સારો રહ્યો હતો. તે 2003/04ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન અલજ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી પણ ફટકારી હતી. 

દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામે રમેલી 33 ટેસ્ટ મેચમાં 38.68ની એવરેજથી 2166 રન ફટકાર્યા હતા. જેમાં બે સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. 

વિરેન્દ્ર સહેવાગ

4/5
image

ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગનું પ્રદર્શન પણ ઓસ્ટ્રેલિયા સામે સારૂ રહ્યું હતું. તેણે બ્રેટ લી, ગ્લેન મેકગ્રાથ અને શોન વોર્ન જેવા બોલરોની સામે પણ આક્રમક 195 રન ફટકારી દીધા હતા. વીરૂ જ્યારે પણ મેદાનમાં ઉતરે ત્યારે ફટકાબાજી શરૂ કરી દેતો હતો. તે ઓસ્ટ્રેલિયાના મોટા-મોટા ગ્રાઉન્ડમાં પણ સિક્સ ફટકારવા માટે જાણીતો હતો. 

સહેવાગે ઓસ્ટ્રેલિયા સામે 23 મેચમાં 1821 રન બનાવ્યા હતા. તેની એવરેજ 4139ની રહી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 3 સદી અને 10 અડધી સદી ફટકારી હતી.   

સુનીલ ગાવસ્કર

5/5
image

ધ લિટલ માસ્ટરના નામથી જાણીતા અને ટેસ્ટ ક્રિકેટમાં સૌ-પ્રથમવાર 10 હજાર રન પૂરા કરનાર સુનીલ ગાવસ્કર પણ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરવા માટે જાણીતા હતા. તેમને ઓસ્ટ્રેલિયા સામે 8 સદી ફટકારી હતી. ગાવસ્કરે 20 ટેસ્ટ મેચમાં 8 સદી અને 4 અડધી સદીની સાથે 1550 રન બનાવ્યા છે. તેમની ઓસ્ટ્રેલિયા સામેની એવરેજ 51.66ની છે. ગાવસ્કર ઓસ્ટ્રેલિયા સામે માત્ર બે વખત ડક આઉટ થયા હતા. (ફોટો સાભાર: PTI)