આ ગુજરાતી ફિલ્મે તોડ્યા છે કમાણીના તમામ રેકોર્ડ, જાણો રેકોર્ડબ્રેક કમાણી કરનારી ટોપ 10 ઢોલીવુડ ફિલ્મો
Gujarati Films : અહીં અમે તમને આજે ટોપ 10 એવી ગુજરાતી ફિલ્મો વિશે જણાવીશું જેણે માતબર કમાણી કરીને તમામ સમીકરણો ખોટા પાડ્યા છે. ખાસ જાણો આ ફિલ્મો વિશે...જેને કમાણીમાં અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે.
ટોપ 10 ગુજરાતી ફિલ્મો
બોલીવુડમાં તગડી કમાણી કરનારી ફિલ્મો વિશે તો આપણે જાણતા હોઈએ છીએ પરંતુ આજે અમને તમને ઢોલીવુડ એટલે કે આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો વિશે જણાવીશું. એવી ગુજરાતી ફિલ્મો જે બોલીવુડના ક્રેઝ વચ્ચે પણ ગુજરાતીઓને થિયેટર સુધી ખેંચવામાં અત્યંત સફળ રહી. આ ફિલ્મોએ એવી માતબાર કમાણી કરી છે જેના વિશે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. અહીં અમે તમને આજે ટોપ 10 એવી ગુજરાતી ફિલ્મો વિશે જણાવીશું જેણે માતબાર કમાણી કરીને તમામ સમીકરણો ખોટા પાડ્યા છે. ખાસ જાણો આ ફિલ્મો વિશે...
1. ચાલ જીવી લઈએ
Chaal Jeevi Laiye: 2019માં આવેલી આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ જગતને હચમચાવી દીધુ. સિદ્ધાર્થ રાંદેરિયા, આરોહી પટેલ, ભાવિક ભોજક અને યશ સોનીની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. Internet Movie Database (IMDB) ના આંકડા મુજબ આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે. જેની વર્લ્ડ વાઈડ ગ્રોસ કમાણી 52.14cr રૂપિયા છે. આ ફિલ્મ વિપુલ મહેતાએ ડાઈરેક્ટ કરી છે.
2. 3 એક્કા
3 Ekka: ચાલુ વર્ષ 2023માં આવેલી આ ફિલ્મે પણ કમાણીમાં ભૂક્કા બોલાવ્યા છે. સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોની IMDB ની યાદી મુજબ તે બીજા સ્થાને છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા એશા કંસારા, વગેરે કલાકારો છે. ફિલ્મને રાજેશ શર્માએ ડાઈરેક્ટ કરી છે. વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 31.20cr રૂપિયાનો વકરો કરેલો છે.
3. દેશ રે જોયા દાદા પરદેશ જોયા
Desh Re Joya Dada Pardesh Joya: 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મે તે વખતે ચીલાચાલુ ઘરેડ તોડીને અલગ જ રસ્તો અપનાવ્યો હતો. લોકો થિયેટરોમાં આ ફિલ્મ જોવા માટે રીત સર ઉમટી પડતા હતા. આ ફિલ્મમાં હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા છે. ફિલ્મને ગોવિંદભાઈ પટેલે ડિરેક્ટ કરેલી છે. સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ હાલ ત્રીજા નંબરે છે. ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 22cr નો વકરો કરેલો છે.
4. શું થયું
Shu Thayu: 2018માં આવેલી આ ફિલ્મ કમાણીમાં હાલ ચોથા નંબરે છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી જેવા કલાકારો છે. ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરી છે. IMDb ની યાદી મુજબ આ ફિલ્મ કમાણીમાં ચોથા નંબરે છે અને વર્લ્ડ વાઈડ ગ્રોસ 21cr ની કમાણી કરી છે.
5. કહેવતલાલ પરિવાર
Kehvatlal Parivar: 2022માં આવેલી આ ફિલ્મમાં ધ્રુમિલ ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, ભવ્ય ગાંધી, નીલ ગંગદાણી જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મને વિપુલ મહેતાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 19.50cr ની કમાણી કરી છે. કમાણીની યાદીમાં આ ફિલ્મ હાલ પાંચમા નંબરે છે.
6. છેલ્લો દિવસ
Chhello Divas: A New Beginning: 2015માં આવેલી આ ગુજરાતી ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 18cr રૂપિયાની કમાણી કરી અને યાદીમાં છઠ્ઠા નંબરે છે. આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા કલાકારોએ કામ કર્યું છે અને ફિલ્મનું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કરેલું છે.
7. શરતો લાગુ
Sharato Lagu: આજથી પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં આવેલી આ ફિલ્મ કઈંક અલગ પ્રકારનો મુદ્દો લઈને આવી હતી. ફિલ્મમાં મલ્હાર ઠક્કર, દીક્ષા જોશી, ગોપી દેસાઈ, પ્રશાંત બારોટ જેવા કલાકારો જોવા મળ્યા. ફિલ્મને નીરજ જોશીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 17.50cr રૂપિયાની કમાણી કરી છે.
8. હેલ્લારો
Hellaro: 2019માં આવેલી હેલ્લારો ગુજરાતી ફિલ્મે ખરેખર ફિલ્મ જગત હચમચાવી દીધુ હતું. ફિલ્મને અભિષેક શાહે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં શ્રદ્ધા ડાંગર, જયેશ મોરે, તેજલ પંચાસરા, શૈલેષ પ્રજાપતિ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ કમાણીની યાદીમાં 8માં નંબરે છે અને તેણે વર્લ્ડ વાઈડ ગ્રોસ 16cr રૂપિયાનો વકરો કરેલો છે. હવે અર્બન ગુજરાતી ફિલ્મો સારી કમાણી કરી રહી છે. હેલ્લારોએ તો ગુજરાતી માર્કેટમાં ધૂમ મચાવી હતી.
9. ગુજ્જુભાઈ ધ ગ્રેટ
Gujjubhai the Great: સિદ્ધાર્થ રાંદેરિયાની આ ફિલ્મ જ્યારે 2015માં થિયેટરમાં આવી તો ખુબ ધમાલ મચાવી હતી. ઈશાન રાંદેરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત જિમિત ત્રિવેદી, સ્વાતિ શાહ, દિપના પટેલ જેવા કલાકારો જોવા મળ્યા. આ ફિલ્મે કમાણીની યાદીમાં 9માં નંબરે છે. ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 15cr રૂપિયાનો વકરો કરેલો છે. જે ગુજરાતી ફિલ્મો માટે એચિવમેન્ટ છે.
10. નાડી દોષ
Naadi Dosh: 2022માં આવેલી આ ફિલ્મ નવી જનરેશનના પ્રેમી પંખીડાઓ પર આધારિત છે. જેમાં ભાઈ બહેનનો સ્નેહ પણ અદભૂત રીતે જોવા મળ્યો છે. ફિલ્મમાં યશ સોની, જાનકી બોડીવાલા, રૌનક કામદાર, પ્રશાંત બારોટ જેવા કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 13.50cr કરોડની કમાણી કરેલી છે. યશ સોની અને જાનકીની આ મોટી હિટ ફિલ્મ છે.
(Disclaimer: કમાણીના તમામ આંકડા Internet Movie Database (IMDb)ની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.)
Trending Photos