Surat ના ખેડૂતની આધુનિક ખેતી, ઓછી જમીનમાં આયોજનપૂર્વ ખેતીથી કરી સારી કમાણી
અગાઉ ખેતીને (Farming) મજૂરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવુ સમજતા હતા કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં (Gujarat) ખેતીની વ્યાખ્યા અને આધુનિક ખેતીથી (Farming) મળતી આવકમાં મોટું પરિવર્તન આવ્યું છે
તેજશ મોદી/ સુરત: અગાઉ ખેતીને (Farming) મજૂરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવુ સમજતા હતા કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં (Gujarat) ખેતીની વ્યાખ્યા અને આધુનિક ખેતીથી (Farming) મળતી આવકમાં મોટું પરિવર્તન આવ્યું છે. કિસાનોને (Farmer) હવે બહુ સારી રીતે સમજાયું છે કે ખેતીની ઓછી જમીન હશે તો પણ આયોજનપૂર્વકની ખેતીથી સારી કમાણી (Income) કરી શકાય છે.
આજના સમયમાં ખેડુત (Farmer) હવે ટેકનોલોજીના (Technology) સહારે પોતાના વિસ્તારમાં થતા પરંપરાગત પાકથી અલગ તરીને ખેતીમાં (Farming) વધુ નફાકારક પાકોના (Crop) ઉત્પાદન મેળવવા માટેના પ્રયાસો કરતો થયો છે. ઉનાળાના આગમનની સાથે બજારમાં મીઠી મધુર એવી સક્કર ટેટીનું (Muskmelon) આગમન થઈ ચૂકયું છે. પેટને ટાઢક આપતી મધુરી ટેટી ગરીબ હોય કે તવંગર, સૌ કોઈ માટે ચહિતી છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતમાં (Uttar Gujarat) થતી સક્કર ટેટીનું સુરતના ખેડુતે ઘર આંગણે ઉત્પાદન કરીને નફાકારક ખેતી માટે નવો ચીલો ચાતર્યો છે.
સુરત (Surat) જિલ્લાના કામરેજ (Kamrej) તાલુકાના ઘલા ગામના 41 વર્ષીય યુવા ખેડુત (Farmer) પ્રવિણભાઈ વલ્લભભાઈ માંગુકિયાએ આધુનિક ટેકનોલોજીના (Modern Technology) માધ્યમથી ઉનાળુ (Summer) સિઝનની સક્કર ટેટીનું (Muskmelon) વાવેતર કરીને બમ્પર ઉત્પાદન મેળવ્યું છે. ટપક સિંચાઈ પધ્ધતિથી (Drip Irrigation System) ખેતી કરીને પાકને જોઈતા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે, વળી ટેટીના પાક પર મલ્ચીંગ કરી ઈઝરાયલની ટેકનોલોજીનો (Israel Technology) ઉપયોગ કરીને વાવેતર કર્યું છે. ખાસ કરીને પોલિ પ્રોપિલીન ગ્રો કવરથી (Polypropylene Grow Cover) ટેટીને બાહ્ય આવરણથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારના આધુનિક સુરક્ષા કવચ 'ગ્રો-કવર'ના ઉપયોગથી પ્રતિકુળ વાતાવરણ તેમજ જીવાતો અને પક્ષીઓના ઉપદ્રવ સાથે પાકનું રક્ષણ થાય છે.
ટેટીના વાવેતરની પ્રેરણા વિશે પૂછતા તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા તેમજ યુ-ટયુબમાંથી વિવિધ સક્કર ટેટીના જ્ઞાનવર્ધક વીડીયો જોઈને બાગાયતી ખેતી, તાપમાન, માટી, વાવેતર, ઉછેર અને કૃષિ પદ્ધતિઓની ઉપયોગી વિગતો મેળવીને વાવેતર કર્યું હતું. ભારતના અન્ય રાજ્યોના પ્રગતિશીલ ખેડૂતોની યુટ્યુબના માધ્યમથી ખેતી કરવાની અનોખી રીતોથી મને ટેટીની સફળ ખેતી કરવાની પ્રેરણા મળી. પ્રવિણભાઈ જણાવે છે કે, મહારાષ્ટ્રના નાસિકથી રોપા દીઠ રૂા. 2.70 ના ભાવે 45,000 કુંદન જાતિના રોપાનો ઓર્ડર આપી મંગાવ્યા હતા. જેનું તા. 1 જાન્યુઆરી 2021 ના રોજ આઠ એકરમાં વાવેતર કર્યું હતું. પ્લાન્ટ રોપ્યા બાદ 19 દિવસ સુધી પોલી પ્રોપિલીન કવર (ગ્રો કવર) ઢાંકવામાં આવ્યું હતું.
મલ્ચીંગના કારણે જમીનમાં ભેજ અને પોષકતત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઇ રહે છે તેમજ નિંદણનો પ્રશ્ન પણ ઓછો રહે છે. જ્યારે ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થાય છે. ગ્રો કવરના કારણે ટેટીના પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. પ્લાસ્ટિકનું ગ્રોકવર ભીની માટી સાથે ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઈજા અટકે છે. માખી સહિતની જીવાતો તથા અન્ય વાયરસથી રક્ષણની સાથે ઝાકળ, ભેજ અને કમોસમી વરસાદ જેવા વાતાવરણની પ્રતિકુળ અસરની સામે પાકને રક્ષણ મળે છે. જેમાં તેમને રાજય સરકાર દ્વારા રૂા. 38500 ની સબસિડી મળી છે. જયારે ડ્રીપ ઈરીગેશનમાં 1.25 લાખની સબસિડી મેળવી છે.
પ્રવિણભાઈના જણાવ્યા અનુસાર ટેટીનું વાવેતર કર્યાના ૭૫ દિવસ બાદ પાક તૈયાર થઈ ચૂકયો છે. જેથી આઠ એકરમાંથી અંદાજે ૧૪૪ ટન જેટલી ટેટીનું માતબર ઉત્પાદન થવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી. એક એકરે અંદાજીત મંજુરીથી લઈ અન્ય રૂા.૭૫૦૦૦નો ખર્ચ થયો છે. આજ સુધી મારે માર્કેટ યાર્ડ સુધી પાકને લઈ જવાની જરૂર જ પડી નથી. સોશ્યલ મીડિયા અને મિત્રો-પરિચિતોના ગ્રુપમાં સીધું જ વેચાણ કરૂ છું. ગત વર્ષે તરબૂચના પાકમાં પણ લોકો તરબૂચ ખરીદવા છેક સુરતથી મારા ખેતર સુધી આવતા.
આમ પ્રધાનમંત્રીશ્રીના ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવકને ડબલ કરવાના સ્વપ્નને સાકારિત કરવા માટે આજનો ખેડુત જો ગ્રાહકો સુધી સીધુ વેચાણ કરે અને યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવાય તો ચોક્કસ તેમનો સારો નફો મળી રહેશે. સમય સાથે તાલ મિલાવી ખેતરમાં જો સારા અને ગુણવત્તાયુક્ત પાકો વાવશો તો આ ફાસ્ટયુગમાં માર્કેટિંગની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારૂં ઉત્પાદન જ માર્કેટિંગ માટે પૂરતું છે. વેચાણ વિશે જણાવતા કહે છે કે, જો ૫૦ કિલોનો ઓર્ડર હોય તો તેમના ઘર સુધી ડિલીવરી કરીને વેચાણ કરવાની તત્પરતા તેમણે વ્યકત કરી હતી.
યુવા કિસાન પ્રવિણભાઈ તેમના બાળકોને કૃષિ યુનિવર્સિટીમાં જ કૃષિલક્ષી ઉચ્ચ અભ્યાસ કરાવવા ઈચ્છે છે. સંતાનોના એગ્રો નોલેજ થકી વધુ ને વધુ પ્રમાણમાં પ્રગતિશીલ ખેતી કરવાં માટે નિશ્ચય કર્યો છે. તેઓ જણાવે છે કે, રાજય સરકારના વિવિધ અભિયાનોને લીધે ખેડૂતોની જાગૃતિ અને નવું જાણવાની ધગશથી તેમની આવકમાં મબલખ વધારો થયો છે. આ વર્ષે ચેરીના થોડા છોડનું વાવેતર કર્યું છે જેમાં સફળતા મળી છે. જેથી ભવિષ્યમાં ચેરીની ખેતી કરવાની પણ આશા તેમણે વ્યકત કરી હતી.
ટેટીની ખેતીના અનુભવ અંગે તેઓ કહે છે કે, બાગાયત વિભાગ નૈમિષભાઈ ચૌધરીના સતત માર્ગદર્શનથી જૈવિક ખાતરોનો જ ઉપયોગ કરી આટલું સારું ઉત્પાદન લઈ શકાયું છે. મેં આડેધડ રાસાયણિક ખાતરોનો વપરાશ કરી જમીનના પોષક તત્ત્વો નાશ પામે તેવું કામ ક્યારેય કકર્યું નથી. છાણ, ગૌમૂત્ર, લીમડાના અર્કથી બનતા જીવામૃત જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કર્યો છે, જેથી યુરિયા અને ડી.એ.પી.ની પણ જરૂર પડી નથી. તેમણે કહ્યું કે ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી જ ખેતી કરવી લાભદાયક છે.
ઉનાળામાં ફળોની રાણી તરીકે જાણીતી સક્કર ટેટી સૌ હોંશે હોંશે આરોગે છે. ફળોના રાજાની સવારી આવે તે પહેલાં ફળોની રાણીને આહારમાં સમાવીને શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મેળવવા સ્વાસ્થ્યપ્રિય લોકો તૈયાર હોય છે, ત્યારે પ્રવિણભાઈ માંગુકિયા ન માત્ર આધુનિક ટેક્નોલોજીયુક્ત ખેતી કરી સારી આવક મેળવે છે બલ્કે કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બની અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યા છે.
Trending Photos