કેદીઓના હાથે બનેલા જેલના ભજીયાનો સ્વાદ રાજકોટવાસીઓના દાઢે વળગ્યો, કલાકો લાઈન લગાવી ખાવા ઉભા રહે છે
કૌશલ જોશી/ગીર-સોમનાથ :સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના કેદીઓના હાથના બનેલ ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેલના કેદીઓના ભજીયા ખાવા લોકો કલાકો સુધી લાઈન લગાવે છે
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો પૂરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ બનાવેલા ભજીયા. કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનો સ્વાદ સૌરાષ્ટ્રની પ્રજાને એવો તે લાગ્યો કે લોકો કેદીઓના ભજીયા ખરીદવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.
લોકોના મનમાં જેલમાં રહેલ કેદીઓ ખૂંખાર અને ક્રૂર હોય તેવી માનયતાને દૂર કરવા અને સજા પૂર્ણ થયા પછી કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવા આશયથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાવવામાં આવે છે.
રાજકોટ મધ્યસ્થ જેલ સ્ટાફ અને કેદીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વસ્તુઓ સાથે ભજીયા બનાવે છે. કેદીઓ સમાજમાં ફરી પાછા હળીમળી શકે તેના માટે કેદીઓને આ મેળામાં સામેલ કરીને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ કેદીઓના ભજિયાની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈને સ્ટોલની મુલાકાત લીધી હતી અને કેદીઓના ભજિયાના સ્વાદ અને ગુણવત્તાને વખાણી હતી. સાથે કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે જેલ તંત્ર દ્વારા કરાતી કસમગીરીને બિરદાવી હતી.
સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો દૂર-દૂરથી માત્ર ભજિયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લે છે અને કલાકો સુધી ધીરજપૂર્વક લાઈનમાં ઊભીને પોતાના નંબરની રાહ જુએ છે અને ભજીયાનો આનંદ માણે છે. કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટે તૈયાર થાય છે. જેના માટે કાર્તિકી પૂર્ણિમા મેળો સેતુરૂપ બન્યો છે.
Trending Photos