અમેરિકા-યુરોપની શાળાઓને પણ ટક્કર મારે તેવી ઝક્કાસ ડિજીટલ સ્કૂલ ગુજરાતમાં છે, એ પણ સરકારી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના નવસારી જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળા ડિજિટલ સ્કૂલ તરીકે ઓળખાય છે. આ શાળામાં ધોરણ-1 થી જ વિદ્યાર્થીઓ ડિજીટલ અભ્યાસ કરે છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રંગપુર ગામની રંગપુર પ્રાથમિક શાળા ગુજરાતમાં ડિજિટલ શાળા તરીકે જાણીતી બની છે. આ શાળામાં અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિકલ બાહ્ય જ્ઞાન પણ આપવામાં આવે છે. જેમ કે, શાળામાં બનાવેલો બગીચો શ્રેષ્ઠ છે. અહીં બેસવા માટે ખુરશીઓ, છોડ માટે તૈયાર કુંડા, શાળામાંથી નીકળતા ગંદા પાણીમાંથી તૈયાર થયેલો લીલો બગીચો અને રમવા માટે કેટલીક નવી રીતો અપનાવવામાં આવી છે. નાની એવી આ શાળામાં ચકલી ઘર છે.
આ તો રહી શાળા બહારની માહિતી. હવે શિક્ષણની વાત કરીએ તો, ધોરણ 1 અને 2 ના તમામ બાળકો માટે ડિજિટલ ટેબ છે, એટલે કે અહીં સ્લેટ પેન ઘણી જૂની થઈ ગઈ છે. શાળાની દરેક દિવાલના ખૂણે જુઓ, જ્યાં દીવાલ પર કંઈક ને કંઈક જનરલ નોલેજ માટેના લખાણ જોવા મળે છે, નાના બાળકને દીવાલ પર લખવાની મજા આવતી હોય તો અહીં આ સુવિધા પણ ઉપલબ્ધ છે, સિરામિક ટાઈલ્સ પર તે બનાવવામાં આવી છે. જેના પર બાળકો લખે છે અને ભૂંસી નાખે છે અને તેમાંથી તેઓ શીખે છે, પરંતુ દિવાલને નુકસાન થતું નથી.
આનાથી વધુ ધોરણ 3 થી 8 ના તમામ વર્ગો માટે નવી ટેકનોલોજી સાથે સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. જ્યારે શિક્ષક બોર્ડ પર ભણાવે છે ત્યારે બાળકોને વધુ મજા આવે છે. અહીં તમામ વિષયો 3D (થ્રિડી) ટેકનોલોજીથી ભણાવવામાં આવે છે.
શાળાના આચાર્ય નીતિન પાઠક કહે છે કે, શિક્ષકે બાળકની રમતોને જ્ઞાનનું માધ્યમ બનાવાયુ છે. જેમ કે કેરમ, સાપની સીડી, લુડો કે પત્તાની રમત આ તમામ રમતોમાં બાળકોનું મનોરંજન થાય અને સાથે મળીને કંઈક શીખે આવું વાતાવરણ આ શાળામાં જોવા મળે છે.
આ સરકારી શાળામાં એક ન્યૂઝ રૂમ પણ બનવવામાં આવ્યો છે, જેમાં બાળકો મહિનમાં કરેલ પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખે છે અને તેને રંગપુર શાળા નામના યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરે છે. તેમના આ સમાચારને કારણે લોકો આ શાળા અને શાળાના બાળકોથી પ્રભાવિત થયા અને તેમને દાન આપવા લાગ્યા.
શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડવા લોકોએ આ શાળાને અત્યાર સુધીમાં લગભગ 64 લાખ રૂપિયાનું દાન આપ્યું છે, આ શાળામાં વરસાદની મોસમમાં પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના જણાવ્યા અનુસાર, આ શાળા ગુજરાતની એક મોડેલ સ્કૂલ બનવા જઈ રહી છે.
Trending Photos