Photos : શક્તિપીઠ અંબાજીમાં શ્રીકૃષ્ણના બાળપણની ખાસ વિધિ કરાઈ હતી

51 શક્તિપીઠોમાંનું એક કહેવાતા એવા અંબાજી મંદિરના ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. આજે મેળાનો બીજો દિવસ છે. 25મીએ પૂનમની ઉજવણી સાથે મેળો પૂરો થશે. ત્યારે હવે અંબાજી જતા માર્ગો પર તમને ભાવિકભક્તોનો મેળાવડો જરૂર જોવા મળતો હશે. ગઈકાલે 19 સપ્ટેમ્બરના રોજ વિધિવત રીતે અંબાજીના આ મેળાનો વિધિવત પ્રારંભ કરાવાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા મા અંબાની આરતી કર્યા બાદ તેમણે રથ ખેંચીને મેળાનો શુભારંભ કરાવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી જ્યાં શિશ ઝૂકાવે છે તે અંબાજી મંદિર અને તેના ભાદરવી પૂનમના મેળાનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. 

 

1/5
image

આમ, તો દર મહિનાની પૂનમે ભાવિકભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે, પરંતુ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહિનાની પૂર્ણિમા સૌથી મહત્‍વનો તહેવાર ગણાય છે. અંબાજીમાં વર્ષે ત્રણ જેટલા મેળા યોજાતા હોય છે. અહીં ભાવિક ભક્તો શ્રદ્ધાથી ધજા ચઢાવે છે. અહીંનો ભાદરવી પૂનમનો મેળો જોવા માટે વિદેશોથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. અંબાજી જતા માર્ગ પર લાખો શ્રદ્ધાળુઓ ધજા લઈને ચાલતા દેખાય છે. 

2/5
image

આરાસુર માતાજીના હૃદયનો ભાગ આ જગ્યા પર પડ્યો હોવાની માન્યતા છે. તો ભાગવત પુરાણમાં એમ પણ ઉલ્લેખ છે કે, ભગવાન શ્રીકૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ પણ અહીં જ થઈ હતી. આ પ્રસંગે માતા યશોદાએ માતાજીના સ્થાનક પર જવેરા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યા હતા. અહીં અંબાજી માતાની મૂર્તિની જગ્‍યાએ એક પિત્તળની થાળી છે. જંત્ર આંકડા સાથે ભરેલી આ થાળી માતાના જન્‍મનું પ્રતિક છે. ભક્તો તેના દર્શન કરીને આનંદ પામે છે.   

3/5
image

ગબ્બરની ટોચે આવેલ અંબાજી મંદિરમાં જવા માટે 999 પગથિયા ચઢીને જવા પડે છે. માતા આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલ્લિત રહે છે. અંબાજીમાં શિશ નમાવતા અનેક શ્રદ્ધાળુઓને આ વાતની ખબર નહિ હોય કે, માતાજીના રિયલ સ્થાનકમાં મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા બળે છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે.  

4/5
image

અંબાજીમાં વર્ષે ચાર વાર નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢની નવરાત્રિ ઉજવાય છે. શક્તિ સંપ્રદાય મુજબ, વસંતિક નવરાત્રિના તમામ આઠ દિવસ અને નવ રાત્રિનું વિશેષ  મહત્ત્વ હોય છે.   

5/5
image

ગબ્બરની નજીક સનસેટ પોઈન્ટ છે. ભાદરવી પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ અહીંથી અચૂક સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો માણતા હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા માણતા માણતા મેળામાંથી નીકળે છે.