નવરાત્રીમાં ચાલી પોમ પોમની ફેશન, પાઘડીઓ પણ રંગ જમાવશે, Photos
નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની બધી જ વસ્તુઓ પહેરવી જરૂરી બની જાય છે. કેમ કે આ તો લૂકની ડિમાન્ડ છે ભાઈ. ટીકા, ઈયરિંગ્સ, નોઝ રિંગ્સ, બેંગલ્સ, ચાંદલો, નથની, લિપસ્ટીક, નેકલેસ, બંગડીઓ, બ્રેસલેટ, ઝાંઝર આ બધા વગર જાણે યુવતીઓનો લૂક મોળોફિક્કો પડતો હોય તેવું લાગે છે. તેથી જ નવરાત્રિ એસેસરીઝ નેસેસરીઝ બની જાય છે. નવરાત્રી માટે એક દિવસ બાકી રહ્યો છો, માર્કેટમાં આવેલી નવી જ્વેલરી તમારા નવ દિવસના લિસ્ટમાં સામેલ કરી લેજો. એક સમય હતો, જ્યારે ઓક્સોડાઈસ જ્વેલરીની બોલબાલા હતી. પણ હવે નવા જમાનાની યુવતીઓ ઓક્સોડાઈઝને બદલે ફ્યુઝન જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.
માર્કેટમાં નવરાત્રિમાં હાલ સર્વત્ર જ્વેલરીની એક જ ફેશન ટ્રેન્ડમાં છે. જેને પોમ પોમ જ્વેલરી કહેવાય છે. ઊનના દોરામાંથી બનાવાતું ફુમતુ કે તેની જ્વેલરી નવરાત્રિ માટે બેસ્ટ જ્વેલરી ઓપ્શન છે. નવરાત્રિના ચણિયામાં જે ઊનના ફુમતા લગાવવામાં આવે છે, તેવી જ રીતે હવે નવરાત્રિની જ્વેલરીમાં પણ ઊનના ફુમતા ઉમેરાયા છે. નવરાત્રિમાં ચણિયાચોળીથી લઈને દરેક એસેસરીઝમાં હવે તો પોમ પોમ જ્વેલરી જ દેખાય છે. પોમ પોમ એટલે કે દેશી ભાષામાં કહીએ તો ઉનના રંગીન ફૂમતા હવે નવરાત્રિ જ્વેલરીમાં જોવા મળી રહ્યા છે. પોમપોમ જ્વેલરી અને આઉટફિટ્સનો ફાયદો એ રહે છે કે તે એકદમ ભાતીગળ લાગે છે. વળી ફેસ્ટિવ સિઝનમાં રંગબેરંગી પોમપોમ આઉટફિટ્સ એકદમ કૂલ લુક આપે છે. હવે તો નથણી, બંગડી, ઝૂડો, દામણી, બંધી તથા બલોયા પર પણ પોમ પોમ લગાવીને તેને વધુ એટ્રેક્ટિવ બનાવાય છે. (તસવીર સાભાર ફેસબુક)
આ નવરાત્રિએ યુવતીઓની સૌથી મોટી ફેશન બની છે પાઘડી. યુવતીઓ આ વર્ષે પાઘડી પહેરીને રાસગરબા કરતી જોવા મળશે. જેમાં તેમનો દરબારી ઠાઠ જોવા મળશે.
પોમ પોમ ઉપરાંત દોરાની ડિઝાઈનની જ્વેલરી પણ આ નવરાત્રિએ ટ્રેન્ડ કરી રહી છે. હવે કલરફુલ દોરાને પોમ પોમ સ્ટાઈલમાં બનાવીને ગૂંથી લેવામાં આવે છે. હવે તો દોરાના નેકલેસ પણ બને છે. (તસવીર સાભાર ફેસબુક)
નવરાત્રિમાં પોમ પોમ ઉપરાંત હટકે આકર્ષણ જમાવવું હોય તો પેપર ક્વીલિંગથી બનાવાતી જ્વેલરી પણ ટ્રાય કરી શકો છો. આ જ્વેલરી પણ નવરાત્રિમાં ચાર ચાંદ લગાવી દેશે. (તસવીર સાભાર ફેસબુક)
નવરાત્રિમાં દર વખતની જેમ એથનિક લૂક આપતી જ્વેલરી પણ આ વર્ષે છવાઈ ગઈ છે. તો બીજી તરફ, ટેરાકોટામાંથી બનેલા ઘરેણાં અને કોડીનાં ઘરેણાં ઉપરાંત નાકમાં મોટી નથણી અને કાન માટે લાંબી બુટ્ટીઓની ફેશન પણ ઇન ટ્રેન્ડ છે. તો મોતી તથા કીડિયાના મોતીની જ્વેલરી ઓલ ટાઈમ ફેવરિટ જ્વેલરીમાં આવે છે. (તસવીર સાભાર ફેસબુક)
નવરાત્રિમાં નથની પહેરો તો આખા લૂકમાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ હવે નથનીને બદલે નવો ટ્રેન્ડ માર્કેટમાં આવ્યો છે. લગ્નમાં માથાની ભંવર ઉપર લગાવાતી ચાંદલાની લાંબી સેર પણ નથની સ્ટાઈલમાં ચોંટાડી દેવાય છે. જેથી આખો લુક ગોર્જિયસ લાગે છે. આ ઉપરાંત ગળા પર પણ ટેટૂ જેવી લાગતી બિંદી ચોંટાડી શકાય છે. રામલીલામાં જેમ દીપિકાના ગરદન પર ટેટૂ બતાવાયા હતા તેમ.
Trending Photos