અસલી ગુજરાતમાં નકલીનો ખેલ! આ શહેરમાં ઝડપાઈ નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ
Surat News ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં નકલીના કારોબારે જાણે માજા મુકી છે. નકલી ખાદ્ય પદ્યાર્થ, નકલી કચેરી, નકલી અધિકારી પછી હવે નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે. નાનકડી દુકાનની અંદર ચાલતી આ ઈન્સ્ટીટ્યૂટમાં અલગ અલગ છ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા...શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....
ગુજરાત દેશનું વિકસિત રાજ્ય છે. ગુજરાતમાં ગુજરાતીઓ પાસે ઘણા પૈસા છે કદાચ તેથી જ નકલીનો કાળો કારોબાર કરતાં આરોપીઓ અહીં ઘણા ફુલ્યા ફાલ્યા છે. એવી કોઈ વસ્તુ નથી કે જે નકલી ન હોય. તમે અગાઉ ઘણા નકલીના સમાચાર સાંભળ્યા જ હશે. હવે સુરતમાંથી ઝડપાયેલી આ નકલી ઈસ્ટીટ્યૂટ પણ જોઈ લો. સુરતના પુણા પાટિયામાં લા સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતું આ બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ છે. જીવનદીપ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના નામથી અહીં એક જ દુકાનમાં મેડિકલના અલગ અલગ 6 પ્રકારના કોર્ષ ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ ભણતા પણ હતા. વિચાર કરો કે મેડિકલ જેવા ગંભીર અને સાવચેતીવાળા ફિલ્ડમાં એક દુકાનમાંથી કેવા વિદ્યાર્થી તૈયાર થતાં હશે?
આ બોગસ સેન્ટર પર વિદ્યાર્થીઓનો અભ્યાસ અને થિયરી થતી હતી. પણ પરીક્ષા બેંગાલુરુમાં લેવાતી હતી. ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી તેમ છતાં બોગસ ઇન્સ્ટિટયૂટ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલનું પણ સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારે કોઈ ઈન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચલાવી ન શકાય. તેમ છતાં કોના ઈશારે અને કોની રહેમ રાહે આ ચાલતું હતું તે એક મોટો સવાલ છે. પૈસા કમાવવા કૌભાંડીઓ શું નથી કરતાં તે આના પરથી સ્પષ્ટ થાય છે.
જીવનદીપ નામથી ચાલતી આ ઈન્સ્ટિટ્યૂટની ખરાઈ માટે અમે જ્યારે ગુજરાત નર્સિગ કાઉન્સિલનો સંપર્ક કર્યો તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, નર્સિંગની માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટિટ્યૂટના લિસ્ટમાં જીવનદીપ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા છે જ નહીં.
તો આ બોગસ સંસ્થા ચાલતી હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ પણ જાણે કોઈ ભીનું સંકેલવાનો પ્રયાસ કરતી હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. પોલીસ ફરિયાદ નોંધતી નથી. પોલીસ એવું કહે છે કે પહેલા અમે સંચાલકની પૂછપરછ કરીશું તેના કાગળો તપાસ કરીશું અને તેમાં કોઈ ખોટું જણાશે તો જ ફરિયાદ નોંધીશું. આ ઈન્સ્ટિટ્યૂટનો સંચાલક મુકેશ આહીર હોવાનું સામે આવ્યું છે અને હાલ તે વતન ગયો છે. તે સુરત આવશે ત્યારપછી કાર્યવાહી કરાશે...પોલીસની આ કાર્યવાહી ઘણી જ શંકાસ્પદ લાગી રહી છે.
ગુજરાતમાં આ પ્રકારે નકલીના કાળો કારોબાર નેતા કે પછી ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર વગર ન ચાલી શકે. જો કાયદો પોતાનું કામ સારી રીતે કરે તો નકલીનો કારોબાર અટકી જાય. પરંતુ તેને અટકાવવા માટે કોઈ કામ થતું નથી તે સત્ય છે. ત્યારે જોવું રહ્યું કે નકલી પર અસલી લગામ ક્યારે લાગે છે?
Trending Photos