નારિયેળ પાણીથી કરો તમારા વાળની માવજત, હેરકેર માટે અપનાવો આ TIPS

નારિયેળ પાણી તમારા વાળ હાઈડ્રેટેડ રાખે છે અને સ્કાલ્પને પોષણ આપે છે. આ બ્લડ સર્ક્યૂલેશન વધારવામાં પણ મદદ કરે છે. તો જાણો કેવી રીતે નારિયેળ પાણીનો ઉપયોગ કરવાથી શું ફાયદા થશે.

નારિયેળ પાણીથી કરો તમારા વાળની માવજત, હેરકેર માટે અપનાવો આ TIPS

ઝી બ્યૂરો, અમદાવાદઃ કદાચ તમે પહેલીવાર વાંચ્યું હશે કે નાળિયેર પાણી માત્ર પીવામાં જ નહી પરંતુ માથામાં લગાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. જ્યારે તમે વાળમાં નાળિયેર પાણી લગાવવાના ફાયદાઓનો જાણી લેશો તો ચોક્કસથી તેનો ઉપયોગ કરવા લાગશો. નારિયેળ પાણી વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. નારિયેળનું પાણી વાળમાં નાખવા માટે વપરાતા તેલ કરતા વધારે હળવું હોય છે. નારિયેળનું પાણી હળવું હોવાને કારણે તરત જ વાળના મૂળમાં સમાઈ જાય છે. આ માથાની ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. આ ઉપરાંત, વાળને સંપૂર્ણ પોષણ પણ આપે છે.

વાળમાં આવી રીતે લગાવો નારિયેળનું પાણી
તમારા વાળમાં નાળિયેર પાણી લગાવવા માટે તાજા નાળિયેરનો ઉપયોગ કરવો. નાળિયેરના પાણીને બાઉલમાં લઈ તેને ગાળી લો. સામાન્ય રીતે વાળમાં લગાવવા માટે માત્ર 5થી 6 ચમચી નાળિયેર પાણીની જરૂર પડે છે. હવે આ નાળિયેર પાણીમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. વાળમાં તેલ લગાવતા હોવ એવી રીતે આ મિશ્રણને વાળના મૂળમાં આંગળીઓ (ફિંગર ટીપ્સ)ની મદદથી લગાવો. ત્યારબાદ વાળમાં હળવા હાથથી મસાજ કરો. હળવા હાથે મસાજ કરવાથી પાણી વાળના મૂળમાં સરળતાથી પહોંચી જશે. નારિયેળનું પાણી ચીકણુ નથી હોતુ તેથી તમારા વાળમાં સ્ટીકીનેસ નહી રહે અને વાળમાં ગુંચ પણ નહી થાય.

નારિયેળ પાણીથી વાળને થાય છે આ લાભ
નારિયેળ પાણીમાં મિનરલ્સ, વિટામિન્સ, આયરન, પોટેશિયમ અને મૈગ્નીશિયમ જેવા તત્વો હોય છે. આ તમામ તત્વો વાળ અને શરીર માટે ખુબ ફાયદેકારક છે. તમે જ્યારે તાજા નારિયેળ પાણીને વાળના મૂળમાં લગાવો છો ત્યારે તેનો સીધેસીધો ફાયદો વાળને મળે છે. પોટેશિયમ વાળના મૂળમાં ઓક્સિજનના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. નારિયેળ પાણીમાં વિટામિન-C અને વિટામિન-K હોય છે. જે તમારા માથાની ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે સાથે જ રક્તના પ્રવાહને પણ વધારે છે. જેથી તમારા વાળને પૂરતું પોષણ મળી શકે.

માથામાંથી ખોડો દુર કરે અને નમી જાળવી રાખે છે નારિયેળ પાણી
નાળિયેર પાણી માથાની ચામડી પર કુદરતી માઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તે માથાની ચામડીના કોષોને ભેજ આપીને તેનું રિપેરિંગ કરે છે. તેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મળે છે. જો તમને માથામાં ખંજવાળની સમસ્યા છે, તો તમે નારિયેળ પાણીને વાળના મૂળમાં લગાવીને પણ માલિશ કરી શકો છો. તેનાથી માથામાં થતી ખંજવાળ દૂર થશે. માથામાં નાળિયેર પાણી લગાવ્યા પછીના 1 કલાક બાદ શેમ્પૂ કરવું જોઈએ અથવા તો નારિયેળ પાણી રાત્રે વાળમાં લગાવી સવારે શેમ્પૂથી ધોઈ શકો છો.

નારિયેળ પાણીથી વાળ થાય છે સોફ્ટ અને ચમકદાર
નારિયેળ પાણીને નિયમિત રીતે વાળમાં લગાવવાથી વાળ સોફ્ટ અને ચમકદાર બને છે. અઠવાડિયામાં 3 વખત નારિયેળ પાણીને લગાવવાથી ફાયદો થાય છે. જોકે નારિયેળ પાણીને વાળમાં લગાવવાની સાથે-સાથે પીવાથી પણ અનેક ફાયદા થાય છે. નારિયેળ પાણી પાચનક્રિયાને સરળ બનાવે છે. સુંદર વાળ અને સોફ્ટ સ્કીન મેળવવા માટે નારિયેળ પાણી ખુબ ફાયદેકારક છે.

નારિયેળ પાણી અને લીંબુનો રસ
અડધો કપ નારિયેળ પાણીમાં એક ચમચી લીંબુનો રસ ભેળવો. વાળમાં તેનાથી હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ જેટલો સમય રાખ્યા બાદ શેમ્પૂ કરી લો. આવું સપ્તાહમાં એક જ વાર કરો. જ્યાં નારિયેળ પાણીથી તમારા વાળ હાઈડ્રેટેડ રહેશે તો બીજી તરફ લીંબુથી કોલેજન પ્રોડક્શન વધશે. જેનાથી વાળ જલ્દી જલ્દી વધશે. તો સ્કાલ્પનું Ph બેલેન્સ પણ જળવાશે.

એલોવેરા સાથે નારિયેળ પાણી
નારિયેળ અને એલોવેરા બે એવા તત્વો છે જે તમારા વાળના સૌથી સારા મિત્ર સાબિત થઈ શકે છે. તેનું મિશ્રણ વાળમાં ડેન્ડ્રફ, ખંજવાળ અને ડ્રાયનેસ જેવી સમસ્યાથી છૂટકારો આપશે. એ માટે બે ચમચી એલોવેરા જ્યુસને અડધા કપ નારિયેળ પાણીમાં મિક્સ કરો અને એક સ્પ્રે બોટલમાં ભરી વાળ પર સપ્રમાણ છંટકાવ કરો. આ મિશ્રણને વાળ પર લગાવી 4 દિવસ સુધી એમ જ રાખી શકો છો. નારિયેળ પાણીને માત્ર ગુલાબજળ સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય છે.

નારિયેળ પાણી અને એપલ વિનેગરનું મિશ્રણ
નારિયેળ પાણી અને એપલ વિનેગરનું મિશ્રણ વાળ માટે એક સારું કંડિશનર સાબિત થશે. આનાથી ડ્રાઇનેસ, વાળનો મેલ, ખોળો જેવી સમસ્યાઓથી છૂટકારો મળશે અને સ્કાલ્પનું PH પણ જળવાઈ રહેશે. આ માટે એક કપ નારિયેળમાં એક ચમચી એપલ સાઇડ વિનેગર ભેળવો. આ મિશ્રણને થોડી માટે વાળમાં લગાવો અને પછી શેમ્પૂ કરી લો.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news