ચંદ્રતાલ નામ સાંભળ્યું છે? કાશ્મીર ભલે સ્વર્ગ કહેવાય, પણ ભારતની આ જગ્યા છે સ્વર્ગથી પણ અદકેરી

Chadratal Lake: ભારતની સંસ્કૃતિમાં જેટલી વૈવિધ્યતા છે એટલી જ તેની પ્રાકૃતિક સૌંદર્યમાં પણ છે. હિમાલયના ખોળામાં વસેલું હિમાચલ પ્રદેશ તેનો ઉત્તમ નમૂનો છે. આજે વાત કરીશું હિમાચલ પ્રદેશમાં આવેલી સ્વર્ગથી પણ સુંદર જગ્યા ચંદ્રતાલની.

ચંદ્રતાલ નામ સાંભળ્યું છે? કાશ્મીર ભલે સ્વર્ગ કહેવાય, પણ ભારતની આ જગ્યા છે સ્વર્ગથી પણ અદકેરી

ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ હિમાચલ પ્રદેશમાં હિમાલયની ગોદમાં 14 હજાર 100 ફીટનું ઊંચાઈ પર આવેલું છે સ્વર્ગની અનુભૂતી કરાવતું સ્થળ ચંદ્રતાલ. લાહૌલ-સ્પિતી જિલ્લામાં આવેલા આ સ્થળનું મુખ્ય આકર્ષણ છે ચંદ્રતાલ ઝીલ. જે પોતાની પ્રાકૃતિ સુંદરતા માટે પ્રસિદ્ધ છે. અત્યંત દુર્ગમ રસ્તાઓ પસાર કરી, દોઢ કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરી તમને ચંદ્રતાલ ઝીલ પર પહોંચી શકો છો. ઘણી કઠણાઈઓને પાર કરીને જ્યારે કોઈ અહીં પહોંચે છે ત્યારે તેને એક શીતળતાનો અનુભવ થાય છે. આ શીતળતા કદાચ પૂનમના ચંદ્રની શીતળતા કરતા પણ વધારે છે.

ચંદ્રતાલ સાથે જોડાયેલી માન્યતાઓ-
ચંદ્રતાલ ઝીલનો આકાર ચંદ્ર જેવો હોવાથી તેનું નામ ચંદ્રતાલ પડ્યું હોવાની માન્યતા છે. અહીંથી ચંદ્ર નદીનો ઉદ્ગમ થાય છે. જે આગળ જઈને ભાગા નદીથી મળીને ચંદ્રભાગા કહેવાય છે. જેને જમ્મૂ કશ્મીરમાં ચેનાબના નામે ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે, ચંદ્રતાલ એ સ્થળ છે જ્યાંથી દેવોના દેવ ઈન્દ્ર ધર્મરાજ યુઢિષ્ઠિરને સ્વર્ગમાં લઈ ગયા હતા.

કેવી રીતે પહોંચી શકાય?
ચંદ્રતાલ બાઈક, કાર કે નાની બસ જેવા વાહનોમાં જ પહોંચી શકાય છે. હિમાચલ પ્રદેશના શિમલા કે મનાલીથી કાર કે બાઈક ભાડે કરીને અથવા તો પોતાનું વાહન લઈ જઈ શકાય છે. ચંદ્રતાલ સુધી પહોંચવાના રસ્તા ઉબડ-ખાબડ અને પથરાળ છે. સાથે જ રસ્તો ખૂબ જ દુર્ગમ છે. એટલે અહીં ડ્રાઈવિંગ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી પડે છે.

કેવી હોય છે મોસમ?
ચંદ્રતાલમાં માર્ચ થી જૂન મહિના સુધી મોસમ ખુશનુમા હોય છે. જૂન મહિનાના અંતમાં જો તમે જાઓ તો તમને બરફવર્ષા જોવા મળી શકે છે. ચંદ્રતાલમાં દિવસે તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે તો રાત્રે તાપમાન માઈનસ બે થી પાંચ ડિગ્રી સુધી જઈ શકે છે. ચંદ્રતાલ જાઓ તો ગરમ કપડાં, હાથના અને પગનાં મોજા સાથે લઈ જવા જરૂરી છે.

રહેવાની શું છે વ્યવસ્થા?
ચંદ્રતાલમાં કોઈ હોટેલ તમને નહીં મળે. અહીં માત્ર ટેન્ટમાં રહેવાનું હોય છે. ખાનગી એકમો અહીં ટેન્ટની વ્યવસ્થા કરી આપે છે. તમે તમારા પોતાના ટેન્ટ લઈને પણ જઈ શકો છો. જો તમે ખાનગી ટેન્ટમાં રહો છો તો તમને ભોજનની વ્યવસ્થા તેઓ કરી આપે છે. ભોજનમાં અહીં દાળ, ભાત, શાક, રોટલી, મેગ્ગી અને ઈંડાની વાનગીઓ મળી શકે છે.

ચંદ્રતાલ ઝીલની મુલાકાત લેવાનો અનુભવ અદ્ભૂત અને અવિસ્મરણીય છે. જે એકવાર ત્યાં જાય છે તેના મનમાં આ રમણીય જગ્યાની છબી ઝીલાય જાય છે. જો હવામાન સારું હોય તો તમે ચંદ્રતાલ ઝીલની આસપાસ પરિક્રમા કરી શકો છો. જેમાં એક કલાક જેટલો સમય લાગે છે. જો તમે પ્રકૃતિના ખોળે સમય વિતાવવી માંગો છો તો ચંદ્રતાલ શ્રેષ્ઠ જગ્યા છે. નોંધનીય છે કે, ચંદ્રતાલમાં કોઈ જ મોબાઈલ નેટવર્ક ચાલતા નથી. એટલે તમને દુનિયાથી વિમુક્ત રહીને પ્રકૃતિનું સાનિધ્ય માણી શકો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news