Kitchen Tips: મસાલાને આ રીતે સાચવશો તો આખું વર્ષ રહેશે એકદમ ફ્રેશ, એક પણ મસાલામાં જીવાત નહીં પડે
Kitchen Tips: આખું વર્ષ મસાલાને સાચવવાના હોય તો તેને સ્ટોર કરતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે. ઘણી વખત એવું થાય છે કે મસાલામાં થોડા સમયમાં જ ભેજ લાગી જાય છે તો વળી કેટલાક મસાલામાં જીવાત પડી જાય છે. આવું ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
Kitchen Tips: ભારતીય ભોજનના સ્વાદ અને સુગંધનું સિક્રેટ તેમાં પડતા મસાલા છે. ભારતીય વ્યંજનોમાં અલગ અલગ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. મસાલા વિનાના ભોજનની કલ્પના પણ કરી ન શકાય. આપણે ત્યાં મસાલાને પણ સિઝન દરમિયાન સ્ટોર કરી લેવામાં આવે છે.. ત્યાર પછી આખું વર્ષ આ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આખું વર્ષ સાચવવાના હોવાથી જરૂરી છે કે મસાલાને સારી રીતે સ્ટોર કરવામાં આવે જેથી તેનો સ્વાદ અને સુગંધ જળવાઈ રહે અને તેમાં જીવજંતુ પણ ન પડે.
આખું વર્ષ જ્યારે કોઈ વસ્તુને સાચવવાની હોય તો તેને સ્ટોર કરતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે. ઘણી વખત એવું થાય છે કે મસાલામાં ભેજ લાગી જાય છે અથવા તો મસાલામાં જીવજંતુ પડી જાય છે. આવું ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરશો તો આખું વર્ષ મસાલા ખરાબ નહીં થાય અને તેની સુગંધ અને રંગ પણ જળવાઈ રહેશે.
એર ટાઈટ કન્ટેનર
જે મસાલાને બારેમાસ સાચવવાના હોય તેને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. મસાલાને હંમેશા કાચના કે સ્ટીલના વાસણમાં રાખવા જોઈએ. પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ ન કરવો.
અંધારામાં રાખો
મસાલાનો સ્વાદ સુગંધ અને રંગ એવાને એવા રાખવા હોય અને તેને ખરાબ થતા બચાવવા હોય તો મસાલાના ડબ્બા ને હંમેશા અંધારામાં રાખવા જોઈએ. એટલે કે એવી રીતે રાખવા કે જ્યાં તડકો આવતો ન હોય. આ રીતે મસાલા સાચવશો તો આખું વર્ષ મસાલા સારા રહેશે.
ગરમીથી દૂર રાખો
મસાલાને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં ગરમી વધારે હોય એટલે કે ગેસ સ્ટવની આસપાસ મસાલા રાખવા નહીં. આમ રાખવાથી મસાલા ઝડપથી ખરાબ થઈ જાય છે.
ભેજથી બચાવો
મસાલાને ભેજ ન લાગે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જો મસાલામાં ભેજ લાગશે તો તેમાં જીવાત થઈ જશે. જ્યારે પણ મસાલા કાઢવાના હોય તો હાથને બરાબર કોરા કરી લેવા અને મસાલા કાઢવાનો ચમચો પણ બરાબર સાફ હોય તે જોઈ લેવું.
વધુ સમય માટે ન કરો સ્ટોર
મસાલાને એક વર્ષથી વધુ સમય માટે સાચવવાનું ટાળો. એક વર્ષથી વધુ સમય માટે સ્ટોર કરેલા મસાલાનો ઉપયોગ કરવો હાનિકારક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે