Undhiyu Recipe: શિયાળાની ખરેખરી મજા માણવી હોય તો ઘરે ટ્રાય કરો અસ્સલ કાઠિયાવાડી ઉંધીયુ, નોંધી લો પરફેક્ટ રીત
Undhiyu Recipe: શિયાળામાં થાળીમાં ઉંધીયુ પીરસવામાં આવે તો જમવાની મજા પડી જાય. ઉંધીયુ વિવિધ પ્રકારના શાક અને સ્વાદિષ્ટ મસાલાથી બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના શાક તેમાં પડતા હોવાથી તે પૌષ્ટિક પણ હોય છે અને તેનો સ્વાદ એવો હોય છે કે મોઢામાં પાણી આવી જાય.
Trending Photos
Undhiyu Recipe: શિયાળા દરમિયાન ખભાતી પ્રસિદ્ધ ગુજરાતી વાનગીઓમાં ઉંધીયુ સૌથી પહેલા આવે છે. શિયાળામાં થાળીમાં ઉંધીયુ પીરસવામાં આવે તો જમવાની મજા પડી જાય. ઉંધીયુ વિવિધ પ્રકારના શાક અને સ્વાદિષ્ટ મસાલાથી બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના શાક તેમાં પડતા હોવાથી તે પૌષ્ટિક પણ હોય છે અને તેનો સ્વાદ એવો હોય છે કે મોઢામાં પાણી આવી જાય. હાલ જ્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો તમને જણાવી દઈએ અસલ કાઠીયાવાડી સ્ટાઇલનું ઉંધીયુ બનાવવાની ઓરીજનલ રીત.
ઉંધીયુ બનાવવાની સામગ્રી
પાપડી - 150 ગ્રામ
નાના રીંગણ - 8 નંગ
નાના બટેટા - 10
શકરકંદ - 100 ગ્રામ
કાચા કેળા - 100 ગ્રામ
સુરણ - 150 ગ્રામ
ઝીણી સમારેલી મેથી - 1 કપ
ચણાનો લોટ - 1 કપ
બેકિંગ સોડા - 1 ચપટી
તલ - 1 ચમચી
આદુનો ટુકડો - 1
લીલા મરચાં - 2 થી 3
લસણ - 8 થી 10 કળી
હળદર - 1 નાની ચમચી
લાલ મરચું પાવડર - 1 ચમચી
જીરું પાવડર - અડધી ચમચી
ધાણા પાવડર - 1 ચમચી
તેલ - 1 મોટો ચમચો
ખાંડ - 1 ચમચી
મીઠું - સ્વાદ અનુસાર
લીંબુનો રસ - 1 ચમચી
નાળિયેરનું ખમણ - અડધો કપ
ઝીણી સમારેલી કોથમીર
હીંગ 2થી 3 ચપટી
શાક તૈયાર કરવાની રીત
પાપડીને નાના ટુકડામાં તોડી અને સારી રીતે પાણીથી ધોઈ સાફ કરી લો. એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં બટેટાની છાલ ઉતારીને રાખો. કંદ, સુરણની છાલ ઉતારી મોટા ટુકડામાં કાપો, કેળાને છાલ સહિત ટુકડામાં કાપો. નાના રીંગણને પાણીથી સાફ કરી પાણીમાં રાખો.
મેથીના મુઠીયા બનાવવાની રીત
ઉંધીયુ બનાવવા માટે સૌથી પહેલા મેથીના મુઠીયા બનાવી લેવા. તેના માટે એક બાઉલમાં એક કપ ઝીણી સમારેલી મેથીમાં એક કપ ચણાનો લોટ ઉમેરો. તેમાં ચપટી બેકિંગ સોડા, હળદર પાવડર, લાલ મરચું પાવડર, જીરું પાઉડર, ધાણાનો પાવડર અને અડધી ચમચી તેલ ઉમેરો. આ મિશ્રણમાં એક ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી બરાબર રીતે મિક્સ કરો. આ મિશ્રણને ઢાંકીને 15 મિનિટ સુધી રાખો. ત્યાર પછી હાથમાં તેલ લગાડીને સારી રીતે મિક્સ કરી તેમાંથી ગોળ મુઠીયા તૈયાર કરો. તૈયાર કરેલા મુઠીયા ને ગરમ તેલમાં ધીમા તાપે પાંચ મિનિટ સુધી તળો. તળેલા મુઠીયા ને સાઈડ પર રાખી દો.
ઉંધીયાનો મસાલો બનાવવાની રીત
મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં નાળિયેરનું ખમણ, લીલા ધાણા, આદુ-મરચાં-લસણની પેસ્ટ, તલ ઉમેરી મીક્સ કરો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાનો પાવડર અને જીરાનો પાવડર ઉમેરો. તેમાં લીંબુનો રસ, ખાંડ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી બરાબર મિક્સ કરો.
પહેલાથી કાપીને તૈયાર કરેલા શાકમાં આ મસાલાનું સ્ટફિંગ ભરો. જેમકે બટેટા અને રીંગણમાં કાપા કરી અને તેમાં મસાલો ભરો. તમે કાચા કેળામાં પણ મસાલો ભરી શકો છો.
ઉંધીયુ બનાવવાની રીત
એક કુકરમાં 5 ચમચી તેલ ઉમેરી તેને ગરમ કરો. હવે તેમાં એક નાની ચમચી અજમા ઉમેરો. ત્યારબાદ તેમે અડધી ચમચી જીરું ઉમેરો. 2 મિનિટ બાદ તેમાં એક નાની ચમચી હિંગ ઉમેરો અને પછી તેમાં પાપડી ઉમેરી દો. પાપડનો રંગ લીલો રહે તે માટે એક ચપટી સોડા ઉમેરો. હવે શાકમાં ભર્યા પછી જે મસાલો બચ્યો હોય તેને પાપડીમાં ઉમેરી દો. ધીમા તાપે આ સામગ્રીને 3 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ ગેસ સ્લો રાખીને તેમાં કાપેલા કંદ મુકી તેના પર ભરેલા બટેટા, રીંગણ અને કાચા કેળા ઉમેરો. શાક ઉમેર્યા બાદ તેને વધારે હલાવવું નહીં. ઉપરથી નાળિયેરનો મસાલો ઉમેરી કુકરની કિનારીથી અડધો કપ પાણી રેડી સ્વાદ અનુસાર નમક છાંટી દો. હવે કુકરને બંધ કરી તેજ આંચ પર 2 સીટી અને પછી ધીમા તાપે 5 મિનિટ પકાવી ગેસ બંધ કરો. કુકર ઠંડુ થાય ત્યારબાદ તેને ખોલો અને ગરમા ગરમ ઉંધીયુ સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે