બ્રિટનમાં સરકારનો એક નિર્ણય ભારતીયોને ભારે પડી રહ્યો છે, લગ્નો અટકી ગયા...બોલો, જાણો શું છે મામલો
ભારતીયોને વિદેશ જવાનો ખુબ મોહ હોય છે. અનેક ભારતીયો દુનિયાના ખૂણે ખૂણે તમને જોવા મળી જશે. પણ હવે બ્રિટનની સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે ભારતીયોની ચિંતામાં વધારો થયો છે.
Trending Photos
ભારતીયોને વિદેશ જવાનો ખુબ મોહ હોય છે. અનેક ભારતીયો દુનિયાના ખૂણે ખૂણે તમને જોવા મળી જશે. પણ હવે બ્રિટનની સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે ભારતીયોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ત્યાંની સરકારે વસાહતીઓની સંખ્યા ઘટાડવા કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે જે હેઠળ હવે ફેમિલી વિઝા માટે લઘુત્તમ આવક મર્યાદા જે 19.5 લાખ રૂપિયા હતી જે વધારીને લગભગ 40.6 લાખ રૂપિયા કરી નાખી છે. આ નિર્ણયની અસર 20 લાખ જેટલા બ્રિટિશ ભારતીયો પર પડી શકે છે. જેના કારણે અનેક ભારતીયોના લગ્નની યોજના ઉપર પણ જાણે પાણી ફરી વળ્યું છે.
4 એપ્રિલથી લાગૂ થશે નિર્ણય
બ્રિટિશ સરકાર ઘર આંગણે કંપનીઓને બ્રિટિશ નાગરિકને પ્રાધાન્ય આપવા જણાવી રહી છે. જેથી કરીને વિદેશીઓ પર આધાર રાખવો ન પડે. વિદેશી કુશળ કામદારો માટે હાલની જે આવક મર્યાદા 26,200 પાઉન્ડ છે તે 4 એપ્રિલ 2024થી વધારીને 38,700 પાઉન્ડ કરવામાં આવશે. આ નિર્ણયના પગલે અનેક લોકોનું કહેવું છે કે પરિવારના સભ્યો સાથે હવે બ્રિટનમાં રહેવું મુશ્કેલ થશે. આ બધામાં સૌથી મોટી તકલીફ નર્સ જેવા દેખભાળનું કામ કરતા લોકો પર પડી છે જે ત્યાં એકલા રહે છે.
જેમ કે માન્ચેસ્ટરમાં બ્રિટિશ ભારતીય રિસર્ચર હરતોષ સિંહાએ આ મુદ્દે કહ્યું કે તેઓ દિલ્હીમાં રહેતી એક યુવતી મંજૂષા સાથે લગ્ન કરવા તૈયારી કરી રહ્યા હતા અને તેમની આવક હાલ 26 લાખ છે. ત્યારે આ નિર્ણયના લીધે હવે હાલ તેમનું મંજૂષા સાથે લગ્ન કરીને ઠરીઠામ થવાનું સપનું તૂટી ગયું છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે.
આ સમગ્ર મામલે ભારતીય મૂળના ડોક્ટરો અને મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થા, બ્રિટિશ એસોસિએશન અને ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન (બીએપીઆઈઓ)એ પીએમ ઋષિ સુનકને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે દેખભાળ કરનારા વિદેશી કર્મચારીઓ (કેરગિવર્સ)ને પોતાના આશ્રિતોને બ્રિટનમાં લાવતા રોકી રહેલી આ યોજના ખુબ ચિંતાજનક અને પરેશાન કરનારી છે. બ્રિટનમાં અંદાજે અડધા વર્ક વિઝા તો આરોગ્ય અને તે સંલગ્ન કર્મચારીઓને મળતા હોય છે. ઓછા પગારના કારણે પરિવારને સાથે લાવવાનો હવે કોઈ વિકલ્પ નથી.
અન્ય એક એક્સપર્ટના જણાવ્યાં મુજબ ચિંતાજનક વાત એ પણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની આવક અને પગારમાં વધારો થયો નથી. આ સ્થિતિઓમાં આવકમર્યાદાની જરૂરિયાતને બમણાથી વધુ કરવાનો કોઈ અર્થ નથી. બ્રિટિશ સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર ઓછી આવક ધરાવનારા બ્રિટિશ નાગરિકો અને ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ પર પડશે જેમને ઓછો પગાર મળતો હોય છે.
બીજી બાજુ બ્રિટનમાં વિપક્ષી લેબર પાર્ટીએ આ મુદ્દાને ઉઠાવ્યો છે અને સરકારને ફરીથી વિચારણા કરવા પણ જણાવ્યું છે. હાલ જે છે તે મુજબ બ્રિટનમાં રહેતા વ્યક્તિ ફેમિલી વિઝા હેટળ પોતાના જીવનસાથીની સાથે આવવા માટે અરજી કરી છે. એટલે જ આપણે જોઈએ છે કે એનઆરઆઈ લોકો જીવનસાથીની પસંદગી કરવા માટે બ્રિટનથી ભારત આવે છે અને પોતાની સાથે પછી બ્રિટન લઈ જાય છે. ગયા વર્ષે 5870 ભારતીયોને ફેમિલી વિઝા મળ્યા હતા. ત્યારે લઘુત્તમ વાર્ષિક આવક આશરે 19.54 લાખ રૂપિયા હતી. હવે આ મુદ્દે બ્રિટિશ ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ કહ્યું છે કે આ વિઝા માટે આવકમર્યાદા વધારીને અમે એ સુનિશ્ચિત કરીશું કે લોકો ફક્ત એવા આશ્રિતોને લાવે જેમને તેઓ આર્થિક રીતે મદદ કરી શકે. આ વધારો જરૂરી હતો. કારણ કે 2012 પછી આવક વર્યાદા વધારી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે