PM મોદીએ કહ્યું 'ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે' ગુજરાતના CM હતા તે સમયના પ્રસંગને પણ કર્યો યાદ

World Lion Day 2021: 10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે.

  • ગુજરાતમાં કુલ 9 જીલ્લાના 53 તાલુકામાં સિહોનો વસવાટ છે
  • ગુજરાતમાં અંદાજે 30 હજાર સ્ક્વેર કી.મી. માં સિંહો ફેલાયેલા છે
  • વર્ષ 2020 ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 674 છે
  • સિંહોની વસ્તીમાં આશરે 29 ટકા જેટલો વધારો થયો

Trending Photos

PM મોદીએ કહ્યું 'ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે' ગુજરાતના CM હતા તે સમયના પ્રસંગને પણ કર્યો યાદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ 10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. આજે સિંહ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુંકે,સિંહ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક વાત આપણને બધાને આનંદ આપનારી છેકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

No description available.

 

— Narendra Modi (@narendramodi) August 10, 2021

બીજી એક ટ્વીટમાં પીએમ મોદીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છેકે, જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતો હતો, ત્યારે મને ગીરના સિંહોના સંરક્ષણ માટે કામ કરવાની ઉમદા તક મળી હતી. તે સમયે મને સિંહોની સલામતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે ઘણાં કાર્યો કરવાની તક મળી હતી. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણાં ત્યાં સિંહો એકદમ સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે જ સિંહોની સલામતી માટે અમારી સરકારે અનેક પહેલ કરી છે. 

 

— Narendra Modi (@narendramodi) August 10, 2021

 

આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે. આપણને સ્વાભવિક એક પ્રશ્ન થાય કે હિંદુસ્તાનમા કોઇ પણ જગ્યાએ નહીં અને ગીર જંગલમા જ સિંહની વસ્તી કેમ? આનું કારણ કાળક્રમે પૃથ્વીમાં થયેલી ઉથલપાથલ છે. એક વખત સૌરાષ્ટ્રનો ભાગ આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો. ભયંકર ભુકંપ આવવાને કારણે આફ્રિકા ખંડ જ્યાં સિંહોની વસ્તી હતી તે ભૂભાગની પ્લેટ ખસી ગઇ અને આફ્રિકાનો સિંહની વસ્તી વાળો ભાગ એશિયાખંડ્મા હિન્દુસ્તાન સાથે જોડાઇ ગયો અને ગીર સિંહોનું રહેઠાણ બની ગયું. 

એશિયાઇ સિંહ:
એશિયાઇ સિંહએ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહે એ ભારતમાં જોવા મળતી 5 “મોટી બિલાડી” ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દીપડો (snow leopard), અને ધબ્બેદાર દીપડો (clouded leopard) વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે, ( સામાન્ય રીતે 15 – 18 વર્ષ ). જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે. સિંહને 18 નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

એક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા. 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો, અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. જૂનાગઢ નવાબે સિંહની વસ્તીને પર્યાપ્ત રક્ષણ પુરૃ પાડતા 1904થી 1911ના વર્ષ સુધીમાં સિંહની વસ્તી વધી હતી. નવાબના અવસાન બાદ વાર્ષિક 12થી 13 સિંહોનો શિકાર કરવામાં આવતો. 1911થી સિંહના શિકાર ઉપર ચુસ્તપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. 1913માં જૂનાગઢના મુખ્ય વન અધીકારી તરફથી કરવામાં આવેલ નોંધ અનુસાર વધારેમાં વધારે 20 સિંહો હયાત હોવાનું જણાયું હતું.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય:
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે “ગીરનું જંગલ” કે “સાસણ-ગીર” તરીકે પણ ઓળખાય છે તે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી, તે કુલ 1,412 ચો.કી.મી. (258 ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1,153 ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ એશિયાઇ સિંહો (Panthera leo persica) નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર (ecosystem), તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.

હાલ કેટલી છે સિંહની વસ્તી:
એપ્રિલ 2005ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 359 સિંહ નોંધાયેલા હતા, જે 2001ની સરખામણીએ 32નો વધારો સુચવે છે. ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની 180 નસ્લને રક્ષણ અપાયેલ છે. એપ્રિલ 2010ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 411 સિંહ નોંધાયેલા હતા, જે 2005ની સરખામણીએ 52નો વધારો સુચવે છે. 2015ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની 2010ના વર્ષની કરતા 112નો વધારો સુચવે છે. થોડા સમય પહેલા ગીરમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગીરમાં હાલ સિંહોની સંખ્યા 674 છે. જૂન મહિનામાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહોની વસ્તીમાં આશરે 29 ટકા જેટલો વધારો થયો હતો. 

જૂનાગઢમાં આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા સાસણ સિંહ સદન ખાતે ઉજવણીનો કાર્યક્રમ. દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અંતર્ગત કરવામાં આવતી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં વર્ચ્યુલ ઉજવણી થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સાત સ્થળોએ વર્ચ્યુલ ઉજવણીનો કાર્યક્રમ રખાયો છે. મુખ્યમંત્રી અને વનમંત્રી પણ આ વર્ચ્યુલ ઉજવણીમાં જોડાશે. જ્યાં સિંહ સંરક્ષણના શપથ પણ લેવામાં આવશે. સાસણ સિંહ સદન ખાતે મુખ્ય ઉજવણી થશે, મુખ્ય વન સંરક્ષક ઉપસ્થિત રહેશે 

ગુજરાતના સિંહો વિશે જાણવા જેવું:
ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉધાન 1412 સ્ક્વેર કી.મી.માં ફેલાયેલું છે.
વર્ષ 2020 ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 674 છે.
જેમાં 161 નર, 260 માદા, 116 સબ એડલ્ટ અને 137 બચ્ચાંનો સમાવેશ થાય છે.
ગીર જંગલનો વિસ્તાર ચાર જીલ્લામાં ફેલાયેલો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર.
છેલ્લા થોડાં વર્ષોમાં સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર અને જામનગર જીલ્લામાં પણ સિંહોનો વસવાટ જોવા મળ્યો છે.
આમ ગુજરાતમાં કુલ 9 જીલ્લાના 53 તાલુકામાં સિહોનો વસવાટ છે એટલે કે અંદાજે 30 હજાર સ્ક્વેર કી.મી. માં સિંહો ફેલાયેલા છે.
વર્ષ 2015 ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523 હતી અને વર્ષ 2020 માં તે વધીને 674 થઈ છે જે પાંચ વર્ષમાં અંદાજે 29 ટકાનો વધારો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news