સબરીમાલા મંદિરઃ પૂજા કર્યા વગર જ પાછું ફર્યું મહિલાઓનું જૂથ, શ્રદ્ધાળુઓનો ભારે વિરોધ
પંબા બેઝ કેમ્પમાં 50 વર્ષથી નાની ઉંમરની 11 મહિલાઓના એક જૂથે ભગવાન અયપ્પાના મંદિરમાં પૂજા કરવા માટે જવાનો પ્રયાસ કર્યો હતો
Trending Photos
સબરીમાલાઃ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા પહોંચેલી 11 મહિલાઓના જૂથને શ્રદ્ધાળુઓના ભારે વિરોધના પગલે રવિવારે સાંજે પાછા ફરી જવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અસંખ્યની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ મહિલાઓનો વિરોધ કરીને રસ્તો બંધ કરી દીધો હતો. સાથે જ મહિલાઓમાં મંદિરમાં પ્રવેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પ્રદર્શન પણ કર્યું હતું.
રવિવારની સવારે પંબા બેઝ કેમ્પ ખાતે 50થી વર્ષથી નાની ઉંમરની 11 મહિલાઓનું એક જૂથ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ માટે આવી પહોંચ્યું હતું. તેમણે મંદિરમાં પ્રવેશીને પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અહીં ભારે તનાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું.
પોલિસે સુરક્ષા પુરી ન પાડીઃ મહિલાઓ
'માનિથિ' નામના જૂથનું નેતૃત્વ કરનારી સેલ્વીએ જણાવ્યું કે, પોલિસ અમને જરૂરી સુરક્ષા પુરી પાડી શકી ન હતી. જેના કારણે અમારે પાછા ફરવાનો નિર્ણય લેવો પડ્યો છે. તેણે જણાવ્યું કે, અમારું જૂથ ફરીથી પાછું આવશે અને મંદિરમાં દર્શન કરશે.
આ બાજુ ભાજપના બી. ગોપાલકૃષ્ણને કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયન પર આરોપ લગાવ્યો કે, આ બધું જ તેમના ઈશારા પર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સબરીમાલા મંદિરની પરંપરાને ધ્વસ્ત કરવાનો સીએમ વિજયન પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, કેરળની એક પણ યુવાન મહિલા મંદિરમાં પ્રવેશ કરવા માગતી નથી, કેમ કે એ તમામ ભગવાન અયપ્પાની ભક્ત છે.
સવારથી શ્રદ્ધાળુઓ થયા હતા એક્ઠા
મહિલાઓના જૂથ દ્વાર મંદિરમાં પ્રવેશની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સબરીમાલા મંદિર ખાતે એક્ઠા થઈ ગયા હતા. તેમણે 6 કલાકથી વધુ સમય સુધી આ મહિલાઓનો રસ્તો રોકી રાખ્યો હતો. મહિલાઓ પણ માર્ગમાં જ નીચે પલાંઠીવાળીને બેસી ગઈ હતી. મહિલાઓ માત્ર 100મીટર જ આગળ વધી શકી હતી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ આપેલા એક ચૂકાદામાં 10-50 વર્ષના વયજૂથની તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાની અને પૂજા કરવાની મંજૂરી આપી હતી. ત્યાર બાદથી જ અનેક મહિલાઓએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે અને શ્રદ્ધાળુઓએ તેમને અટકાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે