Heatwave: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજકાલ કેમ અસહ્ય ગરમી પડી રહી છે? આ 4 કારણ વિશે ખાસ જાણો 

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવું લાગે છે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ઘણા લોકોને તમે એમ કહેતા પણ સાંભળ્યા હશે કે અમારા સમયે તો આટલી ગરમી નહતી પડતી. ઘરના વડીલોના કહેવા મુજબ વર્ષો પહેલા આટલી ગરમી નહતી તો અત્યારે એવું તે શું થાય છે કે આટલી ગરમી દિન પ્રતિદિન વધી રહી છે. એવું લાગે જાણે અગનભઠ્ઠીમાં શેકાતા હોઈએ....
Heatwave: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજકાલ કેમ અસહ્ય ગરમી પડી રહી છે? આ 4 કારણ વિશે ખાસ જાણો 

Reasons of Heatwave: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવું લાગે છે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ઘણા લોકોને તમે એમ કહેતા પણ સાંભળ્યા હશે કે અમારા સમયે તો આટલી ગરમી નહતી પડતી. ઘરના વડીલોના કહેવા મુજબ વર્ષો પહેલા આટલી ગરમી નહતી તો અત્યારે એવું તે શું થાય છે કે આટલી ગરમી દિન પ્રતિદિન વધી રહી છે. એવું લાગે જાણે અગનભઠ્ઠીમાં શેકાતા હોઈએ....

રેકોર્ડબ્રેક ગરમી
દેશમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. બે દિવસ પહેલા જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સિલ્સિયસ પાર ગયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આટલા તાપમાનમાં તો ડામરના રસ્તા પર એક ઈંડુ બફાઈ જાય. ગુજરાતમાં પણ આ વખતે તાપમાન 47 ડિગ્રી પહોંચી ગયું. અનેક શહેરોમાં તાપમાન 40  પાર રહે છે. ગરમીના આ ટોર્ચરે લોકોને દહેશતમાં નાખી દીધા છે. મે મહિનાની ગરમીથી અકળાયેલા લોકો હવે જૂનની કલ્પના કરતા પણ ડરી રહ્યા છે. ગઈ કાલે દિલ્હીના અનેક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું આ ઉપરાંત યુપીના પ્રયાગરાજમાં લગભગ 47 ડિગ્રી, રાજસ્થાનના ગંગાનગરમાં 45.1 ડિગ્રી, મહારાષ્ટ્રના વર્ધામાં 45 ડિગ્રી, ઝાંસીમાં પણ 45 ડિગ્રી અને એમપીના ખજૂરાહોમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું.

ગુજરાતની વાત કરીએ ગઈ કાલે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.3 જ્યારે વડોદરામાં 40.1 ડિગ્રી તાપમાન ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બે દિવસ પહેલા ગરમીનો પારો અનેક ઠેકાણે 45ની આજુબાજુ હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે. 

હવે જરા વિચારો...દિન પ્રતિદિન જે રીતે ગરમી તેના રેકોર્ડ  તોડી રહી છે અને લોકો હીટવેવની આગમાં ઝૂલસી રહ્યા છે તે જોતા સવાલ ચોક્કસ થાય કે આટલી ગરમી કેમ વધી રહી છે? તો તેના ચાર મોટા કારણ છે. 

કાળઝાળ ગરમી પાછળના કારણો

પહેલું કારણ એ છે કે આ વખતે ગરમી માર્ચ મહિનાથી શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે માર્ચના અંતમાં બનનારું  Anti-Cyclone આ વખતે જલદી બન્યું અને તેનાથી થાર રણ અને પાકિસ્તાનથી ગરમ વાયરા ચાલુ થઈ ગયા. જેના કારણે જમ્મુ, રાજસ્થાન, દિલ્હી અને આસપાસના વિસ્તારોનું તાપમાન સામાન્ય કરતા વધી ગયું. આ ઉપરાંત આ વર્ષે માર્ચ મહિનો છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો. 

બીજુ કારણ: જળવાયુ પરિવર્તન પણ આ લ્હાય લગાડતી ગરમી પાછળ એક મહત્વનું  કારણ છે. જળવાયુ પરિવર્તન એટલે તાપમાન અને હવામાનની પેટર્નમાં થનારા અસામાન્ય ફેરફાર. કોલસા, ગેસનો વધુ પડતો ઉપયોગ, ઓઈલ ઉત્પાદન વગેરે આ સમસ્યા પાછળ  જવાબદાર છે. કારણ કે તેનાથી ગ્રીન હાઉસ ગેસ નીકળે છે જે વાતાવરણને નુકસાન પહોંચાડે છે અને પૃથ્વીનું તાપમાન સામાન્ય કરતા વધે છે. 

ત્રીજુ કારણ: સામાન્ય રીતે ઠંડીની ઋતુ પૂરી થાય ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસતો હોય છે જેનાથી તાપમાન સંતુલિત થાય છે. પરંતુ આ વખતે એવું બન્યું નહીં. દેશના મોટાભાગના હિસ્સાઓમાં ભીષણ ગરમી પડ્યા બાદ પણ વરસાદ પડ્યો નહીં અને તેના કારણે લૂ અને ગરમ વાયરાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. આ વખતે મે મહિનામાં સામાન્ય કરતા 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

ચોથું કારણ: આટલી ગરમી પાછળનું ચોથું કારણ માણસ પોતે છે. આજે મોટાભાગના શહેરોનું સ્વરૂપ જોઈએ તો જાણે સાવ પલટાઈ ગયું છે. લીલોતરી તો બહુ ઓછી જોવા મળી રહી છે. વિકાસના નામે આડેધડ ઝાડનું નિકંદન નીકળે છે. મોટી મોટી ઈમારતો વધી રહી છે અને ઘરોમાં એસીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. પાકા રસ્તાનો વિસ્તાર થઈ રહ્યો છે. ગાડીઓના ધૂમાડા અને તેની ગરમી વાતાવરણને નુકસાન પહોંચાડી રહી છે. આજ કારણ છે કે આવા મોટા શહેરોમાં તાપમાન પણ એ જ ગતિથી વધી રહ્યું છે. આવા શહેરોને અત્યારના સમયમાં Urban Heat Island કહે છે. એટલે કે એવા શહેર જ્યાં વસ્તી વધુ છે. મોટી મોટી ઈમારતો છે. ઝાડ અને હરિયાળી ઓછી છે. ડામરના રસ્તા છે અને આ કારણોસર તાપમાન બપોરના સમયે સામાન્યથી 8 ડિગ્રી સુધી વધી જાય છે. 

अन्य खबरों के लिए क्लिक करें - https://t.co/asaJAvmeIt pic.twitter.com/Od04cuvL6M

— Zee News (@ZeeNews) May 17, 2022

જો તમે એવા કોઈ શહેરમાં રહેતા હોવ જ્યાં વસ્તી ઓછી છે, લીલોતરી વધુ છે અને આજુબાજુ તળાવ કે પાણીના બીજા કોઈ સ્ત્રોત છે તો તમારા શહેરનું તાપમાન અન્ય કરતા ઠંડુ જોવા મળશે. એટલે ગરમી માટે માત્ર જળવાયુ પરિવર્તનને દોષ આપવો યોગ્ય નથી. વિકાસ પણ એક મોટું ફેક્ટર છે જેની કિંમત આજે આપણે કાળઝાળ ગરમી સ્વરૂપે ચૂકવી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news