પાટલી બદલવામાં માસ્ટર નીતીશકુમાર, સુશાસન બાબુથી પલટુદાસ કેવી રીતે થઈ ગયા નીતીશ?

Bihar Political Scenario: બિહારમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થયું છે, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો એ જ છે, નીતિશ કુમાર. જેમણે આરજેડી તરફ પીઠ ફેરવી અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે હાથ મિલાવ્યા છે.

પાટલી બદલવામાં માસ્ટર નીતીશકુમાર, સુશાસન બાબુથી પલટુદાસ કેવી રીતે થઈ ગયા નીતીશ?

પટનાઃ પાટલી બદલવામાં નીતીશકુમારનો લાંબો ભૂતકાળ રહ્યો છે. તેમને આમ કરવામાં ફાવટ પણ છે. જે તેમની રાજકીય ઓળખ પણ બની ચૂકી છે. કેન્દ્ર અને રાજ્યના રાજકારણમાં પાંચ દાયકા સુધી તેમણે સંઘર્ષ કર્યો છે. ત્યારે કેવી રહી છે તેમની અત્યાર સુધીની રાજકીય સફર, જોઈએ આ અહેવાલમાં.

ભારતના રાજકારણમાં નીતીશકુમાર ફક્ત એક નેતા નહીં, પણ આખો અધ્યાય છે. સામાન્ય રીતે તેમની ઓળખ વારંવાર પાટલી બદલતા નેતા તરીકેની છે. પણ તેમની ઓળખ આટલા પૂરતી મર્યાદિત નથી...સુશાસન બાબુ તરીકેની ઓળખનો જ કમાલ છે તેઓ 9 વખત મુખ્યમંત્રી બન્યા છે. તેનાથી પણ મોટી વાત એ છે કે ગઠબંધનમાં સામેલ પક્ષ કોઈ પણ હોય, મુખ્યમંત્રી પદે નીતીશકુમાર નક્કી હોય છે.

રાજકારણમાં પાંચ દાયકાનો અનુભવ ધરાવતા નીતીશકુમારની રાજકીય સફર 1974માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે જોડાઈને જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. જો કે શરૂઆતમાં તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. 1977માં તેઓ પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા, પણ હારનો સામનો કરવો પડ્યો. 1980માં ફરી વિધાનસભાની ચૂંટણી લડ્યા, પણ જીત ન મળી. આ હારને જોતાં તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. જો કે 1985માં છેલ્લી વખત ચૂંટણી લડવાનું નક્કી કર્યું. લોકદળની ટિકિટ પર લડેલી ચૂંટણીએ તેમની કારકિર્દીને બચાવી દીધી..તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવી દીધા. 

આ તેમના માટે વિધાનસભાની છેલ્લી ચૂંટણી હતી. કેમ કે ત્યારબાદ તેમણે લોકસભાની જ ચૂંટણી લડી. 1989માં તેઓ પહેલી વાર બિહારની બાઢ લોકસભા બેઠક પરથી જીત્યા. ત્યારબાદ 1991, 1996, 1998, 1999 અને 2004માં પણ લોકસભાની ચૂંટણી જીત્યા.  2004 બાદ તેઓ ન તો લોકસભાની ચૂંટણી લડ્યા, કે ન તો વિધાનસભાની. 

નીતીશકુમાર આમ તો વર્ષ 2000માં ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બન્યા હતા, પણ બહુમત ન હોવાથી સાત દિવસમાં રાજીનામું આપવું પડ્યું. 2005માં તેઓ ફરી ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બન્યા. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા 18 વર્ષથી તેઓ બિહારના મુખ્યમંત્રી છે. વચ્ચે મે 2014થી ફેબ્રુઆરી 2015 સુધી તેમણે જીતન રામ માંઝીને મુખ્યંમત્રી પદ સોંપ્યું હતું. વિધાન પરિષદના સભ્ય તરીકે તેઓ મુખ્યમંત્રી પદ મેળવતા આવ્યા છે.

એન્જિનીયરિંગનો અભ્યાસ કરનાર નીતીશકુમાર એન્જિનીયરિંગને વ્યવસાય તો ન બનાવ્યો, પણ રાજકારણના એન્જિનીયરિંગમાં મહારત હાંસલ કરી લીધી. વાજપેયી સરકારમાં રેલવે અને કૃષિ મંત્રી રહી ચૂકેલા નીતીશકુમારે બિહારમાં સરકાર બનાવવા RJD અને BJPનો વારાફરતી સહારો લીધો. આમ કરવું તેમના માટે સ્થાપિત ક્રમ બની ગયો. આ જ કારણસર તેમને પલટુરામ જેવી ઉપમા પણ મળી..

નીતીશે સરકાર બનાવવા બદલેલી પાટલીના કિસ્સા પર નજર કરીએ તો,  2013માં નીતીશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડીને પહેલી વાર RJD સાથે સરકાર બનાવી હતી. 2017માં તેમણે RJD સાથે છેડો ફાડીને ભાજપ સાથે સરકાર બનાવી. 2022માં ફરી ભાજપ સાથે અણબનાવ થતા તેમણે RJDનો હાથ પકડ્યો. અને છેલ્લે 28 જાન્યુઆરીના રોજ RJDનો હાથ છોડીને ફરી NDAમાં સામેલ થઈ ગયા. જેના કારણે પલટુરામ તરીકેની તેમની ઈમેજ વધુ પ્રબળ બની છે.

અહીં એ પણ જાણી લેવું જોઈએ કે બે વખત RJDનો સાથ છોડનાર નીતીશકુમાર 1994 સુધી લાલુ સાથે જ જનતા દળમાં હતા. પણ 1994થી તેમના રસ્તા અલગ થઈ ગયા. જો કે સમયાંતરે બંને સાથે જરૂર આવતા રહ્યા. જેમાં લાલુની મજબૂરી હતી અને નીતીશનો તકવાદ. અત્યાર સુધીના ઘટનાક્રમને જોતાં હવે ભવિષ્ય માટે કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news