મમતા બેનર્જીને મોટો ઝટકો, કોલકાતા HC એ 5 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે જજ પર સવાલ ઉઠાવવાના મામલે 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ કૌશિક ચંદા (Justice Kaushik Chanda) એ પોતાના પર લાગેલા આરોપો નિરાધાર જણાતા પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પૈસાનો ઉપયોગ કોવિડ-19 પીડિત પરિવારોના સભ્યોની મદદ માટે કરાશે. અત્રે જણાવવાનું કે મમતા બેનર્જીએ નંદીગ્રામમાં હાર બાદ કોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી માટે જજ બદલવાની માગણી કરી હતી. મમતાએ જસ્ટિસ ચંદા પર ભાજપ સાથે સંબંધનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટની છબી ખરડવાનો આરોપ
કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા એમ પણ કહ્યું કે મમતા બેનર્જીએ ન્યાયપાલિકાની છબી ખરડવાની કોશિશ કરી છે. આ અગાઉ અરજી દાખલ કરતી વખતે મમતા તરફથી કહેવાયું હતું કે જસ્ટિસ ચંદાનો કથિત ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. આવામાં તેમણે કેસથી હટી જવું જોઈએ.
શું છે મામલો
વાત જાણે એમ છે કે 2જી મેના રોજ 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. બંગાળમાં ટીએમસીની જીત જરૂર થઈ પણ મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પર ભાજપના શુવેન્દુ અધિકારી સામે હારી ગયા. 1956 મતોથી હાર્યા બાદ મમતાએ ફેર મતગણતરીની માગણી કરી. જેને ચૂંટણી પંચે સ્વીકારી નહીં.
Calcutta High Court imposes a fine of Rs 5 lakhs on West Bengal CM Mamata Banerjee for putting the judiciary in a bad light. The amount will be used for lawyers families who have been affected by COVID19
— ANI (@ANI) July 7, 2021
ત્યારબાદ ચૂંટણી પરિણામો વિરુદ્ધ મમતા કોલકાતા હાઈકોર્ટ ગયા. આ અરજીમાં તેમણે શુવેન્દુ અધિકારી પર ચૂંટણીમાં લાંચ, ભ્રષ્ટાચાર અને ધર્મના આધારે મત માંગવાનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી રદ કરવાની માગણી કરી. આ કેસમાં સુનાવણી કૌશિક ચંદાની બેન્ચ કરી રહી હતી. જેના પર મમતા બેનર્જીએ તેમને કેસથી અલગ કરવાની માગણી કરી. તેમનું કહેવું હતું કે કૌશિક ચંદાના ભાજપ સાથે સંબંધ છે. તેમની આ માગણી પર કોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો છે.
મમતાની પરંપરાગત સીટ ભવાનીપુર ખાલી
નંદીગ્રામમાં હાર્યા બાદ મમતાએ 7મી મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા. ત્યારબાદથી સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી ક્યાંથી લડશે. આખરે તેમની પરંપરાગત સીટ ભવાનીપુરથી ટીએમસીના વિધાયક શોભનદેવ ચેટર્જીએ રાજીનામું આપી દીધુ. હવે નક્કી છે કે મમતા અહીંથી ચૂંટણી લડશે. બંગાળમાં 2011માં વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરથી તૃણમૂલના સુબ્રત ચૂંટણી જીત્યા હતા. તેમના રાજીનામા બાદ મમતાએ અહીંથી પેટાચૂંટણી લડી હતી. 2016માં પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે