VVIP હેલિકોપ્ટરઃ વચેટિયા મિશેલની જામીન અરજી ફગાવી, કોર્ટે 7 દિવસની કસ્ટડીમાં મોકલ્યો

કોર્ટની સુનાવણી પછી સીબીઆઈ બાદ ઈડીને પણ મિશેલ ક્રિશ્ચનની ધરપકડ કરી છે, ઈડીએ આ અંગે અરજી દાખલ કરીને પ્રોડક્શન વોરન્ટની માગણી કરી હતી 

VVIP હેલિકોપ્ટરઃ વચેટિયા મિશેલની જામીન અરજી ફગાવી, કોર્ટે 7 દિવસની કસ્ટડીમાં મોકલ્યો

નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચન મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવાઈ છે અને તેને 7 દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલવાનો આદેશ અપાયો છે. આ કેસમાં મની લોન્ડરિંગ અંગે ઈડી મિશેલની પુછપરછ કરશે. શનિવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ બાદ ઈડીએ પણ ક્રિશ્ચન મિશેલની ધરપકડ કરવા માટે પ્રોડક્શન વોરન્ટની માગ સાથે અરજી કરી હતી. 

સુનાવણી દરમિયાન ઈડીએ મિશેલની ધરપકડ કરીને પુછપરછ માટે રિમાન્ડમી માગ કરી હતી. જેના અંગે કોર્ટે ઈડીને મિશેલની પુછપરછ માટે 15 મિનિટનો સમય આપ્યો હતો. 15 મિનિટની પુછપરછ બાદ ઈડીએ મિશેલની ધરપકડ કરી હતી. 

કોર્ટે 19 ડિસેમ્બરે મિશેલની જામીન અરજી અંગે બંને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન સીબીઆઈએ જામીનનો વિરોધ કરતા જણાવ્યું કે, આ કેસમાં તપાસ ચાલુ છે, આથી મિશેલને જામીન ન આપવા જોઈએ. જો મિશેલ જેલમાંથી બહાર જશે તો તપાસને પ્રભાવિત કરી શકે છે. 

મિશેલના વકીલે જણાવ્યું કે, મિશેલ દુબઈમાં પહેલાથી જ 5 મહિના સુધી જેલમાં રહીને આવ્યો છે, આથી હવે તેને ભારતમાં કસ્ટડીમાં રાખી શકાય નહીં. આ કેસમાં અન્ય આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. મિશેલના વકીલે કોર્ટને જણાવ્યું કે, સીબીઆઈ દુબઈ જઈને પાંચ વખત મિશેલની પુછપરછ કરી ચુકી છે અને દિલ્હીમાં 15 વખત પુછપરછ કરવામાં આવી છે. મિશેલ ડિસ્લેક્સિયા બીમારીથી પીડિત છે, આથી તેને જામીન આપવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વીવીઆઈપી હેલોક્ટર ખરીદીના સોદામાં વચેટિયાની ભૂમિકામાં રહેલા ક્રિશ્ચન મિશેલને 4 ડિસેમ્બરની રાત્રે ભારતમાં દુબઈથી પ્રત્યાર્પણ કરીને લવાયો હતો. ત્યાર બાદથી તે સીબીઆઈની કસ્ટડીમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news