દેશના 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે કાલે મતદાન, મોદી સરકારના 8 મંત્રીઓનું ભાવી થશે EVMમાં સીલ

Lok Sabha Election: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રથમ તબક્કાના મતદાન પહેલા મતદાતાઓને જુસ્સા સાથે સામેલ થવાની અપીલ કરી છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન થશે.

દેશના 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે કાલે મતદાન, મોદી સરકારના 8 મંત્રીઓનું ભાવી થશે EVMમાં સીલ

નવી દિલ્હીઃ 19 એપ્રિલે લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન યોજાશે. દેશના 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. જેના માટે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે ત્યારે પહેલાં તબક્કામાં કયા-કયા રાજ્યોમાં ચૂંટણી યોજાશે?. આ બેઠક પર કયા મોટા ઉમેદવારો રેસમાં છે? આવો જોઈએ.... 

આ બેઠકો પર થશે મતદાન
તમિલનાડુની 39 બેઠક...
રાજસ્થાનની 12 બેઠક.... 
ઉત્તર પ્રદેશની 8 બેઠક...
મહારાષ્ટ્રની 6 બેઠક...
મધ્ય પ્રદેશની 6 બેઠક...
અસમની 5 બેઠક....
ઉત્તરાખંડની 5 બેઠક...
બિહારની 4 બેઠક....
પશ્વિમ બંગાળની 3 બેઠક...
મેઘાલયની 2 બેઠક...
અરૂણાચલ પ્રદેશની 2 બેઠક...
છત્તીસગઢ-જમ્મુ કાશ્મીરની 1-1 બેઠક...
ત્રિપુરા, મિઝોરમ, પુડ્ડુચેરીની 1-1 બેઠક...
સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુરની 1-1 બેઠક...
લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારની 1-1 બેઠકનો સમાવેશ થાય છે....

102 સીટ પર થનારા પ્રથમ ચરણના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં છે, સાથે બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલની અગ્નિપરીક્ષા થશે. પહેલા ચરણમાં ક્યા કેન્દ્રીય મંત્રીઓના નામ પર EVMના બટન દબાશે, તેના પર વાત કરીએ તો  મહારાષ્ટ્રની નાગપુર સીટ પરથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. વર્ષ 2014માં ગડકરીએ સાત વખતથી સાંસદ બની રહેલા વિલાસ મુત્તેમવારને 2.84 લાખ મતથી હરાવ્યા હતા. તો 2019 લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે 2.16 લાખ મતથી હરાવ્યા હતા. ત્યારે આ વખતે નિતિન ગડકરી હેટ્રીક લગાવવાના મૂડ સાથે મેદાનમાં ઉતર્યા છે. 

રાજસ્થાનની બીકાનેર બેઠક પરથી ભાજપના નેતા અને કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે. અર્જુનરામ મેઘવાલ સામે કોંગ્રેસના પૂર્વ મંત્રી ગોવિંદરામ મેઘવાલ મેદાનમાં છે. રાજસ્થાનની અલવર સીટ પર હાઈપ્રોફાઈલ માનવામાં આવી રહી છે. જ્યાંથી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ જંગ લડી રહ્યા છે. અરુણાચલ પ્રદેશની પશ્ચિમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ ચૂંટણી મેદાનમાં છે. કિરણ રિજિજૂ વર્ષ 2004થી 3 વખત આ બેઠક પર સાંસદ ચૂંટાઈ રહ્યા છે અને હવે ચોથી વખત જીત સાથે મેદાનમાં ઉતર્યા છે. 

અસમની ડિબ્રૂગઢ બેઠક પર કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જમ્મુ કાશ્મીરના દિગ્ગજ નેતા અને મોદી સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહ ઉધમપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તમિલનાડુની નીલગિરી સીટ પરથી મોદી સરકારના મંત્રી એલ. મુરુગન ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે.

2019માં યોજાયેલી ચૂંટણીમાં આ 102 બેઠકમાંથી ભાજપે 40, DMKએ 24 અને 15 બેઠકો કોંગ્રેસે જીતી હતી.જ્યારે 23 બેઠકો પ્રાદેશિક પક્ષોના ખાતામાં ગઈ હતી.  આ વખતે પહેલા તબક્કાની ચૂંટણીમાં મોદી સરકારના મંત્રીઓ સિવાય કયા મોટા ચહેરા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે તેના પર નજર કરીએ તો..

બિહારની જમુઈ બેઠક પરથી LJPના ચિરાગ પાસવાન....
મધ્ય પ્રદેશની છીંદવાડા બેઠક પરથી કોંગ્રેસના નકુલનાથ....
ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી ભાજપના જિતિન પ્રસાદ...
પશ્વિમ બંગાળની કૂચબિહાર બેઠક પરથી ભાજપના નિશિથ પ્રમાણિક....
તમિલનાડુની કોઈમ્બતુર બેઠક પરથી ભાજપના કે.અન્નામલાઈ...
તમિલનાડુની થૂથુક્કુડીથી DMKના કનિમોઝી કરૂણાનિધિ...
જયપુર બેઠક પરથી કોંગ્રેસના પ્રતાપસિંહ ખાચરિયાવાસ....
રાજસ્થાનની નાગૌર બેઠક પર RLPના હનુમાન બેનીવાલ...
રાજસ્થાનની ચુરુ બેઠક પરથી કોંગ્રેસના રાહુલ કસ્વાં....

હાલ તો તમામ પક્ષોએ મતદારોને આકર્ષિત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે મતદારો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે તે તો 4 જૂને મતગણતરીમાં સામે આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news