વિવાદમાં આવેલા વિવેક બિન્દ્રાએ એવું તે શું કહ્યું હતું આપણા મોરબી વિશે? માંગવી પડી માફી, જાણો શું હતો મામલો

પોતાના વીડિયોમાં મોટી મોટી વાતો કરવાના ચક્કરમાં વિવેક બિન્દ્રા અનેકવાર માફી માંગી ચૂક્યા છે. બિન્દ્રાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતના મોરબી ઉદ્યોગકારોની માફી માંગવી પડી હતી.

વિવાદમાં આવેલા વિવેક બિન્દ્રાએ એવું તે શું કહ્યું હતું આપણા મોરબી વિશે? માંગવી પડી માફી, જાણો શું હતો મામલો

પત્નીને નિર્દયતાથી મારવાના ગંભીર આરોપમાં ફસાયેલા પોતાને મોટિવેશનલ સ્પીકર ગણાવતા વિવેક બિન્દ્રા કઈ આ પહેલીવાર વિવાદમાં નથી ફસાયા. પોતાના વીડિયોમાં મોટી મોટી વાતો કરવાના ચક્કરમાં વિવેક બિન્દ્રા અનેકવાર માફી માંગી ચૂક્યા છે. બિન્દ્રાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતના મોરબી ઉદ્યોગકારોની માફી માંગવી પડી હતી. બિન્દ્રાની માફીનો આ એકમાત્ર કિસ્સો નથી. આ અગાઉ બિન્દ્રાએ પશ્ચિમ બંગાળ અને પંજાબના અકાલ તખ્ત ઉપર પણ ટિપ્પણી મામલે માફી માંગવી પડી હતી. તાજા મામલામાં બિન્દ્રા પર તેની પત્ની સાથે તાલિબાની વર્તન કરીને હિંસા કરવાનો આરોપ છે. બિન્દ્રા પર આરોપ છે કે તેમણે તેમની પત્નીના વાળ ઉખાડી નાખ્યા અને એટલી મારી હતી કે પત્નીના કાનનો પડદો ફાટી ગયો હતો. આ નવા મામલામાં બિન્દ્રાના સાળાએ જ કેસ દાખલ કર્યો છે. 

મોરબીના ઉદ્યોગપતિઓએ કર્યો હતો વિરોધ
ગુજરાતના મોરબી સાથે જોડાયેલા આ વિવાદમાં બિન્દ્રાનું બિનજવાબદાર વલણ સામે આવ્યું હતું. બિન્દ્રાએ પોતાના એક વીડિયોમાં ગુજરાતના ટાઈલ્સ હબ મોરબી અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બિન્દ્રાએ મોરબી ટાઈલ્સને ખરાબ ગણાવ્યા હતા. આ વીડિયોમાં બિન્દ્રાએ કહ્યું હતું કે "પહેલા બિલ્ડર તમને ઈટાલિયન ટાઈલ્સ દેખાડશે અને પછી મોરબીની ખરાબ ટાઈલ્સ પધરાવી દેશે." બિન્દ્રાના વીડિયોમાં આ કમેન્ટને લઈને મોરબીથી આકરી પ્રતિક્રિયા આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ મોરબીના ટાઈલ્સ ઉદ્યોગકારોના સંગઠન દ્વારા કાનૂની કાર્યવાહીની ધમકી અપાતા બિન્દ્રાએ પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી. 

દુનિયાભરમાં પ્રખ્યાત છે મોરબીની ટાઈલ્સ
બિન્દ્રાએ આકરા વિરોધ બાદ પોતાના ફેસબુક પેજ પર માફી માંગીને વીડિયો હટાવ્યો હતો. મોરબીના સિરેમિક ટાઈલ્સ એસોસિએશનના પદાધિકારીઓએ ત્યારે વિવેક બિન્દ્રાને કડક ચેતવણી આપી હતી. મોરબીમાં બનનારી સિરેમિક ટાઈલ્સની દુનિયાભરમાં પ્રતિષ્ઠા છે. ગુજરાતના મોરબીથી દુનિયાના લગભગ 150 દેશોમાં ભારતની ટાઈલ્સ જાય છે. મોરબીમાં દુનિયાની લગભગ 40 ટકા ટાઈલ્સનું ઉત્પાદન થયું હતું. મોરબીના ટાઈલ્સ ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર 60 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news