Viral VIDEO : ચેન્નાઈમાં બસની છત પરથી એકસાથે 20થી વધુ વિદ્યાર્થી નીચે પડ્યા!

મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ચેન્નાઈમાં એક બસની છત પર વધુ પડતી સંખ્યામાં બેસેલા વિદ્યાર્થીઓ બસના ડ્રાઈવર દ્વારા અચાનક બ્રેક મારતાં નીચે પડી ગયા હતા, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી 
 

Viral VIDEO : ચેન્નાઈમાં બસની છત પરથી એકસાથે 20થી વધુ વિદ્યાર્થી નીચે પડ્યા!

ચેન્નાઈઃ સોમવારે અમદાવાદમાં ચાલુ સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીઓ નીચે પડી જવાની ઘટનાની આખો દિવસ ચર્ચા રહી હતી. મંગળવારે સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક બસની છત પર સવાર વિદ્યાર્થીઓ બસના ડ્રાઈવર દ્વારા અચાનક જ બ્રેક મારતાં નીચે પડતા જોવા મળે છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું, પરંતુ આ વીડિયો દિવસ દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 

આ વીડિયો ચેન્નાઈનો છે. ચેન્નાઈમાં 'બસ ડે'ની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ સોમવારે બસની છત પર બેસીને શહેરમાં નિકળ્યા હતા. અવાડીથી અન્ના સ્ક્વેર તરફ જતી ચેન્નાઈ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (સીટી બસ)ની બસ નંબર 27Hમાં આ ઘટના ઘટી હતી. આ બસની છત પર 20થી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા. છત પર બેસેલા વિદ્યાર્થીઓ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ બસની બારીમાં લટકીને ઊભા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ પગથિયા પર બહારના ભાગમાં પગ લટકાવીને ઊભા હતા. છત બસ રહેલા વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ડ્રાઈવરની કેબિનના ઉપરના ભાગ પર આગળની તરફ કાચ પર પગ લટકાવીને બેઠા હતા તો કેટલાક ઊભા રહીને બૂમો પાડી રહ્યા હતા. 

બસ ધીમે-ધીમે આગળ વધી રહી હતી. એટલામાં બસની આગળ ચાલી રહેલા એક બાઈક સવારે અચાનક જ બ્રેક મારતાં બસના ડ્રાઈવરે પણ જોરથી બ્રેક મારી હતી. બસને જોરથી બ્રેક લાગતાં બસની છત પર આગળના ભાગે બેસેલા 20થી વધુ વિદ્યાર્થીઓ એક-બીજાની ઉપર નીચે પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ઈજા પહોંચી ન હતી. 

જૂઓ બસની છત પરથી પડી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો....

કિલપોક વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનર રાજાએ જણાવ્યું કે, "આ ઘટના અંગે પોલીસે પાચીયાપાસ કોલેજના 17 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. જેમાંથી 9 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અને બાકીના કોલેજમાં વર્તમાનમાં ભણી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ સામે જાહેર વ્યવસ્થામાં ભંગ કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સાથે જ તેમના વાલીઓને બોલાવીને તેમની સામે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી ભુલ ન કરવા પણ સમજાવાયા છે. સાથે જ પોલીસે કોલેજને પણ આ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે." 

'બસ ડે'ની ઉજવણી એ ચેન્નાઈની વાર્ષિક પરંપરા છે અને છેલ્લા અનેક દાયકાથી શહેરની કોલેજના વિદ્યાર્થીઓ આ ઉજવણી કરતા આવ્યા છે. બસ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ જાહેર પરિવહન સેવાની બસની છત પર સવાર થઈ જતા હોય છે. તેઓ બસ પર બેસીને ધીંગા-મસ્તી કરતા હોય છે અને જાહેર પરિવહનમાં વિઘ્ન ઉભા કરતા હોય છે. વર્ષ 2011માં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા 'બસ ડે'ની ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ કરતા રહ્યા છે.  

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news