UP Local Body Results 2023: યુપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જલવો, સપા-બસપા અને કોંગ્રેસને લાગ્યો ઝટકો

UP Nagar Nikay Chunav Results 2023: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની નગરપાલિકા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. ભાજપે 17 શહેરોમાં મેયર પદની ચૂંટણી જીતી છે. આ સિવાય નગરપાલિકા અને નગર પંચાયતમાં પણ મોટી જીત મેળવી છે. 

UP Local Body Results 2023: યુપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જલવો, સપા-બસપા અને કોંગ્રેસને લાગ્યો ઝટકો

લખનઉઃ કર્ણાટકના પરિણામો વચ્ચે યુપીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો દબાઈ ગયા. કર્ણાટકમાં ભાજપને જ્યાં નિરાશા હાથ લાગી છે, ત્યાં યુપીમાં ભાજપે જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. યુપીના તમામ શહેરોમાં ભાજપના મેયર બન્યા છે. જો કે આ પરિણામોમાં કોંગ્રેસ ક્યાંય નજરે નથી પડતી. કોંગ્રેસનો એક રીતે સફાયો થઈ ગયો છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસને પછડાટ 
શનિવારે જ્યાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં હતા, ત્યાં ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ રહ્યા હતા. યુપીના 75 જિલ્લાની 17 મહાનગર પાલિકાઓ, 199 નગર પાલિકાઓ અને 544 નગર પંચાયતોની ચૂંટણી બાદ મતગણતરી થઈ હતી. 

આ પરિણામો ભલે યુપી પૂરતા મર્યાદિત હતા, પણ ભાજપને તેનાથી રાહત જરૂર મળી છે. કર્ણાટકમાં ભાજપે જ્યાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યાં યુપીના મહાનગરો, નગર પાલિકા અને નગર પંચાયત વિસ્તારોમાં ભાજપ પહેલા ક્રમે રહી છે.  ભાજપે યુપીની તમામ 17 શહેરોમાં મેયર પદ માટેની ચૂંટણી જીતી છે. ભાજપે ગત ટર્મમાં ગુમાવેલી મેરઠ અને અલીગઢ મનપામાં પણ આ વખતે પોતાના મેયર બનાવ્યા છે. જ્યારે પહેલી વાર ચૂંટણી યોજાઈ તે શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કમળ ખિલ્યું છે. 

યોગી આદિત્યનાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજ્યમાં આક્રમક પ્રચાર કર્યો હતો, તેમણે 50 રેલીઓ યોજી હતી. આ પરિણામોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજકીય કદ વધાર્યું છે. જ્યારે અન્ય પક્ષોનું કદ ઘટ્યું છે. 

ભાજપે યુપીના તમામ મહાનગરોમાં મેયર પદની સીટ જીતી છે. સપા, બસપા અને કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નથી આવી. નગરપાલિકાના અધ્યક્ષ પદમાં ભાજપને ફાળે 98, સપાને ફાળે 59, બસપાને ફાળે 19 અને કોંગ્રસને ફાળે ફક્ત 7 બેઠકો આવી છે. જ્યારે  નગર પંચાયતના અધ્યક્ષ પદોમાં ભાજપના ફાળે, 204, સપાને ફાળે 171, બસપાને ફાળે 51 અને કોંગ્રેસને ફાળે 44 બેઠકો  આવી છે.  એટલે કે કોંગ્રેસ અહીં ભાજપ, સપા અને બસપા બાદ ચોથી ક્રમે છે. જે યુપીમાં કોંગ્રેસની સ્થિતિ દેખાડે છે. 

ગૃહ મંત્રી અમિત શાહે  ટ્વિટ કરીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કાર્યકરોને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

કર્ણાટકમાં જ્યાં હિંદુત્વનો મુદ્દો મતદારોને સ્પર્શયો નથી, ત્યાં યુપીમાં તેનાથી ઉલટી સ્થિતિ છે. યુપીમાં હિંદુત્વ સૌથી મોટો મુદ્દો છે, આ ઉપરાંત યુપીમાં કોંગ્રેસ ઘણી નબળી સ્થિતિમાં છે. આ જ કારણ છે કે યુપીમાં ભાજપ સામે 2024માં દેખીતા પડકારો નથી.

કર્ણાટકમાં હાર અને યુપીમાં જીત બાદ ભાજપ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીના મોડમાં આવી ગઈ છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના પરિણામોની શું અસર દેખાશે, તેના પર સૌની નજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news