યુપી સરકારે 10 ટકા અનામત લાગુ કરી, દેશનું ત્રીજું રાજ્ય બન્યું
આ અગાઉ ગુજરાત અને ઝારખંડ પોતાના રાજ્યમાં ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામત લાગુ કરી ચૂક્યા છે
Trending Photos
નવી દિલ્હીઃ લખનઉમાં યોગી સરકારની કેબિનેટ બેઠકમાં ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામતનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં સવર્ણ અનામત લાગુ થઈ જશે. આ અનામત 14 જાન્યુઆરી, 2019થી માન્ય ગણાશે. સવર્ણ અનામન લાગુ કરનારું ગુજરાત અને ઝારખંડ બાદ ઉત્તરપ્રદેશ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે.
સરકાર દ્વારા આર્થિક રીતે નબળા સવર્ણો માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી અનામત લાગુ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા ગુજરાત સરકારે 10 ટકા અનામતને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કુલ 14 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.
બેઠક બાદ મીડિયાને માહિતી આપતા રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, રાજ્યમાં કેન્દ્રની ઢબે જ અનામત લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના આર્થિક રીતે નબળા સવર્ણો માટે 10 ટકા અનામત અંગેનો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. બંધારણીય (124) સુધારા ખડાને લોકસભા અને રાજ્યસભામાં મંજુરી મળી ગયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાતાં તે કાયદો બની ગયો હતો.
આર્થિક રીતે પછાત વર્ગના એવા સામાન્ય વર્ગના પરિવારને આ અનામતનો લાભ મળશે જેની વાર્ષિક કમાણી રૂ.8 લાખ કરતાં ઓછી હશે, જેની પાસે 5 હેક્ટર કરતાં ઓછી જમીન હશે, જેમનું મકાન 1000 ચોરસ ફૂટ કરતાં ઓછા ક્ષેત્રફળનું હશે અને જો ઘર નગરપાલિકામાં હશે તો પ્લોટનો આકાર 100 યાર્ડ કરતાં પણ ઓછો હોવાની શરત રાખવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે