સુષમા સ્વરાજ બાદ હવે ઉમા ભારતીએ પણ કરી મોટી જાહેરાત

દોઢ વર્ષ સુધી ગંગા અને રામ મંદિર પર ફોકસ કરવા માગું છું અને એટલા માટે જ મેં આ વખતે 2019ની લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે 

સુષમા સ્વરાજ બાદ હવે ઉમા ભારતીએ પણ કરી મોટી જાહેરાત

ભોપાલઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે રાજકારણ ગરમાતું જઈ રહ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ભોપાલમાં રામ મંદિર અને ગંગા માટે કામ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ હવે આગામી દોઢ વર્ષ સુધી ગંગા અને રામ મંદિર પર ફોકસ કરવા માગે છે. એટલે આગામી 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ 2019ની લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, આરોગ્યના કારણોને લઈને તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે, તેનો અર્થ એ નથી કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યાં છે. 

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, "હું મૃત્યુ સુધી રાજનીતિ કરતી રહીશ, પરંતુ દોઢ વર્ષ માટે રામ અને ગંગા માટે કામ કરીશ. આથી મેં 15 જાન્યુઆરીથી ગંગાનો પ્રવાસ કરવા માટે પક્ષની મંજૂરી માગી છે. દોઢ વર્ષ સુધી હું ગંગા અને રામ મંદિર પર ફોકસ કરવા માગું છું. આથી મેં નિર્મય લીધો છે કે, આ વખતે 2019ની લોકસભા ચૂંટણી નહીં લડું." 

તેમણે જણાવ્યું કે, "રામ મંદિર માટે વટહુકમ લાવવા એક સકારાત્મક વાતાવરણ ખડું કરવું પડશે. રામ મંદિર માટે કોઈ આંદોલનની જરૂર નથી. 2010માં ચૂકાદો આવી ચૂક્યો છે કે વચ્ચેનો ડોમ રામ લલ્લાનો છે. બધી જ પાર્ટીઓને એક કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. મને જ્યારે પણ કહેવાશે ત્યારે પ્રયાસ કરીશ. રામ મંદિરનો મુદ્દો દેશના સોહાર્દ સાથે જોડાયેલો છે, આથી જેટલું વહેલું બને એટલું આ મુદ્દાનું સમાધાન કરવું જરૂરી છે." 

ગંગા યાત્રા અંગે ઉમાએ જણાવ્યું કે, "ગંગા કિનારે યાત્રા કરવા માટે હું અમિતા શાહની મંજુરી લઈશ. દોઢ વર્ષ સુધી ગંગા યાત્રા કરીશ. મારી ઈચ્છા છે કે શિવરાજ પ્રચંડ બહુમત સાથે વિજયી બને અને મધ્યપ્રદેશમાં તેમની સરકાર બને. કોંગ્રેસના લોકો ખોટા વહેમમાં છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલિંગ બૂથ પર પણ જોવા મળ્યા ન હતા."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news