કર્ણાટકઃ બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચતા JDS-Congress સરકાર સંકટમાં

બે અપક્ષ ધારાસબ્ય આર. શંકર અને એચ. નાગેશે કુમાર સ્વામી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, તેની સાથે જ કર્ણાટકમાં રાજકારણ ગરમાઈ ગયું છે 

કર્ણાટકઃ બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચતા JDS-Congress સરકાર સંકટમાં

નવી દિલ્હીઃ કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામી સરકાર સંકટમાં મુકાઈ રહી છે. બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે. તેમણે આ અંગેનો પત્ર રાજ્યપાલને સોંપ્યો છે. આ અંગે અપક્ષ ધારાસભ્ય આર. શંકરે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, આજે મકરસક્રાંતિ છે. અમે આ પ્રસંગે સરકારમાં પરિવર્તના ઈચ્છીએ છીએ. જેડીએસ-કોંગ્રેસ સરકાર નિષ્ફળ રહી છે. આથી હું કર્ણાટક સરકારને આપેલો ટેકો પાછો ખેંચું છું. 

બીજા અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશે જણાવ્યું કે, મેં શ્રેષ્ઠ અને સ્થિર સરકાર માટે ગઠબંધનને ટેકો આપ્યો હતો, પરંતુ આવું બન્યું નથી. ગઠબંધન પક્ષોમાં કોઈ તાલમેલ નથી. આથી મેં આ સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે અને સ્થિર સરકાર માટે ભાજપની તરફેણમાં જવાનો નિર્ણય લીધો છે. 

આ સાથે જ મહારાષ્ટ્રમાં ભાજપના કેબિનેટ મંત્રી રામ શિંદેએ એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે, આગામી બે-ત્રણ દિવસમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે. મુખ્યમંત્રી કુમારસ્વામી પાસે બહુમત નથી. કર્ણાટકમાં ભાજપ સાથે અન્યાય થયો છે. બહુમત ભાજપનો હતો, પરંતુ જેડીએસ-કોંગ્રેસના ગઠબંધને સરકાર બનાવી હતી. 

બદલાઈ રહેલા આ ઘટનાક્રમ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ જણાવ્યું કે, તેનાથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરે પણ જણાવ્યું કે, ભાજપ ધન અને સત્તાની લાલચ આપીને અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ સરકારને અસ્થિર બનાવવાના પ્રયાસો સફળ નહીં થાય. અમારી સરકારને કોઈ જોખમ નથી. 

આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો તરફથી એક-બીજા ઉપર ધારાસભ્યોના ખરીદ-વેચાણના આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news