'પશ્ચિમ બંગાળમાંથી માંડ-માંડ જીવતો આવ્યો છું': અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં મંગળવારે રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે યોજેલી પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં હું માંડ માંડ જીવતો બચ્યો છું
 

'પશ્ચિમ બંગાળમાંથી માંડ-માંડ જીવતો આવ્યો છું': અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ફરી એક મોટી હિંસા જોવા મળી છે. મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. જેમાં પથ્થરમારો, વાહનોમાં તોડફોડ અને આગ લગાવા જેવી ઘટનાઓ જોવા મળી હતી. આ અંગે અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'હું માંડ માંડ પશ્ચિમ બંગાળથી જીવતો આવ્યો છું.'

CRPFના લીધે બચ્યો
અમિત શાહે જણાવ્યું કે, "મંગળવારે મારા રોડ શો દરમિયાન ટીએમસીના ગુંડાઓએ તમામ હદો પાર કરી હતી. સીઆરપીએફના કારણે જ આજે હું તમારી વચ્ચે બેઠો છું. હું પશ્ચિમ બંગાળમાં માંડ માંડ જીવતો બચ્યો છું." અમિત શાહે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. 
 
અમિત શાહે જણાવ્યું કે, "પશ્ચિમ બંગાળમાં જે ઘટના થઈ છે તેની સત્ય હકીકત તમારી સમક્ષ રજૂ કરવા આવ્યો છું. દેશમાં એક પણ રાજ્યમાં હિંસા થતી નથી. માત્ર પશ્ચિમ બંગાળમાં જ શા માટે થઈ રહી છે. ભાજપ તો સમગ્ર દેશમાં ચૂંટણી લડી રહી છે, પછી માત્ર પશ્ચિમ બંગાળમાં જ શા માટે હિંસા થઈ રહી છે?"

અમિત શાહ સામે બે FIR
બુધવારે કોલકાતા પોલિસ દ્વારા અમિત શાહ સામે બે FIR દાખલ કરવામાં આવી છે. જોડાસાંકો અને એમહર્સ્ટ સ્ટ્રીટના પોલિસ સ્ટેશનમાં આ એફઆઈઆર દાખળ કરાઈ છે. એવું કહેવાય છે કે, આ બંને એફઆઈઆર ટીએમસીના વિદ્યાર્થી એકમ દ્વારા દાખલ કરાવાઈ છે. 

જંતર-મંતર પર ભાજપનું પ્રદર્શન
ભાજપ દ્વારા કોલકાતા હિંસા મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાઓ 'સેવ બંગાલ, સેવ ડેમોક્રસી' સહિતના અનેક બેનર લઈને આવ્યા હતા. પોતાના મોઢા પર આંગળી રાખીને મૌન રહીને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ટીએમસીનો પ્રતિઆક્ષેપ
ટીએમ સીનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ સમાજસેવક અને દાર્શનિક ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે. ટીએમસીએ આ અંગેની ફરિયાદ કરવા માટે ચૂંટણી પંચ પાસે મુલાકાતનો સમય માગવામાં આવ્યો છે. ટીએમસીએ ટ્વીટ કરી છે કે, "ડેરેક ઓ બ્રાયન, સુખેન્દુ શેખર રાય, મનીષ ગુપ્તા, નદીમુલ હકની તૃણમુલ સંસદીય ટીમ અમિત શાહના કોલકાતા ખાતેના રોડ શો દરમિયાન બંગાળની સંપત્તી પર થયેલા હુમલા અંગે ચૂંટણી પંચની મુલાકાત કરવા માગે છે. ભાજપના બહારથી લાવવામાં આવેલા ગુંડાઓએ આગ લગાડી હતી અને વિદ્યાસગરની પ્રતિમા તોડી નાખી હતી." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news