મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીનું મોત


શનિવારે સવારે તેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ દર્દીને બુલઢાણા જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ અને બપોરે તેણે જીવ ગુમાવી દીધો હતો.
 

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીનું મોત

નાગપુરઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે બપોરે 71 વર્ષીય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. તે સાઉદી અરબથી પરત ફર્યા હતા અને શંકા હતી કે તેને કોરોના વાયરસનો ચેપ છે. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું છે. તેમને ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતા. તેના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. જો તે કોરોના વાયરસનો કેસ સાબિત થયો તો દેશમાં ઘાતક વાયરસને કારણે મોતની ત્રીજી ઘટના હશે. 

દર્દીને ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર પણ હતું
સિવિલ સર્જન પ્રેમચંદ પંડિતે પીટીઆઈને જણાવ્યું કે, દર્દીને થોડા દિવસ પહેલા હાઈ બ્લડ પ્રેશરને કારણે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે સવારે તેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ દર્દીને બુલઢાણા જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ અને બપોરે તેણે જીવ ગુમાવી દીધો હતો. ડોક્ટર પંડિતે જણાવ્યું, તેના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેનું મોત સાંજે 4 કલાક અને 20 મિનિટે થયું હતું. હાલ લેબના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. 

દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2 મોતની પુષ્ટિ
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 84 પર પહોંચી ગઈ છે. તેમાંથી સ્વસ્થ થઈ ચુકેલા 10 દર્દી અને 2 મોતના મામલા સામેલ છે. અત્યાર સુધી જે 2 મોતના મામલાની પુષ્ટિ થઈ છે, તેમાં પહેલો કર્ણાટકના કલબુર્ગી અને બીજો દિલ્હીનો મામલો છે. કલબુર્ગીમાં સાઉદી અરબથી પરત પરત ફરનાર વૃદ્ધનું મોત થયું છે જ્યારે દિલ્હીમાં શુક્રવારે એક વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો હતો. મહિલાનો પુત્ર ઇટાલીથી પરત ફર્યો હતો અને તેના માધ્યમથી માતાને ચેપ લાગ્યો હતો. 

કોરોનાથી જીવ ગુમાવનાર પરિવારજનોને 4 લાખની મદદ
કેન્દ્ર સરકારે શનિવારે કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સહાયતા રકમની જાહેરાત કરી છે. મૃત્યુ પામનાર દર્દી કે પછી દર્દીનું ધ્યાન રાખનારના મોત પર તેના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી 4-4 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવશે.

4000થી વધુ લોકો દેખરેખમાં રાખવામાં આવ્યા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસોની સંખ્યા 84 થઈ ચુકી છે. મંત્રાલયે જણાવ્યું કે, પીડિત 7 લોકો હવે સ્વસ્થ થઈ ચુક્યા છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય કેરલના 3 દર્દીઓ પહેલાં જ સ્વસ્થ થઈ ચુક્યા છે. કુલ 84 ચેપી લોકોના સંપર્કમાં આવેલા 4000થી વધુ લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. મંત્રાલય તરફથી તે પણ જણાવવામાં આવ્યું કે, ઈરાનથી ભારતીયોને લઈને આવનારુ વિમાન શનિવારે મોડી રાત્રે મુંબઈમાં લેન્ડ કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news