Supreme Court માંથી પ્રવાસી મજૂરોને મોટી રાહત મળી, કોવિડ-19 સ્થિતિ રહે ત્યાં સુધી ફ્રી રાશન આપવાના નિર્દેશ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રવાસી મજૂરોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે અને તમામ રાજ્યોને 31 જુલાઈ સુધીમાં વન નેશન વન રાશનકાર્ડ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
પ્રવાસી મજૂરોને વિનામૂલ્યે રાશન આપવાના પણ નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ-19ની સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને વિનામૂલ્યે વિતરણ માટે રાશન ઉપલબ્ધ કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એમઆર શાહની પેનલે ત્રણ કાર્યકરોની અરજી પર અનેક મહત્વના નિર્દેશ આપ્યા.
અરજીમાં કરાઈ હતી આ માગણી
અરજીમાં કહેવાયું હતું કે પ્રવાસી મજૂરો કોવિડ-19ની બીજી લહેર દરમિયાન દેશના વિભિન્ન ભાગોમાં કરફ્યૂ અને લોકડાઉનના કારણે સંકટનો સામનો કરી રહ્યા છે. અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને પ્રવાસી મજૂરો માટે ખાદ્ય સુરક્ષા, કેશ ટ્રાન્સફર અને અન્ય કલ્યાણકારી ઉપાય સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવાની ભલામણ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટના કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ
પેનલે કેન્દ્રને 31 જુલાઈ સુધી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશન માટે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (NIC) ની મદદથી એક પોર્ટલ વિક્સિત કરવાનું કહ્યું જેથી કરીને કલ્યાણ યોજનાઓનો લાભ તેમને આપવામાં આવી શકે. કોર્ટે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને સંબંધિત રાજ્યોમાં વૈશ્વિક મહામારીની સ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરો માટે સામુદાયિક રસોડાનું સંચાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો.
મફત વિતરણ માટે અનાજ ઉપલબ્ધ કરાવે કેન્દ્ર
સુપ્રીમ કોર્ટની પેનલે મહામારીની સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને વિનામૂલ્યે વિતરણ કરી શકાય તે માટે કેન્દ્રને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનાજ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું. કાર્યકરો અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરે પ્રવાસી મજૂરો માટે કલ્યાણકારી ઉપાયોને લાગૂ કરવાની ભલામણ સાથે એક અરજી દાખલ કરી હતી.
(અહેવાલ-સાભાર ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે