રાજકોટ આગકાંડ પર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી, ઘટના આઘાતજનક છે અને પહેલીવાર નથી બની

રાજકોટ આગકાંડ પર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી, ઘટના આઘાતજનક છે અને પહેલીવાર નથી બની
  • રાજ્ય સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને ખાતરી અપાઈ છે અને આવતીકાલ સુધીમાં મુખ્ય સચિવ આ મામલે બેઠક કરશે તેવું જણાવાયું.
  • કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

બ્રિજેશ દોશી/અમદાવાદ :રાજકોટની કોવિડ હોસ્પિટલના આગકાંડ માટે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું. સુપ્રિમ કોર્ટે (supreme court) રાજકોટની કરુણાંતિકાને આઘાતજનક જણાવી. સાથે જ સુપ્રીમ સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું કે, આગનો અકસ્માત આઘાતજનક છે અને પહેલીવારનો નથી થયો. જે પણ જવાબદારો હોય તેમની સામે પગલાં ભરાવા જોઈએ. રાજકોટ આગકાંડ (rajkot) મામલે સુપ્રીમ કોર્ટનું મોટું અવલોકન સામે આવ્યું છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી સુપ્રિમ કોર્ટને ખાતરી અપાઈ છે અને આવતીકાલ સુધીમાં મુખ્ય સચિવ આ મામલે બેઠક કરશે તેવું જણાવાયું છે. સાથે જ મુખ્ય સચિવ સમગ્ર મામલે તપાસનો રિપોર્ટ કોર્ટમાં અપાશે તેવું પણ જણાવાયું છે. 

— ANI (@ANI) November 27, 2020

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે માસ્ક મામલે ઝાટકણી કાઢતા કહ્યું કે, 80 ટકા લોકો માસ્ક પહેરતા નથી. તો અનેક લોકોના જડબા પર માસ્ક લટકતા હોય છે. કાર્યક્રમો અને જલસા થઈ રહ્યાં છે. લોકો માસ્ક નથી પહેરતા, જડબા પર માસ્ક લટકે છે. એસઓપી અને ગાઈડલાઈન બનાવી દેવાઈ છે. પણ ઈચ્છા શક્તિ દેખાઈ નથી રહી. 

હોસ્પિટલના ટ્રસ્ટનો ચોંકાવનારો ખુલાસો 
તો બીજી તરફ, જે હોસ્પિટલમાં આગ લાગી તે ઉદય શિવાનંદ હોસ્પિટલની માલિકી શિવાનંદ ટ્રસ્ટની છે. ત્યારે સમગ્ર મામલે ટ્રસ્ટના સંચાલકોનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સંચાલકોએ જણાવ્યું કે, અમે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા તૈયાર નહોતા. કલેક્ટર તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે અમને ફરજ પાડવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના જજ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ
સમગ્ર ઘટનામાં વિપક્ષના નેતાએ તપાસની માંગણી કરી છે. ડિસ્ટ્રીક્ટ અથવા હાઇકોર્ટના જજ દ્વારા નિષ્પક્ષ તપાસની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. કોંગ્રેસે કહ્યું કે, સરકારના કોરોના અંગેના પગલાં ટીકાપત્ર છે. સાથે જ રાજકોટના મેયરના નિવેદનને પણ કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યુ છે. કોંગ્રેસે કહ્યુ કે, આ કુદરતી નહિ, પણ માનવસર્જિત ઘટના છે. મેયરે યોગ્ય સમયે યોગ્ય શબ્દ બોલવા જોઈએ. ઘટનાની સમયસર જાણ થઈ હોત તો દુર્ઘટના અટકાવી શકાઈ હતી.  ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયરે ઘટના બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ કુદરતી ઘટના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news