સરકાર વિરોધી પ્રવૃત્તિ બદલ સુદીન ધાવલીકરની ગોવાના નાયબ મુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ધાવલીકરને નાયબ મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા આંગેનો પુત્ર ગવર્નર મૃદુલા સિંહાને લખ્યો છે 

સરકાર વિરોધી પ્રવૃત્તિ બદલ સુદીન ધાવલીકરની ગોવાના નાયબ મુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના નેતા સુદીન ધાવલીકરની નાયબ મુખ્યંમત્રીપદેથી હકાલપટ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના બે નેતાઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. 

ગોવા વિધાનસભામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ત્રણ ધારાસભ્ય હતા, જેમાંથી બે ધારાસભ્યો મોડી રાત્રે ભાજપમાં જોડાઈ ગયા હતા, જ્યારે ધાવલીકરે ભાજપમાં જોડાવાનો ઈનકાર કર્યો હતો. બુધવારની ઘટનાને ધાવલીકરે 'ચોકીદાર દ્વારા ધાડ પાડવામાં આવી' હોવાનું જણાવ્યું હતું. 

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ધાવલીકરને નાયબ મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા આંગેનો પુત્ર ગવર્નર મૃદુલા સિંહાને લખ્યો છે. સાવંતે પીટીઆઈને જણાવ્યું કે, "મેં સુદીન ધાવલીકરને કેબિનેટમાંથી પડતા મુક્યા છે. ખાલી પડેલી જગ્યા ભરવા માટેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે." રાજ્યપાલ સિંહાએ ધાવલીકરની હકાલપટ્ટી અંગેની પ્રમોદ સાવંતની ભલામણને સ્વીકારી લીધી છે. 

રાજભવનમાંથી કરાયેલી જાહેરાત અનુસાર, "મુખ્યમંત્રી દ્વારા સુદીન ધાવલીકરને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવાની જે ભલામણ કરાઈ છે તેનો રાજ્યપાલ દ્વારા સ્વીકાર કરાયો છે અને તે તાત્કાલિક ધોરણે અસરમાં આવશે."

ધાવલીકરે જણાવ્યું કે, "લોકો ચકીત થઈ ગયા છે, જે રીતે ચોકીદાર દ્વારા એમજીપી પર મધરાતે ધાડ પાડવામાં આવી હતી. લોકો બધું જ જોઈ રહ્યા છે અને તેઓ તેનો જવાબ આપશે." મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીને પ્રજાનો ટેકો છે અને ભાજપ પાર્ટીને તોડી પાડવાના તેના હેતુમાં સફળ થશે નહીં. 

ઉલ્લેખનીય છે કે, ગઈ રાત્રે થયેલા એક ઘટનાક્રમમાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કરે વિધાનસભાના અધ્યક્ષ મિશેલ લોબોને તેઓ ભાજપમાં વિલય કરી રહ્યા હોવાનો પત્ર સોંપ્યો હતો. 

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, સુદીન ધાવલીકરને સરકાર વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા છે. ગોવાના સીએમએ જણાવ્યું કે,"ધાવલીકરને મંત્રીમંડળમાંથી દૂર કરાયા છે. તેઓ સરકાર વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. અમારી ગઠબંધનની સરકાર હતી, તેમ છતાં તેમના ભાઈ દીપક ધાવલીકરક શિરોડાથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા હતા. અમે તેમને વારંવાર વિનંતી કરી પરંતુ તેઓ તેમનો નિર્ણય પાછો ખેંચવા માગતા ન હતા, જેના કારણે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news