વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો 

વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 

વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો 

યુપીના વારાણસીમાં વંદે ભારત એક્સપ્રેસ પર  પથ્થરબાજીની ઘટના પાછળ જે ખુલાસા થયા છે તે ખુબ ચોંકાવનારા છે. યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે કે પથ્થરબાજોનો હેતુ ફક્ત ટ્રેનની બારીઓને તોડવાની સાથે ટ્રેનની સ્પીડ ધીમી કરવાનો હતો. ત્યારબાદ તેઓ બારી કિનારે બેઠેલા મુસાફરોના મોબાઈલ છીનવી લેવાની યોજના ઘડતા હતા. આ મામલે આરોપી હુસૈન ઉર્ફે શાહિદને ચંદૌલીના મુગલસરાય વિસ્તારથી પકડવામાં આવ્યો. તેની પૂછપરછમાં આ વાતો સામે આવી છે. 

વાત જાણે એમ છે કે 2 ઓક્ટોબર 2024ના રોજ વારાણસીથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર કાનપુરના પનકી સ્ટેશન પાસે પથ્થરબાજીની ઘટના ઘટી હતી. ટ્રેનના C7 કોચની બારીનો કાચ તૂટી ગયો અને અનેક મુસાફરો ડરના કારણે પોતાની સીટો પાસે ઝૂકી ગયા હતા. આ મામલે RPF વનકી અને GRP કંટ્રોલ પ્રયાગરાજને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવાની કલમો હેઠળ કેસ દાખલ કરાયો. 

ચોંકાવનારો ખુલાસો
વારાણસીની એટીએસ યુનિટે આ મામલે તપાસ શરૂ કરી અને આરોપી હુસૈન ઉર્ફે શાહિદની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે પથ્થર ફેંકવાનો અસલ હેતુ ટ્રેનની સ્પીડ ઓછી કરવાનો હતો, જેથી કરીને બારી પાસે  બેઠેલા મુસાફરોના મોબાઈલ સરળતાથી છીનવી શકાય. આ ષડયંત્રએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. 

અત્રે જણાવવાનું કે વંદે ભારત ટ્રેન પર પથ્થરબાજીની ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે. કાનપુર ઉપરાંત ઈટાવામાં પણ આવી ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓએ રેલવે અને સુરક્ષા દળો માટે પડકાર ઊભા કર્યા હતા. ઘટના બાદ રેલવે પ્રશાસને સુરક્ષા વધારી છે અને વંદે ભારત એક્સપ્રેસના રૂટ પર વધારે સુરક્ષા અને સતર્કતા વર્તવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષા માટે RPF અને GRP ની જોઈન્ટ ટીમો નિગરાણી કરી રહી છે. પોલીસની પાંચ ટીમો પણ આ મામલે તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓની ધરપકડના પ્રયત્નો ચાલુ છે. આ ષડયંત્રનો ખુલાસો થયા બાદ મુસાફરોની સુરક્ષા માટે આકરા પગલાં  ભરવામાં આવી રહ્યા છે. જેથી કરીને આવી ઘટનાઓને રોકી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news