CM યોગીના મુંબઈ પ્રવાસથી શિવસેના-MNS અકળાયા, CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું-' દમ હોય તો...'
Trending Photos
મુંબઈ: ઉત્તર પ્રદેશમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સીએમ યોગી આદિત્યનાથ બે દિવસના મુંબઈ પ્રવાસે આવ્યા છે. જેનાથી શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના લાલઘૂમ થયા છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં કહ્યું કે 'રાજ્યનો કોઈ પણ ઉદ્યોગ બહાર જશે નહીં, પરંતુ અન્ય રાજ્યોના ઉદ્યોગપતિઓ પણ મહારાષ્ટ્રમાં ઉદ્યોગ લગાવવા માટે આવશે.'
દમ હોય તો ઉદ્યોગ લઈ જઈ બતાવો-ઉદ્ધવ ઠાકરે
ઈન્ડિયન મર્ચન્ટ ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી મંગળવારે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર મેગ્નેટિક રાજ્ય છે. ઉદ્યોગપતિઓમાં આજે પણ મહારાષ્ટ્રનું આકર્ષણ કાયમ છે. રાજ્યનો કોઈ પણ ઉદ્યોગ બહાર જશે નહીં. દમ હોય તો અહીંના ઉદ્યોગ બહાર લઈ જઈને બતાવો.
બહારના લોકોની વાતોમાં ન આવો
યુપીના સીએમ યોગી આદિત્યનાથના પ્રવાસ પર ટિપ્પણી કરતા ઠાકરેએ કહ્યું કે કોમ્પિટિશન થવી એ સારી વાત છે, પરંતુ બૂમો પાડીને, ધમકાવીને કોઈ લઈ જવા ઈચ્છશે તો તે હું થવા નહીં દઉ. તેમણે રાજ્યના ઉદ્યોગપતિઓ અને બોલીવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ચેતવતા કહ્યું કે આજે પણ કેટલાક લોકો તમને મળવા આવશે અને કહેશે કે અમારા ત્યાં આવી જાઓ. પરંતુ તમારે તેમની વાતોમાં નથી આવવાનું.
મુંબઈની ફિલ્મ સિટી લઈ જવી મજાક છે કે શું-સંજય રાઉત
શિવસેનાના પ્રમુખ પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે પણ સીએમ યોગીના મુંબઈ પ્રવાસ પર નિશાન સાધ્યું. સંજય રાઉતે કહ્યું કે મુંબઈની ફિલ્મ સિટીને લઈ જવી મજાક છે કે શું. તેમણે સવાલ ઉઠાવ્યો કે નોઈડામાં ફિલ્મ સિટીના શું હાલ છે, તે બધા જાણે છે. એવામાં યુપીમાં વધુ એક ફિલ્મ સિટી બનાવવાથી કશું થવાનું નથી. સંજય રાઉતે કહ્યું કે કર્ણાટક, બંગાળ સહિત દેશના અનેક રાજ્યોમાં પણ ફિલ્મ સિટી બનેલી છે. શું સીએમ યોગી ત્યાં જઈને પણ ફિલ્મ સિટી અંગે વાત કરશે કે પછી તેમનું નિશાન ફક્ત મુંબઈ ફિલ્મ સિટી પર છે.
MNS એ પોસ્ટર લગાવીને સીએમ યોગીના ગણાવ્યા ઠગ
શિવેસના સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ સીએમ યોગી આદિત્યનાથના મુંબઈ પ્રવાસ પર નિશાન સાધ્યું. મુંબઈની જે ફાઈવ સ્ટાર હોટલમાં તેઓ રોકાયા છે તેની બહાર MNSએ રાતે મરાઠીમાં પોસ્ટર લગાવી દીધા. આ પોસ્ટરોમાં યોગી આદિત્યનાથને ઠગ ગણાવતા કહ્યું કે 'નિષ્ફળ રાજ્યની બેરોજગારી છૂપાવવા માટે મુંબઈના ઉદ્યોગને યુપી લઈ જવા માટે આવ્યો છે ઠગ.'
CM યોગી આજે મુંબઈમાં અનેક ઉદ્યોગપતિઓને મળશે
પોસ્ટરમાં લખ્યું હતું કે દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ સિટીને યુપી લઈ જવાના મુંગેરીલાલના સપના છે. જો કે આ પોસ્ટરની જાણકારી મળ્યા બાદ મુંબઈ નગરપાલિકાએ તેને ત્યાંથી હટાવી દીધા. સીએમ યોગી આજે પણ મુંબઈમાં અનેક ઉદ્યોગપતિઓ અને ફિલ્મ હસ્તીઓને મળવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે